STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –15

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –15

2 mins
512

ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. ૧0/૬/ર0૧પ

એક વાત કહેવાની તો રહી ગઈ ! ભુતાનમાં પ્રવાસે જઈએ ત્‍યારે જે ગાડીની પરમીટ લીધી હોય, તે ગાડી જ ભુતાનમાં રહીએ ત્‍યાં સુધી રાખવી પડે છે, બદલી શકાતી નથી.

રસ્‍તામાં આગળ વધી રહ્યા હતા, તો વરસાદ પણ દર્શન દેવા માટે સતત સાથે જ રહેતો હતો. થીમ્‍ફુ પહોંચ્‍યા ત્‍યાં અંધકાર ઘેરી વળ્‍યો હતો અને સાંજના ૭:૩0 વાગી ચૂકયા હતા. ભુતાનમાં અજાણ્‍યું ન પડે તે માટે 'પેકેજ ટુર' જ ગોઠવેલ. એટલે હોટલ શોધવાની ન હતી. થીમ્‍ફુ પહોંચીને સીધા 'હોટલ વેલકમ હોમ'માં પહોંચ્‍યા. આખા દિવસની મુસાફરીનો થાક હતો, ભૂખ લાગી હતી, એટલે રૂમમાં સામાન રાખી જમ્‍યા અને પછી તો ભુતાનની ઠંડીમાં પથારીમાં પડયા ભેગા ઊંઘરાણી પહોંચી ગયાં.

તા. ૧૧/૬/ર0૧પ

આજે થીમ્‍ફુ-દર્શનનું આયોજન હતું. અહીં અમને એક વાત એ અલગ લાગી કે, દુકાન, હોટલ વગેરેનું સંચાલન સ્‍ત્રીઓ જ કરે છે. દુકાન કે હોટલમાં સંચાલન કરતો કોઈ પુરુષ જોવા ન મળ્‍યો.

થીમ્‍ફુનાં જોવાલાયક સ્‍થળો જોવા નીકળ્‍યા તો સૌથી પહેલા ‘કિંગ્‍સ મેમોરિયલ ચોર્ટસ' નામની જગ્‍યાએ પહોંચ્‍યા. તે એક સ્‍તુપ છે. જે ઈ.સ. ૧૯૭૪માં બનેલ છે. ઈ.સ. ર00૮માં સમારકામ કરીને સરસ દેખાવ બનાવ્‍યો.

આ સ્‍થળ થિમ્‍ફુનું સૌથી દર્શનીય સ્‍થળ ગણાય છે. અહીં પ્રાર્થનાહોલમાં લોકો પ્રાર્થના માટે મળે છે. ચાર પ્રવેશદ્વારવાળું આ સ્‍થળ સુંદર લાગે છે.

ભુતાનના લોકોનો મુખ્‍ય ધર્મ બૌદ્ધ હોવાથી અહીં બૌદ્ધમંદિરો વધારે છે. તેને ત્‍યાંની ભાષામાં ‘ઝોંગ' કહે છે. અમે હવે આવા એક ઝોંગ પહોંચ્‍યા. લોકો અહીં પ્રદક્ષિણા કરી રહ્યા હતા. ત્‍યાં લાકડાનાં પાટિયાં રાખેલાં છે. આ પાટિયાં ઉપર લોકો દંડવત્‌ કરી રહ્યા હતા. સ્‍વચ્‍છતા સાથેનું આ સ્‍થળ સુંદર બગીચાથી પણ શોભાયમાન હતું.

અહીંથી આગળ વધીને સેમ્‍તોખા ઝોંગ પહોંચ્‍યા. અહીં બૌદ્ધધર્મી લોકો પોતાનાં નાનાં બાળકોને ધર્મગુરુનાં આશીર્વાદ લેવડાવવા માટે આવતા હતા. આ બાબત અહીંના લોકોની ધાર્મિક શ્રદ્ધા હશે. અમે ત્‍યાં હતા એ સમયે જ ‘રોયલ ફેમિલી'(રાજપરિવાર)ના સભ્‍યો પણ આવ્‍યા હતા. જેમાં રાજાની માતા, પુત્ર, પુત્રી, પુત્રવધૂ વગેરે હતાં. આ પરિવારના સભ્‍યો સામાન્‍ય લોકો સાથે પણ હળી-મળી જતાં હતાં. મંદિરમાંથી વિદાય થતી વખતે જ્યારે અમે તથા આ પરિવાર પગથિયાં ઊતરી રહ્યા હતા ત્‍યારે એક સામાન્‍ય સ્‍ત્રી પોતાના બાળકને લઈને પગથિયાં ચડી રહી હતી. રાજમાતાએ ઊભા રહીને એ બાળકના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્‍યાં. આ જોઈને આ પરિવાર પ્રત્‍યે ખૂબ માન ઊપજ્યું.

આગળ જતાં એક પ્રાણીસંગ્રહાલય આવ્‍યું. તેનું નામ ‘ટેકીન ઝૂ' છે. ‘ટેકીન' ત્‍યાંના એક પ્રાણીનું નામ છે અને તે ભુતાનનું રાષ્‍ટ્રીય પ્રાણી છે.

નામ મુજબ આ ઝૂમાં ટેકીન વધારે હતાં. સાથે સાથે અન્‍ય પ્રાણીઓ પણ હતાં, જે ભારતનાં ઘણાં પ્રાણીઓના દેખાવને મળતાં હતાં, પણ અલગ હતાં. આ ઝૂ ચઢતાં-ઊતરતાં ઢાળમાં બનેલું છે. 

(ક્રમશ:)


Rate this content
Log in