ઠંડા-હરિયાળા પ્રદેશમાં –14
ઠંડા-હરિયાળા પ્રદેશમાં –14
ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)
તા. ૯/૬/ર0૧પ
આજનો દિવસ આરામ માટે રાખ્યો હતો. એટલે કોઈ સ્થળની મુલાકાતમાં ગયા નહિ. હોટલમાં આરામ કર્યો અને પછી સીલીગુડીની બજારો જોવા નીકળ્યા. અહીંની પ્રખ્યાત 'હોંગકોંગ માર્કેટ' વિશે સાંભળ્યું તો ત્યાં પણ ગયા અને બે-ચાર વસ્તુ ખરીદી. ફરી હોટલમાં આવી આરામ કર્યો અને હવે પછીના પ્રવાસનું આયોજન કર્યું.
તા. ૧0/૬/ર0૧પ
આજે અમારે ભુતાનની ધરા ઉપર પહોંચવાનું હતું. એટલે સવારે વહેલા જાગીને પાંચ વાગ્યે સીલીગુડીથી રવાના થઈ ગયા. રસ્તામાં ઊંચાં- ઊંચાં વૃક્ષો, સીલીગુડી પાર્ક, ઠંડી-ખુશનુમા હવા વગેરેનો અનુભવ કરતાં-કરતાં આગળ વધી રહ્યા હતા. રસ્તામાં જંગલ આવ્યું. જંગલમાં વાદળાં જાણે ધુમાડો લાગતાં હતાં. વચ્ચે કુટલાબારી નામનું પશ્ચિમ બંગાળનું એક ગામ આવ્યું. આગળ વધતા ચાના બગીચા પણ જોવા મળ્યા. ચાના બગીચા મોટાભાગે પર્વતના ઢોળાવો ઉપર થાય છે, પણ અહીં તો સમતલ ખેતરમાંય ચાના છોડ વાવેલ હતા, અને બગીચા બનાવેલ હતા. એક ખેતરમાં કીક નામનાં વૃક્ષો જોવાં મળ્યાં. ગાડીવાળા ભાઈ પાસેથી જાણવા મળ્યું કે, આ વૃક્ષના લાકડાને ઊધઈ લાગતી નથી. આગળ વધતા રસ્તામાં 'આર્મીકેમ્પ' આવ્યો. ગાડીના ડ્રાયવરનું કહેવું હતું કે, ભારતનો આ સૌથી મોટો આર્મીકેમ્પ છે અને તે સારો છે અને ખતરનાક પણ છે. હવે રસ્તામાં પશ્ચિમ બંગાળનું જલદાપારા અભ્યારણ્ય આવ્યું, જે ગેંડા માટેનું અભ્યારણ્ય છે.
સવારના ૯:૧પ વાગ્યા. હવે અમે પહોંચ્યા ભુતાનની સરહદે આવેલા ભારતના છેલ્લા ગામ જયગાંવ. જયગાંવ પૂરું થાય ત્યાં એક દરવાજો છે.
આ દરવાજામાં અંદર પ્રવેશીએ એટલે ભુતાનનું ગામ ફુન્ટસોલિંગ શરૂ થાય છે. ભુતાનમાં પ્રવેશવા માટેની પરમીટ અહીંથી લેવી પડે છે. અમે પણ આ વિધિ માટે ગોઠવાઈ ગયા.
ભુતાનમાં કામ કરવા જવા માટેની પરમીટ લેવાવાળાની તો લાંબી કતાર હતી. અમારી પરમીટની વિધિ પૂરી થઈ ત્યાં ૧૧:૩0 વાગી ચૂકયા હતા. એટલે નક્કી કર્યું કે, જમ્યા પછી જ આગળ વધીએ. જયગાંવમાં આવેલ એક રાજસ્થાની લોજમાં જમવા ગયા. અહીં એવો નિયમ હતો કે 'ફીકસ થાળી'માં પણ કોઈ સાથે ન જમી શકે.
જમ્યા પછી ભુતાનની ધરતી ઉપર આગળ વઘ્યા. પહેલા અમે ભુતાનની રાજધાની થીમ્ફુ જવાનું નક્કી કર્યું. વચ્ચે કયાંક ઝરમર, તો કયાંક વધારે વરસાદનો અનુભવ થયો. સાથે સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાતો હતો. પર્વતની ખીણમાં સફેદ-સફેદ વાદળો પણ રમતો રમતાં હતાં. કુદરતની રચના જોવાની ખૂબ મજા પડતી હતી. વચ્ચે ‘દામ વ્યૂ' નામની જગ્યા આવી. ત્યાં થોડીવાર રોકાયા, ત્યાંનું સૌંદર્ય ભરી-ભરીને પીધું, ફોટા લીધા અને આગળ વઘ્યા. પછી તો 'અબ્દુલભાઈની મોટર ચાલે પમ પમ પમ.' હા, ગાડીના ડ્રાયવરનું નામ અબ્દુલ હતું.
(ક્રમશ:)
