'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-3

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - ભાગ-3

3 mins
669


તા. ર/૬/ર0૧પ

સવારે ૬:00 વાગ્‍યે સીલીગુડી પહોંચ્‍યા. સીલીગુડી પ. બંગાળમાં છે. સિક્કિમ જવા માટે અહીંથી વાહન મળે. બસમાંથી ઊતર્યા ત્‍યાં તો પેકેજ ટુરવાળા પાછળ પડી ગયા. મીઠી-મીઠી વાતોમાં ભોળવવા લાગ્‍યા. અમને ખબર હતી કે, પેકેજ ટુરવાળા કાંઈક તો રમત રમી જ જાય, છતાં અમે ભોળવાયા. એક ઓફિસમાં ગયા. ખૂબ ઉતાર-ચડાવના અંતે ભાવતાલ નક્કી કર્યા. જેમાં વાહન, હોટલ, જમવાનો ચાર્જ આવી જતો હતો. સિક્કિમમાં ગંગટોક, નથુલાપાસ અને પેલિંગ તથા વળતાં દાર્જિલિંગનું પેકેજ નક્કી કર્યું. એક બિલમાં સાઈટસીન સહિતની વિગત લખીને આપ્‍યું. અમે તે ખિસ્‍સામાં મૂકયું.

પછી આઠ સીટની એક ગાડી આવી. જેમાં બેસીને સવારે ૭:૪૫ વાગ્‍યે ગંગટોક જવા નીકળ્‍યા. થોડીવારમાં ગાડીએ ઢાળ ચડવાનું ચાલુ કર્યું. કારણ કે ગંગટોક સમુદ્રસપાટીથી ૫૬00 ફૂટ જેટલું ઊંચું છે. એટલે ગાડી ઢાળ ઉપર આગળ ચડતી જતી હતી. ઢાળ ચડવાનો હોય, એટલે બાજુમાં ખીણ તો હોય જ! ખીણમાં જોવાની બીક ન લાગતી હોય, તો ખીણમાં જોવું એ પણ એક લ્‍હાવો છે. પર્વતોની ખીણોનું સૌંદર્ય પણ અદ્‌ભુત હોય છે, તેમાંયે અહીં તો નગાધિરાજ હિમાલયની ખીણ. એટલે સૌંદર્યની બાબતમાં કંઈ ઓછું તો ન જ હોય! (સાદી ખીણો-નીચે જોવી પણ ન ગમે તેવી ખીણોને ઊંચેથી જોતાં સૌંદર્યમયી જ લાગે. તો આ ખીણમાં તો હિમાલયની સુંદરતા સમાયેલી જ છે. તો હોય જ ને અદ્‌ભુત!) ખીણમાં સાલનાં ઊંચાં-ઊંચાં વૃક્ષો હતાં. ખીણમાં છેક સુધી નદી વહેતી જોવા મળી. પરંતુ ચોમાસામાં જેમ નદીનું પાણી ડહોળું હોય છે, તેમ આ નદીનું પાણી પણ છેક સુધી ડહોળું જ જોવા મળ્‍યું. સાલ, વાંસ, વગેરે અનેક જાતનાં વૃક્ષોને નિહાળતાં- નિહાળતાં, ખીણનું સૌંદર્ય જોતાં-જોતાં સવારે ૧૧:૩0 વાગ્‍યે ગંગટોક પહોંચ્‍યા.

બહારની ગાડીને અહીંના એક પાર્કિંગ સુધી જ જવા દેવામાં આવે છે. ત્‍યાંથી ગંગટોકમાં અંદર જવા માટે ત્‍યાંની સ્‍થાનિક ગાડી લેવી પડે છે. એટલે ત્‍યાંથી ગાડી બદલીને હોટલ માય યાક પહોંચ્‍યા. પેલા ટુર એજન્‍ટે લખી આપેલા બિલ બાબતનો ખરો ખેલ તો હવે થયો. અમારે નથુલાપાસ જોવાનું હતું અને ટુર એજન્‍ટે બિલમાં તે નામ લખ્‍યું નહોતું. એટલે હોટલવાળાએ નથુલા લઈ જવાની ના પાડી. અમે ખૂબ રકઝક કરી અને એજન્‍ટ સાથે ફોન ઉપર વાત કરીને 'હા' પડાવી. તો હોટલવાળાએ બીજો વાંધો લીધો. તેણે કહ્યું કે, ‘‘નથુલા જવા માટે ૪૮ કલાક પહેલા ફોરેસ્‍ટ ઓફિસમાં ફોટા અને ડોકયુમેન્‍ટ જમા કરાવવા પડે. આવું થાય તો જ ત્‍યાં જવાની પરમીટ મળે.'' વળી આ બાબતે રકઝક કરી. છેવટે ફરીથી એજન્‍ટને ફોન કર્યો, એક દિવસ ત્‍યાં વધારે રોકાવાનું નક્કી થયું અને નથુલાપાસ માટેની કાર્યવાહી શરૂ થઈ.

આવી માથાકૂટમાં લગભગ બપોરના ૩:00 વાગી ગયા અને ત્‍યારે જમવાનું મળ્‍યું. જમવાનું પણ પેટને ઠંડક વળે એવું કંઈ નહિ. જમવામાં ભાત, શાક અને પાણી જેવી દાળ મળી. રોટલી માગી તો 'ના' પાડી દીધી. કહે, અહીં દિવસના રોટલી બનાવવામાં આવતી જ નથી. અમને તો કહેવાયું હતું કે, તમારે જે જમવું હોય તે બનાવી આપશે. પણ અહીં તો જુદું જ નીકળ્‍યું. છેવટે પેટમાં થોડું પધરાવવા પૂરતું જમીને રૂમમાં ગયા. આજે કોઈ સાઈટ- સીન જોવા લઈ જવાના નહોતા. એટલે નજીકની બજારમાં આંટા માર્યા.

ગંગટોક સમુદ્રસપાટીથી ૫૬00 ફૂટ ઊંચું છે, વળી હિમાલયના ખોળામાં છે, એટલે સતત ઠંડું વાતાવરણ અનુભવવા મળ્‍યું. બપોરના સમયે થોડી પણ ઠંડી ઓછી થાય તો ત્‍યાંના લોકો તેને ગરમી કહે છે. બપોરના સમયની તે લોકોની આટલી ગરમી પડે તો પણ સાંજથી લઈને સવારના ૪:00 વાગ્‍યા સુધી વરસાદ વરસતો રહે છે. આજે પણ રાત્રિ દરમિયાન વરસાદ વરસતો જ હતો.

ગંગટોક સિક્કિમ રાજ્યની રાજધાની છે. તે અહીંનું મહત્વનું અને મોટું શહેર પણ છે. અહીંના લોકો નેપાળી ભાષા વધુ બોલે છે. સિક્કિમમાં ચાર જ જિલ્‍લા છે : પૂર્વ સિક્કિમ, પશ્ચિમ સિક્કિમ, ઉત્તર સિક્કિમ અને દક્ષિણ સિક્કિમ. ગંગટોક પૂર્વ સિક્કિમ જિલ્‍લામાં આવેલ છે. તે હિમાલય પર્વતની શિવાલિક પર્વતમાળામાં આવેલ છે. તેની ચારેબાજુ પર્વતમાળા છે અને તેનાં શિખરો મોટાભાગે બરફથી છવાયેલાં રહે છે. વાદળાં પણ હોય જ. અહીં ફરવાની મજા આવતી હોવાથી પ્રવાસીઓનો ધસારો રહે છે. લીલોતરી તો ખૂબ જ છવાયેલી છે. આ શહેરમાં બૌદ્ધ ધર્મના ઘણા મઠો છે. 

(ક્રમશ)


Rate this content
Log in