'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 4

ઠંડા-હરિયાળા પ્રદેશમાં - 4

3 mins
540


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. ૩/૬/ર0૧પ

આજનો દિવસ કંઈ જોયા વિના વ્‍યર્થ જવાનો હતો. પરંતુ હોટલવાળા સાથે થોડી રકઝક કરીને અમુક ‘પોઈન્‍ટ' દેખાડવાનું નક્કી કરાવ્‍યું. ગંગટોકમાં આવ્‍યા ત્‍યારથી રકઝક ચાલુ જ હતી. જાણે હક્ક મેળવવા માટે લડવું પડતું હતું. ટુર એજન્‍ટની ભૂલ જાણે અમારે ભોગવવી પડતી હતી. (આવી રકઝકની વાત એટલે લખું છું કે, જેથી કોઈ ટુરપેકેજ લે તો બધી ચોખવટ કરી લે. અમે ચોખવટ કરી જ હતી. પણ એજન્‍ટ કંઈક રમત રમી ગયો હોય કે ભૂલી ગયો હોય એવું લાગ્‍યું.) લડયા વિના હક્ક મળતો નહોતો. આપણે સાચા હોઈએ ત્‍યાં સુધી ડરવાનું ન હોય, એવો સિદ્ધાંત મનમાં રાખીને ત્‍યાંના અજાણ્‍યા વિસ્‍તારમાં અજાણ્‍યા માણસો સાથે લડી લેતા હતા. તેનો ફાયદો પણ થતો હતો.

હવે હોટલવાળાએ અમારા માટે ગાડી મંગાવી. પછી અહીંના પ્રખ્‍યાત ‘ફલાવર એકઝીબેશન'માં ‘ફલાવર-શો' જોવા ગયા.

અહીં અનેક પ્રકારનાં, અનેક સાઈઝનાં, અનેક રંગોનાં, મતલબ કે જાત-જાતનાં અને ભાત-ભાતનાં અનેક ફૂલો જોવા મળ્‍યાં. ફૂલો જોવાનો શોખ તો પહેલાથી જ છે. એટલે અહીંનાં મનમોહક ફૂલો જોઈને મન પણ તે ફૂલોની માફક પ્રફુલ્‍લિત થઈ ગયું. ગાડીવાળાએ જે સમય આપ્‍યો હતો, તેનાથી ચાર ગણો સમય અમે એ ફૂલો વચ્‍ચે રહ્યા. ફૂલોની જેમ ખીલેલા ચહેરાઓ સાથે ત્‍યાંથી નીકળ્‍યા.

હવે ગાડીવાળો અમને અહીંના ‘રોપ-વે' પાસે લઈ ગયો. આ ‘રોપ-વે' એક સ્‍થળેથી બીજા સ્‍થળે જવા માટે નથી, પરંતુ ગંગટોકની ખીણનું સૌંદર્ય જોવા માટે છે. અમે આ ‘રોપ-વે'માં બેઠા અને ખીણનું સૌંદર્ય જોયું.

‘રોપ-વે'ની એ ડોલીમાં બેસીને અમે ખીણમાં વસેલાં ઘરો - કે જે બાળકો રમતમાં બનાવે એવાં નાનાં-નાનાં દેખાતાં હતાં - તે જોયાં. વળી અહીંના પગથિયાં આકારનાં ખેતરો તો જાણે કોઈ ચિત્રકારે દોરેલી રંગોળીઓ જોઈ લો ! દરેક ખેતરમાં જુદી-જુદી આકૃતિઓ દેખાતી હતી. ઘડીક તો થતું હતું કે, આ મનનો વહેમ તો નથીને! એટલે આંખ બંધ કરીને ખોલી અને ફરી નિરીક્ષણ કર્યું. અનેક જાતની રંગોળીઓ કુદરતના કોઈ મહાન ચિત્રકારે બનાવી હોય એવાં એ ખેતરો લાગતાં હતાં.

‘રોપ-વે'ના આનંદને મમળાવતાં-મમળાવતાં નજીકમાં આવેલા ‘નામ નાંગ વ્‍યૂ પોઈન્‍ટ' નામના સ્‍થળે ગયા. અહીં પણ ઉપરથી ખીણનો અદ્‌ભુત નજારો જોવા મળ્‍યો. જેવો નજારો ‘રોપ-વે'માંથી જોવા મળ્‍યો હતો, એવો જ નજારો અહીં પણ જોવા મળ્‍યો. પહાડની બાજુમાં ખીણમાં રમત રમતાં એ વાદળો, (અમે તો વાદળો કરતાં ઊંચા હતા.) રંગોળી પૂરતાં ખેતરો, ઘરો વગેરેની સુંદરતા મનને મોહી લેતી હતી. કેવું અદ્‌ભુત દૃશ્‍ય! હવે એવું લાગતું હતું કે, અહીં તો એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ જઈએ ત્‍યાં તો પહેલી જગ્‍યા કરતાં બીજી જગ્‍યા વધુ સુંદર જ લાગે છે.

નામ નાંગ વ્‍યૂ પોઈન્‍ટ સિક્કિમના અંતિમ રાજા ‘નામ નંગ નામગ્‍યાલ' દ્વારા બનાવવામાં આવેલ છે. અહીંથી કાંચનજંઘાની બર્ફિલી હારમાળા જોઈ શકાય છે. સૂર્યોદય વખતનો અહીંનો નજારો તો મનમોહક હોય છે. સમુદ્રસપાટીથી ખૂબ ઊંચાઈ પર આવેલું આ સ્‍થળ સ્‍વર્ગનો આનંદ કરાવે એવું લાગે છે. ફોટોગ્રાફીના શોખીનો માટે અદ્‌ભુત સ્‍થળ છે.

રાત્રે જમીને ગંગટોકની બજારમાં ફર્યા. અહીં મહાત્‍મા ગાંધી માર્કેટમાં તો વાહનોને આવવાની સખત મનાઈ છે. જે લોકો આ બજારમાં આવે તેણે ચાલીને જ ફરવું પડે. પછી તે ગમે તેવો મોટો માણસ કેમ ન હોય! ટ્રાફિકના નિયમોનું ચુસ્‍ત પાલન થાય છે. (આવી જ રીતે બધે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તો કેવું સારું! અકસ્‍માતની બીક જ ન રહે ! કુદરતે સર્જેલી આ દુનિયા ખરેખર સુંદર જ રહે.) જ્યાં-ત્‍યાં કચરો ફેંકવાની મનાઈ છે. (બધે આવું હોય તો 'સ્‍વચ્‍છતા અભિયાન'ની જરૂર જ ન રહે.) ઠંડા વાતાવરણમાં પણ અહીંની આઈસ્‍ક્રીમ ખાવાની મજા માણી. બહાર ગયા હોઈએ તો ત્‍યાંની વિશિષ્‍ટતા શું છે તે જાણવું-અનુભવવું તો જોઈએને !

રાત્રે ૮:00 વાગ્‍યે મોટાભાગની દુકાનો બંધ થઈ જાય છે. એટલે હોટલે આવ્‍યા. વળી વરસાદનો ડર પણ ખરો. થોડીવારમાં તો તે ચાલુ પણ થઈ ગયો. જે રાતભર વરસતો રહ્યો. અહીં આ સમયમાં વરસાદ આવે જ છે. 

(ક્રમશ)


Rate this content
Log in