'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –16

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –16

2 mins
483


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. ૧૧/૬/ર0૧પ

ઝૂમાં ટહેલી અમે ‘થાંગટોંગ દેવાસી ડપથોપ ન્‍યૂનેરી' પહોંચ્‍યા. આટલું લાંબું નામ જોઈને કંઈ અલગ જ કલ્‍પના કરો એ પહેલા ચોખવટ કરી દઉં કે આ સ્‍થળ કોઈ મંદિર કે મ્‍યુઝીયમ નથી, તે છે બૌદ્ધ ધર્મની મહિલા લામાઓનું નિવાસસ્‍થાન. નાની-મોટી ઉંમરની ઘણી મહિલા લામાઓ અહીં રહે છે અને શિક્ષણ પણ મેળવે છે. આ સ્‍થળની બહાર નીકળી ખીણમાં જોઈએ એટલે સામે જ રાજાનું નિવાસસ્‍થાન, પાર્લામેન્‍ટ, અદાલત વગેરે દેખાય. સુંદર હરિયાળી વચ્‍ચે આ સ્‍થળો ખૂબ સુંદર લાગતાં હતાં.

હરિયાળીની વાત આવી, તો વચ્‍ચે એક વાત યાદ આવી. અહીં જે પણ સ્‍થળે જતા હતા, ત્‍યાં સુંદર બગીચો તો હોય જ ! મોટો બગીચો ન હોય, તો દીવાલો ઉપર ફૂલની વેલો જોવા મળે. વળી જાત-જાતનાં ને ભાત- ભાતનાં ગુલાબનાં ફૂલો પાર વગરનાં જોવા મળે. તેમાંયે ફૂલ જોઈને મારું મન નાચી યઠે, એટલે ફૂલનો ફોટો તો હું પાડી જ લઉં, ભલે પછી મારો ફોટો ન આવે. આ વખતના અમારા પ્રવાસમાં અમે જ્યાં ગયા ત્‍યાં ઠંડું વાતાવરણ હતું, હરિયાળી હતી, સુંદરતા હતી, સ્‍વચ્‍છતા હતી. આવા વાતાવરણમાં મન પ્રફુલ્‍લિત રહેતું હતું, થાક લાગતો નહોતો અને લાગતો ત્‍યારે અહીંના વાતાવરણની અસરમાં થાક કયાં ભાગી જાય તે ખબરેય ન પડે.

આ બધું જોતાં-જોતાં અમે પહોંચ્‍યા ‘Thimphu Institute For Zorig Chusum'માં. આ સ્‍થળ એટલે ભુતાનનું આર્ટ ઈન્‍સ્‍ટીટ્‍યૂટ.

ભુતાનની ૧૩ જાતની પારંપરિક કળાઓ અહીં શીખવવામાં આવે છે. જેમાં કાગળકામ, મૂર્તિકળા, ભરતકામ, સીવણકામ, ચીટકકામ, કાષ્ઠકામ, શિલ્‍પકામ, સજાવટ, ચિત્રકામ, કોતરકામ, માટીકામ, વેસ્‍ટમાંથી બેસ્‍ટ જેવી કળાઓનો સમાવેશ થાય છે. અહીં જ ભુતાનનાં પારંપરિક વસ્‍ત્રો સહિતનું મ્‍યુઝીયમ પણ છે. જેમાં અહીં શીખવવામાં આવતી કળાઓના નમૂના રાખવામાં આવ્‍યા છે. સાથે સાથે વેંચાણ પણ થાય છે.

આ બધું નિહાળી અમે પહોંચ્‍યા ભુતાનની ઊંચી, સુંદર, વિશાળ જગ્‍યાએ. અહીં ઊંચાઈ ઉપર ભગવાન બુદ્ધની ખૂબ ઊંચી પ્રતિમા રાખવામાં આવી છે.

આ પ્રતિમા બ્રોંઝની બનેલી છે અને સોનાથી મઢેલી છે. તેની ઊંચાઈ ૧૭૯ ફૂટ જેટલી છે. અહીંના પર્વતો કરતાં પણ આ પ્રતિમા ઊંચી લાગતી હતી. ગોલ્‍ડન કલરની આ પ્રતિમા ખૂબ ચમકતી હતી. આ જગ્‍યાએથી નીચે જોતા ખીણના અદ્‌ભુત સૌંદર્યનું દર્શન થતું હતું.

આજના દિવસમાં ઘણી વખત વરસાદ પણ આવી ગયો હતો. છતાં અમે તો બધે ફરતા જ રહ્યા.

સાંજના સમયે ઘ્‍વજને ઉતારતી વખતે રાજા સૈન્‍યની સલામી લે છે, જે જગ્‍યાએ આ વિધિ થાય છે ત્‍યાં પહોંચ્‍યા, પણ થોડું મોડું થઈ ગયું. પહોંચ્‍યા ત્‍યાં વિધિ પૂર્ણ થઈ ચૂકી હતી.

આ સ્‍થળે અંદર ગયા તો ગુલાબનાં જાત- જાતનાં ફૂલોનો બગીચો જોવા મળ્‍યો. અંદર વિશાળ બૌદ્ધમંદિર પણ છે. મને નામ નથી આવડતું એવાં વૃક્ષો પણ જોયાં. જેનો આકાર છત્રી જેવો લાગતો હતો.

પછી થીમ્‍ફુની બજારમાં લટાર મારી અને આનંદ સાથે આજનો દિવસ પૂર્ણ થયો. 

(ક્રમશ)


Rate this content
Log in