STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 8

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 8

2 mins
697

ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. પ/૬/ર0૧પ

સવારે નાસ્‍તો કર્યો. પછી હોટલવાળાએ ટેક્ષી બોલાવી. સવારે ૮:૪૫ વાગ્‍યા હતા. ગંગટોકથી પેલિંગ જવા માટે રવાના થયા. ટેક્ષીના ડ્રાયવરે રસ્‍તામાં વચ્‍ચે આવતાં નામ્‍ચી વિશે માહિતી આપી. તેથી તે જોવા જવાની લાલચ જાગી. ટેક્ષીવાળાને વધારાનું ભાડું આપીને નામ્‍ચી ગયા. રસ્‍તામાં પર્વતના ઢોળાવો ઉપર પગથિયાં આકારનાં ખેતરો જોયાં. જેમાં મકાઈ વાવેલ હતી. આ ખેતરોમાં જુલાઈથી ‘ધાન' વાવવામાં આવે છે. જે ઓકટોબર-નવેમ્‍બર સુધીમાં પાકી જાય છે. રસ્‍તામાં બંને બાજુ અનેક જાતનાં ફૂલો પણ જોવા મળ્‍યાં. સાથે સાથે પાઈન, વાંસ વગેરેનાં ઊંચાં- ઊંચાં વૃક્ષો જોયાં. આગળ વધતા ‘ટેમી ટી ગાર્ડન' નામનો ચાનો બગીચો આવ્‍યો.

વાત ઉપરથી જાણવા મળ્‍યું કે ચાના છોડની ઉપરનાં ત્રણ પાંદડાંમાંથી બનેલ ચા ખૂબ મોંઘી હોય છે. અહીં થોડીવાર રોકાયા, ફોટા પાડયા અને પછી રવાના થયા.

રસ્‍તામાં શાકભાજી વેંચનારા પણ બેઠા હતા. જેમની પાસે ગાજર, લાલ મૂળા, આલુ, બટેટા વગેરે ઘણાં શાકભાજી હતાં. રસ્‍તામાં ઘણી જગ્‍યાએ બંને બાજુનાં વૃક્ષો જાણે એકબીજાને ચુંબન કરતાં હોય એમ સામસામે અડી ગયાં હતાં.

વચ્‍ચે ધોધમાર વરસાદ પણ આવી ગયો. રસ્‍તા ઉપર પાણી-પાણી થઈ ગયું. છતાં ટેક્ષી રોકાઈ નહોતી. આગળ વધતા ‘બુદ્ધ ગાર્ડન' નામની જગ્‍યા આવી. અહીં ભગવાન બુદ્ધનું મંદિર છે. ગાર્ડનમાં બુદ્ધની ખૂબ જ ઊંચી પ્રતિમા છે. અહીં હતા ત્‍યાં જ ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. એટલે થોડીવાર રોકાયા. વરસાદ બંધ પડયો એટલે ફરી આગળ વઘ્‍યા.

હવે અમે નામ્‍ચીના સિદ્ધેશ્વરધામ પહોંચ્‍યા.

આ સ્‍થળ સમુદ્ર- સપાટીથી ખૂબ ઊંચાઈવાળી જગ્‍યાએ છે. અહીંનું વાતાવરણ પણ સરસ હતું. અફાટ હિમાલયના આ ભાગ ઉપરથી હિમાલયના બીજા ભાગોનું મનોરમ્‍ય દર્શન થતું હતું. આજુબાજુ હિમાલય અને નીચે ઊંડી ખીણ. આવી સુંદર જગ્‍યાએ અમે પહોંચ્‍યા હતા.

અહીં હિંદુધર્મનાં પ્રખ્‍યાત ચારધામો દ્વારકા, જગન્‍નાથપુરી, રામેશ્‍વર અને બદ્રીનાથનાં મંદિરો આવેલાં છે. એટલે કે ચારધામની જાત્રા આ એક જ જગ્‍યાએ થઈ જાય છે. મંદિરો પણ કેવાં ? જેવાં મૂળ ધામમાં છે એવાં જ દેખાવનાં. આવી જ રીતે ભારતનાં બાર જ્યોતિર્લિંગોનાં દર્શન પણ આ જગ્‍યાએ જ થઈ જાય છે. કારણ કે આ જ્યોતિર્લિંગોનાં મંદિરો પણ અહીં બનાવેલ છે. આ મંદિરો પણ મૂળ મંદિરો જેવાં જ બનાવ્‍યાં છે. ટૂંકમાં ભારતના દરેક ખૂણાનાં દર્શન આ એક જ જગ્‍યાએ થઈ જાય છે. ભક્તિનો અદ્‌ભુત લ્‍હાવો લઈને, એ પણ હિમાલયની સુંદર જગ્‍યાએથી અમે ફરી આગળ વઘ્‍યા. 

(ક્રમશ:)


Rate this content
Log in