ઠંડા-હરિયાળા પ્રદેશમાં -2
ઠંડા-હરિયાળા પ્રદેશમાં -2
ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)
તા. ૩૧/પ/રo૧પ
ગોરખપુરથી સીલીગુડી જવું હતું. ત્યાંથી જ સિક્કિમમાં જઈ શકાય છે. ટ્રેનમાં વ્યવસ્થા થઈ શકે તેમ ન હોવાથી બસ માટે ફર્યા. બસ માટે ખૂબ હેરાનગતિ થઈ. કોઈ બસનો મેળ પડતો નહોતો અને કોઈ યોગ્ય રસ્તો દેખાડતું નહોતું. છેવટે એક જગ્યાએથી માર્ગદર્શન મળ્યું કે, અહીંથી બિહારના ગોપાલગંજ જાઓ. ત્યાંથી સીલીગુડીની બસ મળશે. (આ હેરાનગતિ એટલા માટે થઈ કે નેપાળમાંથી તો સીધા સિક્કિમમાં જઈ શકાય છે. પણ આ ગોરખપુરથી ટ્રેન સિવાય સીધી કોઈ વ્યવસ્થા નથી. નેપાળમાં જઈ ન શકયા એટલે આ મુસીબત આવી હતી.) સવારે ૯:૩o વાગ્યે ગોપાલગંજ જતી બસમાં બેઠા. બપોરે ૧૨:૩o વાગ્યે ત્યાં પહોંચ્યા. જોયું તો સીલીગુડી જવા માટે બે બસ તૈયાર જ હતી, પરંતુ અમારો એક દિવસ બગડવાનો જ લખાયેલો હતો. બસમાં જગ્યા નહોતી અને આ દિવસમાં બીજી કોઈ બસ નહોતી. એટલે ફરજિયાત ગોપાલગંજમાં રોકાવું પડયું. અહીં બસસ્ટેન્ડની સામે જ ‘હોટલ હરનંદન'માં રોકાયા.
હોટલમાં સામાન રાખીને એક સારા દેખાતા એ.સી. રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. મેનુ ખૂબ લાંબું........ઉં હતું. (અરે ! હરખાય ન જતાં. આગળ વાંચો તો ખરા !) મેનુ તો લાંબું હતું, પણ જે ચીજ માગી તે ‘નથી'નો જવાબ મળતો હતો. છેવટે ભાત (દાળ નહિ, શાક સાથે) ખાઈને ચલાવવું પડયું.
એક ખાનગી વાત કહું.....? અહીંના સરકારી બસસ્ટેન્ડને પ્રાઈવેટ ઠેકાવાળાઓએ કબ્જામાં લઈ લીધેલ છે. પ્રાઈવેટ ઠેકાવાળાની બસો અહીંથી જ ઉપડે છે. આ સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી અમે પણ સીલીગુડી જવા માટે આ ઠેકાવાળાની બસની ટિકિટ લીધી.
ગોપાલગંજમાં ફરવાની/જોવાની જગ્યા નથી. એટલે અહીંની બજારમાં ચક્કરો લગાવી. અહીં પણ લીચી સારી હતી. તેથી તે ખાવાની મોજ માણી. રાત્રિ થઈ અને બીજા દિવસના બપોરની વાટ જોવા લાગ્યા.
તા. ૧/૬/રo૧પ
ગોપાલગંજથી બસનો ઉપડવાનો સમય બપોરે ૧૨:૩o વાગ્યાનો હતો. અમે સમયસર ત્યાં પહોંચી ગયા. પણ બસ ઉપડે તો ને ! આમ કરતા બસ બપોરે ૧:રપ વાગ્યે રવાના થઈ. રસ્તામાં બિહારનાં ગામો જોવા મળતાં હતાં. જે જોયું તેમાં નાનાં મકાનો હતાં, માથે પતરાં કે નળિયાં હતાં, દુકાનો પણ પતરાંવાળી હતી. કયાંક-કયાંક જમવાનાં ઢાબાં આવતાં હતાં. તે પણ પતરાં અને કોથળાથી બનાવેલાં.
નાનાં-નાનાં ખેતરો પણ જોવા મળ્યાં. પાણીની સગવડ પણ સારી હોય એવું લાગ્યું. પણ એનો લાભ લેવાતો હોય એવું ન લાગ્યું. કોઈ ખેતરોમાં આંબાનાં ઝાડ હતાં, પણ કેરીઓ ન દેખાણી. તો કોઈ ખેતરમાં નાળિયેરી અને ખજૂરીનાં ઝાડ હતાં. પાણીની પૂરતી સગવડ હોવા છતાં ઘણાં ખેતરોમાં ખેતી થયેલી નહોતી. એટલે અહીં કુદરતે ખેતી કરી દીધી હતી. આ ખેતરોમાં સરસ મજાનું લીલુંછમ્મ ઘાસ દેખાતું હતું. શું આવાં સરસ ખેતરોમાં તેના માલિકને ખેતી કરવાનું નહિ ગમતું હોય?
બસ આગળ વધતી હતી. બપોરના રઃરoનો સમય થયો હતો. ત્યાં જ મુસાફરીમાં વિઘ્ન આવ્યું. બસમાં પંકચર થયું. મુસીબતમાં વધારો થયો. એક બાજુ પંકચર, તો બીજી બાજુ ગરમી. ગરમીથી ઘ્યાન દૂર કરવા ત્યાં વળી લીચી નજરે પડી, તે ખાધી. પૈડું બદલતા રપ મિનિટ લાગી. પછી ફરી બસ ચાલુ થઈ.
કુદરતમાં ફરવાથી પર્યાવરણવિદ પણ બની શકાય. અમે પણ જાણે મોટા પર્યાવરણવિદ હોઈએ એમ એક ઝાડ વિશે ચર્ચા કરવા લાગ્યા. કોઈ કહે, નાળિયેરી છે, તો કોઈ કહે, ખજૂરી છે. ત્યાં પાસે બેઠેલા બિહારીબાબુ બોલ્યા, ‘‘વહ તાડ હૈ.'' અમારી તો જાણે બોલતી બંધ થઈ ગઈ.
ગરમીનો પારો ઊંચો ચડતો જતો હતો, પણ આંખનો પારો નીચે ઊતરતો જતો હતો. એટલે આંખ ધરાર બંધ થઈ જતી હતી. મનનું કહ્યું તે માનતી જ નહોતી. એટલે અહીંની ભૂગોળ જોવાનું ઘણું મન હોવા છતાં ન જોવાયું. પણ જે જોયું તેમાં ઘણી જગ્યાએ લીચીના બગીચા જોયા. વૃક્ષો પર લીચીનાં લૂમખાં ને લૂમખાં લટકતાં હતાં. આ પહેલીવાર જોવા મળ્યું હતું. આ પહેલા તો લીચી ખાધી જ નહોતી, તો તેનું ઝાડ તો કયાંથી જોયું હોય !
રસ્તામાં બીજું એ જોયું કે, અહીંના મકાનોમાં પ્લાસ્ટર વગરની દીવાલો હતી. એટલે ઈંટો દેખાતી હતી. આનું કારણ કયું હશે એ ચર્ચા કરી નહોતી.
ગોપાલગંજથી ૧૪o કિમી અંતર કાપીને મુજફફરપુર પહોંચ્યા. અહીં વળી બસ ઊભી રહી અને ટાયર બદલ્યું. આ ગાળામાં ફરીથી એક કિગ્રા લીચી લીધી અને ઝાપટી ગયા.
આગળ વધતાં રસ્તામાં સફેદ માટીવાળાં ખેતરો જોવા મળ્યાં. મારી બાજુમાં બેઠેલ બિહારીબાબુએ કહ્યું કે, ‘‘આ માટી ઉપર વરસાદનું પાણી પડે એટલે કાળી દેખાય છે.'' આ પણ કુદરતની અજાયબી કહેવાય ને ! પછી ધીમે પગલે રાતરાણી પધાર્યા. રાણીને માન તો આપવું જોઈએ ને ! તો અમે પણ માન આપ્યું. વળી, અંધકારમાં કંઈ દેખાય પણ નહિ. એટલે રાણીને માન આપવામાં બાકીના રસ્તે કંઈ જોયું નહોતું.
(ક્રમશ:)
