STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-7

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-7

2 mins
413

તા. ૪/૬/ર0૧પ

ફરી નથુલાના રસ્‍તે પહોંચ્‍યા. ત્‍યાં પરવાનગી માટે ખૂબ આજીજી કરવી પડી. ત્‍યાંથી રજા મળી જતાં અદ્‌ભુત સૌંદર્ય અને વરસાદની વચ્‍ચે આગળ વઘ્‍યા. રસ્‍તામાં આજુબાજુ અનેક જગ્‍યાએ બરફ છવાયેલો જોવા મળ્‍યો. નથુલા પહોંચ્‍યા ત્‍યાં બપોરના ૩:00 વાગી ચૂકયા હતા. ૩:00 વાગ્‍યા પછી અહીં વાતાવરણમાં અચાનક પરિવર્તન આવી જાય છે. એટલે ૩:00 વાગ્‍યા પછી અહીં મુલાકાતીઓને જવા દેતા નથી. અમને પણ અહીંના ફરજ ઉપરના સૈનિકોએ ના પાડી. ફરી ખૂબ આજીજી કરી ત્‍યારે આઠ મિનિટનો સમય આપ્‍યો. જેમાં પગથિયાં ચડી, ઉપર જઈ, ફરી નીચે આવી જવાનું.

નથુલાપાસ એટલે સમુદ્રસપાટીથી ૧૪૨૧૬ ફૂટની ઊંચાઈએ આવેલ ભારત-ચીન(તિબ્‍બત)ની સરહદ છે. ઊંચાઈને લીધે અહીં તાપમાન ‘માઈનસ'માં ચાલ્‍યું જાય છે. અમે પહોંચ્‍યા ત્‍યારે ૪ સે. હતું. ઠંડો પવન ફુંકાતો હતો. શરીરમાં ધ્રુજારી પેદા થઈ જતી હતી. અહીં આ ઊંચાઈએ વચ્‍ચે કાંટાળા તારની વાડ છે. એક બાજુ ભારતના સૈનિકો અને બીજી બાજુ ચીનના સૈનિકો સતત ચોકી-પહેરો કરે છે. અહીં ભારત તરફ ભારતનો દરવાજો છે, તો ચીન તરફ ચીનનો દરવાજો છે. જ્યારે માલ-સામાનની આયાત-નિકાસ કરવાની હોય ત્‍યારે આ દરવાજા ખોલવામાં આવે છે અને તરત બંધ કરી દેવામાં આવે છે. અહીંથી જ માનસરોવરની યાત્રાએ જઈ શકાય છે. અહીં 'કોન્‍ફરન્‍સ હોલ' પણ છે. જેમાં ભારત-ચીનના સૈન્‍ય-અધિકારીઓ અમુક સમયે કોન્‍ફરન્‍સ કરવા મળે છે.

અહીં વાતાવરણમાં અચાનક ફેરફાર થતો હોય છે. અમે ત્‍યાં હતા ત્‍યારે જ વાતાવરણમાં ફેરફાર થવા લાગ્‍યો. ખૂબ તેજીલી ઠંડી હવા વહેવા લાગી. ધુમ્‍મસ કે વાદળાં જેવું છવાવા લાગ્‍યું. એટલે તરત જ નીચેથી સિસોટી વગાડીને અમને ત્‍યાંથી નીચે ઊતરી જવાનું કહ્યું. અમે તરત જ ત્‍યાંથી નીકળી ગયા. અમારા પછી જેટલા મુલાકાતીઓ આવ્‍યા, તેમને નથુલાપાસ જોવા દીધા વિના જ પાછા વાળવા લાગ્‍યા. આ એક અદ્‌ભુત લ્‍હાવો હતો. પહેલી વખત આવો અદ્‌ભુત અનુભવ થયો હતો. ૧0-૧૫ સેકન્‍ડ પહેલા કંઈ ન હોય, અને ૧0-૧૫ સેકન્‍ડ પછી પૂરેપૂરો ફેરફાર થઈ જાય, એવો લ્‍હાવો રૂબરૂમાં લેવાની ખૂબ મજા આવી.

મનમાં થયું કે માથાકૂટ કરીને નથુલાપાસ જોવાનું નક્કી કરાવ્‍યું તે સફળ થયું. અમારો ફેરો ફોગટ ન ગયો. વાતાવરણ બદલાવના સાક્ષી બન્‍યાનો આનંદ મનમાં ભરી ત્‍યાંથી નીકળ્‍યા. વળતાં વચ્‍ચે એક જળધોધ પાસે રોકાયા. રમણીય સ્‍થળ જોવાની ખૂબ મજા પડી. ત્‍યાં ત્‍યાંનાં ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટા પડાવ્‍યા.

સાંજે પાંચેક વાગ્‍યે ગંગટોક પહોંચ્‍યા. હોટલમાં પહોંચી જમ્‍યા અને ફરીથી ગંગટોકની સ્‍વચ્‍છ-સુંદર બજારમાં લટાર મારવા નીકળી પડયા. એક પણ વાહન વગરની આ બજારમાં અહીંની અદ્‌ભુત કારીગરીવાળી ચીજો જોઈ, ઝાઝી તો નહિ, પણ થોડી ખરીદી કરી.પછી હોટલે આવ્‍યા અને ઊંઘી ગયા. રાત દરમિયાન વરસાદ તો ચાલુ જ હતો. કયારેક ઝબકીને જાગી જવાય તો વરસાદનું મધુર સંગીત સંભળાતું હતું. . 

(ક્રમશ:)


Rate this content
Log in