'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-૯

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-૯

3 mins
600


તા. પ/૬/ર0૧પ

રસ્‍તામાં સાંઈમંદિર આવ્‍યું. વિશાળ અને ઉપર-નીચેના માળવાળું આ મંદિર સાંઈબાબાના જીવનનું દર્શન કરાવે છે.

મંદિરની દીવાલો ઉપર સાંઈબાબાના ફોટા કે ચિત્રો રાખેલ છે. થોડીવાર અહીં રહીને ‘નામ્‍ચીદર્શન' પૂર્ણ કર્યાં અને હવે પેલિંગના રસ્‍તે આગળ વઘ્‍યા. આખા રસ્‍તે વરસાદ તો ચાલુ જ હતો. કયાંક ધીમો પડતો હતો, તો કયાંક ધોધમાર વરસી જતો હતો. આ વરસતા વરસાદ સાથે રાત્રે ૮:00 વાગ્‍યે પેલિંગમાં 'હોટલ કિંગ સ્‍ટોન'માં પહોંચ્‍યા. હોટલના સંચાલકોનું વર્તન સારું લાગ્‍યું. ગંગટોકમાં જે કડવો અનુભવ થયો તે તકલીફ અહીં ન પડી. ભૂખ પણ લાગી હતી અને થાક પણ લાગ્‍યો હતો. અમારી ઈચ્‍છા મુજબ જમવાનું બનાવી આપ્‍યું. જમીને થાકને લીધે ઝટ ઊંઘ આવી ગઈ.

તા. ૬/૬/ર0૧પ

સવારે નાસ્‍તા વગેરેને ન્‍યાય આપીને 'પેલિંગ-દર્શન' માટે નીકળવાનું હતું. પેલિંગ સમુદ્રસપાટીથી ૬રપ0 ફૂટ ઊંચું છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને પર્વતોનાં શિખરો પેલિંગને સુંદર બનાવે છે. ઇતિહાસમાં ઊતરતા જાણવા મળ્‍યું કે પહેલા પેલિંગ જંગલોથી છવાયેલું હતું. પરંતુ અહીં બે બૌદ્ધ મઠો-પેમયાંગત્‍સે અને સંગચોએલિંગ બનવાથી પેલિંગનો વિકાસ થયો અને સુંદર અને સમૃદ્ધ શહેર બન્‍યું. સિક્કિમનું ગંગટોક પછીનું મહત્ત્વનું શહેર પેલિંગ છે. પેલિંગના મૂળ વસવાટીઓ લિમ્‍બુ સમુદાયની જનજાતિ છે. અહીંના લોકોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી છે. ઈલાયચી, મક્કા, ધાન, ઘઉં વગેરેની ખેતી કરે છે. ઓગસ્‍ટ માસમાં અહીં 'કાંચનજંઘા' તહેવારની ખૂબ જ ધામધૂમથી ઊજવણી થાય છે. ચોતરફ ઉત્‍સાહનો માહોલ છવાયેલો રહે છે. આ ઉત્‍સવમાં અનેક રમતોનું આયોજન થાય છે. સાથે સાથે લિંબુ નૃત્‍ય, ઉડિંગ અને છબરંગની પણ રંગત હોય છે.

પેલિંગ-દર્શન માટે ગાડીમાં બેઠા. પર્વતીય ઢોળાવોની ચડ-ઊતર કરતી ગાડી આગળ વધવા લાગી. ગાડીમાંથી ખીણોનું અદ્‌ભુત સૌંદર્ય જોવા મળતું હતું. ખીણોના ઢોળાવો ઉપર ઘણાં ઘરો જોવા મળ્‍યાં. જ્યાં ઊંડાઈ અને ઊંચાઈને જોતા જ આપણને ડર લાગે, ત્‍યાં એ લોકો કાયમી રહે છે. ઘરમાંથી નીકળતા થોડી પણ ભૂલ થાય તો સીધા ખીણમાં પડે એવી જગ્‍યાએ આ લોકો નીડર બનીને રહે છે. આ ઢોળાવો ઉપર જ પગથિયાં જેવાં પોતાનાં ખેતરોમાં કામ કરે છે. આ લોકોનાં બાળકો પણ શાળાએ જવા-આવવા માટે આ ઢોળાવો ઉપર કોઈપણ જાતના ડર વિના ચડ-ઊતર કરે છે. સાહસનો એકાદ અનુભવ પણ માણસના મનમાંથી બધો ડર દૂર કરી દેતો હોય છે.

આગળ વધતા રસ્‍તામાં એક જળધોધ આવ્‍યો. તેનું નામ ‘રીમ્‍બી વોટરફોલ' છે. પર્વતના શિખરેથી નીચે તરફ પડતો ધોધ મનોરમ્‍ય લાગતો હતો. ત્‍યાંથી થોડે જ આગળ વધતા હિમાલયના ભારતની હદમાં આવેલા દુનિયાના ત્રીજા નંબરના ઊંચા શિખર ‘કાંચનજંઘા' પરથી એક વિશાળ-પહોળો જળધોધ ભયંકર અવાજ સાથે નીચે પડે છે. તેનું નામ ‘કાંચનજંઘા વોટરફોલ' રાખવામાં આવ્‍યું છે. ધોધ સામે એકધારા જોતા રહીએ તો ચક્કર આવી જાય એવું લાગતું હતું.

કાંચનજંઘા સમુદ્રસપાટીથી ૮પ૮૬ મીટર ઊંચું હિમાલયનું શિખર છે. ઊંચાઈની દૃષ્‍ટિએ દુનિયામાં તેનો ત્રીજો નંબર છે. કાંચનજંઘાની એક તરફ સિક્કિમ છે, તો બીજી તરફ નેપાળની સીમા છે. લાલ પાંડા, બરફનાં અન્‍ય પ્રાણીઓ અને પક્ષીઓ માટેનું આ અભ્‍યારણ્‍ય છે. વનસ્‍પતિનું પણ અભ્‍યારણ્‍ય છે. કાંચનજંઘાનાં કુલ પાંચ શિખરો છે. જેમાંથી ત્રણ ભારતની હદમાં અને બે નેપાળની હદમાં છે. કાંચનજંઘાનું સૌંદર્ય જોવા માટે તો અનેકોની આંખો તરસતી હોય છે. પણ વાદળ કે ધુમ્‍મસને લીધે કોઈકને જ તેનું દર્શન થાય છે. અમને તો આ લ્‍હાવો મળી ગયો. સૂર્યના પીળા પ્રકાશથી શોભાયમાન કાંચનજંઘાના સૌંદર્યને ભરી-ભરીને પીધું. મનમાં ચડેલા કાંચનજંઘાના સૌંદર્યના નશાને લીધે જાણે લથડતી ચાલે અમે ત્‍યાંથી આગળ વઘ્‍યા. . 

(ક્રમશ)


Rate this content
Log in