'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –18

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –18

2 mins
469


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)

તા. ૧ર/૬/ર0૧પ

સરિતા સાગરને મળવા બાવરી બનતી હોય, તો સાગરે પણ તેને માન તો આપવું જોઈએ ને ! હા, તો આ નદીનો ધસમસતો પ્રવાહ જોતાં-જોતાં સાથે લાવેલા નાસ્‍તાને ન્‍યાય આપ્‍યો. પછી ગાડીમાં ગોઠવાયા અને થીમ્‍ફુ જવા રવાના થયા.

હિમાચ્‍છાદિત વિસ્‍તારોમાં લગભગ રોજ બપોરના ૩:00 વાગ્‍યા પછી ધુમ્‍મસનું રાજ હોય છે. એટલે આજે પણ હવે ધુમ્‍મસ છવાઈ ગયું હતું. રસ્‍તો ઝાંખો દેખાતો હતો. વચ્‍ચે-વચ્‍ચે વરસાદ પણ અમને મળવા અધીરો બની જતો હતો. અમે પણ તેની સાથે હાથ મિલાવી લેતા હતા. હા, ભેટતા નહોતા. એટલે બિચારો નિરાશ થઈને થોડીવારમાં ચાલ્‍યો જાય. પણ રહી ન શકે, એટલે ફરી પાછો આવી જાય. ધુમ્‍મસમાં સંતાયેલા વૃક્ષો તરફ ઘ્‍યાન ગયું. શું લાગ્‍યું ખબર છે ? કોઈ મહાન ચિત્રકારે પેન્‍સિલથી જાણે મજાના સ્‍કેચ બનાવ્‍યા ન હોય ! કુદરતની લીલાને નિહાળતાં થીમ્‍ફુ પહોંચ્‍યા. ઠંડીનું સામ્રાજ્ય વિસ્‍તરી ચૂકયું હતું. એટલે જમીને હવે પછીના સ્‍થળ પારોનું સ્‍વપ્‍ન જોતાં નિદ્રાધિન થયા.

તા. ૧૩/૬/ર0૧પ

આજે થીમ્‍ફુને ‘બાય બાય' કરી પારો જવાનું હતું. સવારે ૮:પ0 વાગ્‍યે રવાના થયા. ફરી અબ્‍દુલભાઈની મોટર પમ પમ ચાલવા લાગી. થીમ્‍ફુથી બહાર નીકળી ગયા અને પારોના રસ્‍તે ચડયા ત્‍યાં ધરાર રોકાવાનું મન થાય એવી નદી નજરે ચડી. એટલે મનને માર્યું નહિ અને રોકાયા. ખળખળ વહેતી નદી અને નદીના કાંઠે લીસા-સુંવાળા પથ્‍થર. મન ત્‍યાં રોકાયા વગર કેમ માને ? એ સુંવાળા પથ્‍થરોને ખોટું ન લાગે એટલે એમની સાથે થોડીવાર ગોષ્ઠી કરી, પાણીમાં ઊભા રહ્યા, સ્‍મૃતિરૂપ ફોટો લીધા અને ફરી ગાડીમાં રવાના થયા.

કુદરતની અજાયબીને નિહાળતા હવે અમે પારોના એરપોર્ટ પહોંચ્‍યા. એરપોર્ટમાં ઊડવાને અધીરું થઈ રહેલું એક વિમાન હતું. પણ અમારે તેમાં બેસવાનું ન હતું. એટલે હાથ ઊંચો કરીને રોકયું નહિ. અમે તો અમારી ગાડીમાં આગળ વઘ્‍યા, પારોની મુખ્‍ય બજારને પાર કરીને ‘રોમ્‍બો ઝોંગ' પહોંચ્‍યા.

કોતરણીવાળાં લાકડાં, ધાતુની કામગીરી, પથ્‍થરની ગોઠવણી, ભગવાન બુદ્ધની ગોલ્‍ડન પ્રતિમા, પ્રતિમા આગળ ફૂલોની, ફળોની, અન્‍ય વસ્‍તુઓની સજાવટ વગેરે ખૂબ સરસ લાગતું હતું. ઝોંગની બહાર બગીચામાં સુંદર ફૂલો ખીલેલાં હતાં. આ બધું જોઈને ફરી આગળ વઘ્‍યા. આગળ કંઈ જોવાની જગ્‍યાએ નહિ, પણ રહેવાની જગ્‍યાએ પહોંચ્‍યા. આ રહેવાની જગ્‍યાનું નામ હતું : ‘ડેચન હોલ રીસોર્ટ'. પારો શહેરની બહાર કુદરતી વાતાવરણમાં આવેલ આ રીસોર્ટમાં રૂમ વગેરેની વ્‍યવસ્‍થા થઈ ગયા પછી જમ્‍યા. જમી લીધા પછી તરત જ અન્‍ય સ્‍થળો જોવા ગાડીમાં બેસી ગયા.

(ક્રમશ:)


Rate this content
Log in