'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –17

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –17

3 mins
461


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. ૧ર/૬/ર0૧પ

સિક્કિમ હોય કે ભુતાન, ઠંડા વાતાવરણમાં આવેલા વિસ્‍તારો છે, એટલે વહેલા તો ફરવા ન નીકળી શકાતું. આજે અમારે થીમ્‍ફુથી પુનાખા જવાનું હતું. એટલે ઠંડી થોડી હળવી થઈ, સવારના ૯:૩0 વાગ્‍યા અને અમે નીકળ્‍યા. ઊંડી ખીણથી ટોચ સુધી ઘટાદાર અને ઊંચાં વૃક્ષો રસ્‍તામાં જાણે અમારી સાથે જ ચાલતાં ન હોય ! પર્વતીય ઢોળાવ કાપીને આ રસ્‍તો બનાવેલ છે. આ રસ્‍તે ઢોળાવમાં જ્યાં-જ્યાં ગોખલા જેવા ખાડા હતા, તેમાં અહીંની ધાર્મિક વિધિના ભાગરૂપે કે કોઈ શ્રદ્ધારૂપે દીવાનું કોડિયું અને લોટ મૂકેલ જોવા મળ્‍યાં. ગાડીના ડ્રાયવરને આ બાબતની વધુ જાણકારી નહોતી. એટલે પાક્કી માહિતી ન મળી.

પર્વતીય ઢોળાવોમાં કયાંક-કયાંક મકાનો અને ખેતરો પણ જોવા મળ્‍યાં. અડધો રસ્‍તો કપાયો હશે ત્‍યાં ‘દોસુલા' નામની જગ્‍યા આવી.

કુદરતી વાતાવરણ વચ્‍ચે આવેલું બૌદ્ધ ધર્મનું આ સ્‍થળ આહ્‌લાદક અનુભવ કરાવતું હતું. અમે ત્‍યાં પહોંચ્‍યા ત્‍યારે આ સ્‍થળ જાણે ધુમ્‍મસ સાથે સંતાકૂકડી રમતું હોય એવું લાગ્‍યું. પરંતુ વાસ્‍તવમાં તે ધુમ્‍મસ નહિ, વાદળો જ હતાં.

વચ્‍ચે એક વાત. આપણે અહીં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી હતી, ત્‍યારે સિક્કિમ-ભુતાનમાં ઠંડી તો હતી જ, સાથે સાથે વરસાદ પણ રોજ આવતો હતો. આ બંને જગ્‍યાએ અમારો એકેય દિવસ વરસાદ વગર નહોતો ગયો.

આજે પણ રસ્‍તામાં ઘણી જગ્‍યાએ વરસાદ અમારી સાથે હસ્‍તધૂનન કરવા અને પુનાખામાં અમારું સ્‍વાગત કરવા આવી જતો હતો. પણ આ વરસાદને લીધે ઘણી જગ્‍યાએ ખરાબ થઈ ગયેલો રસ્‍તો અને કાદવ-કીચડ અમને નડી જતા.

હવે એક નદીનો સાથ પણ મળ્‍યો. ‘સાગર' નજીક જતો હોય, તો સરિતા ગાંડી તો થાય જ ને ! નદીના કાંઠે પાણીથી ભરેલાં ડાંગરનાં ખેતરો પણ જોવા મળ્‍યાં. એક બાજુ ખળખળ વહેતી ખીણની એ નદી, બીજી બાજુ અમારી ઘરઘરાટવાળી ગાડી અને ત્રીજી બાજુ વારંવાર હસ્‍તધૂનન કરીને આકરું સ્‍વાગત કરવા આવતો વરસાદ - આ બધું જોતાં-માણતાં- સહેતાં, નાનાં-નાનાં ગામોને વટાવતાં અમે બપોરે ૧રઃપ0 વાગ્‍યે પુનાખા પહોંચ્‍યા.

પુનાખામાં ‘પુનાખા ઝોંગ' છે. તે જોવા જવા માટે નદીને પાર કરવી પડે. તે માટે નદી ઉપર સુંદર નકશીવાળો લાકડાનો પુલ બાંધેલો છે. ઉપર પુલ અને નીચે સાગરને મળવા ખૂબ જ ઉતાવળી બનેલી સરિતા. હા, આ નદીનો પ્રવાહ ધસમસતો હતો. પુલ ઉપરથી નદીને પાર કરી ‘પુનાખા ઝોંગ' પહોંચ્‍યા. વિશાળ જગ્‍યામાં અને વિશાળ બાંધકામથી બનેલ આ ઝોંગ કલા- કારીગરીનો ઉત્તમ નમૂનો લાગ્‍યો.

બાંધકામમાં વધારે પડતો લાકડાંનો ઉપયોગ થયેલ છે. લાકડાંમાં સુંદર નકશીકામ અને સુંદર રંગકામથી સુશોભિત આ ઝોંગ અનેક વિભાગોમાં વહેંચાયેલો છે અને જમીનથી ઘણો ઊંચો બનાવેલ છે. એટલે સીડી ચડીને ઉપર જવું પડે. મુખ્‍ય મંદિરમાં ભગવાન બુદ્ધની ગોલ્‍ડન પ્રતિમા છે. તે વીસ-પચીસ ફૂટ ઊંચી હશે. અનેક ધાતુના મિશ્રણથી બનેલી છે. આ પુનાખા એટલે ભુતાનની જૂની રાજધાની અને ‘પુનાખા ઝોંગ' એટલે ૧૯મી સદીનો રાજાનો પેલેસ. આ પેલેસ છ માળનો બનાવેલ છે. પરંતુ હાલમાં તે ઝોંગ તરીકે પરિવર્તિત થયેલ છે. ઝોંગની બાજુમાં જ ભુતાનના રાજવીનું અહીંનું નિવાસસ્‍થાન છે. અમે ત્‍યાં હતા એ સમયે રાજા પણ ત્‍યાં આવ્‍યા હતા. એટલે સીકયોરીટી વધારે હતી. પણ આ સીકયોરીટી દર્શનાર્થીઓને કોઈપણ રીતે નડતરરૂપ ન હતી. અમે શાંતિથી ફર્યા અને નદી ઉપરના પુલને પાર કરી ફરી બહારના કિનારે આવ્‍યા. 

(ક્રમશ:)


Rate this content
Log in