ઠંડા-હરિયાળા પ્રદેશમાં –13
ઠંડા-હરિયાળા પ્રદેશમાં –13
ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) –13
તા. ૮/૬/ર0૧પ
સવારે ૮:૩0 વાગ્યે નાસ્તા માટે હોટલે પાછા આવ્યા, અને નાસ્તો કરી ફરી બીજાં સ્થળો જોવા નીકળ્યા. હવે અમારી ગાડી ‘રોક ગાર્ડન' નામના સ્થળે પહોંચી.પર્વતના ઢોળાવો ઉપર બનાવેલ આ સુંદર જગ્યા છે.
પર્વતની ટોચથી નીચે સુધી પગથિયાંકારે પડતો જળધોધ મનમોહક લાગતો હતો. આ જગ્યાએ ઉપર સુધી જવા માટે સર્પાકારે રસ્તો બનાવેલ છે. રસ્તા ઉપર ચાલતાં-ચાલતાં કુદરતનું નયનરમ્ય રૂપ જોઈ શકાતું હતું. ઉપરના ભાગમાં ફાઉન્ટેન અને સુંદર ફૂલોનો બાગ પણ બનાવેલ છે. દાર્જિંલિંગ શહેરથી અંદાજિત દસેક કિમી બહાર આ સુંદર જગ્યાને આકાર આપવામાં આવ્યો છે. આ ગાર્ડન ત્યાંથી પડતા જળધોધની સુંદરતા વધારવા અને પ્રવાસીઓને મનમોહિત કરવા બનાવેલ છે. અહીં નાનું તળાવ બનાવીને સુંદરતામાં વધારો કરેલ છે. વરસાદી દિવસોમાં તો રોક ગાર્ડન દુલ્હન જેવું રૂપ ધારણ કરે છે. અહીં રાખેલા બાંકડાઓ ઉપર બેસીને પણ અહીંના સૌંદર્યને મન ભરીને પી શકાય છે અને નશામાં ડૂબી શકાય છે.
હવે અમે પહોંચ્યા ‘ઝૂલોજીકલ પાર્ક અને હિમાલયન માઉન્ટેન્રીંગ ઈન્સ્ટીટ્યૂટ'માં. ઝૂ (પ્રાણીસંગ્રહાલય)માં હિમાલયના પહાડી પ્રદેશમાં વસતાં અનેક પ્રાણીઓ હતાં. આ પાર્કનું ઘ્યેય હિમાલયન પ્રાણીસૃષ્ટિનો અભ્યાસ અને જાળવણી છે. ૧૪ ઓગસ્ટ, ૧૯પ૮થી શરૂ થયેલ આ પાર્ક ઊંચાઈવાળા સ્થળે બનેલ છે. ઝૂમાં હિમચિત્તો, લાલ પાંડા, પર્વતીય બકરી, સાઈબીરિયન વાઘ, હિમાલયન દીપડો જેવાં અનેક પ્રાણીઓ અને ભયંકર લાગતાં પક્ષીઓ પણ છે. ઉપરાંત તિબેટીયન વરુ, વાદળી ઘેટા, ગ્રે મોર વગેરે પણ છે.
અહીંના ઈન્સ્ટીટ્યૂટમાં હિમાલય ઉપર ટ્રેકિંગ કરવાનું શીખવતું યુનિટ અને હિમાલયનાં ઊંચાં શિખરો સર કરનાર સાહસવીરોની માહિતી, ફોટા અને તેઓએ ઉપયોગમાં લીધેલ હથિયારો અને કપડાં વગેરેનું મ્યુઝીયમ છે. દુનિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ ઉપર પહેલી વખત પગ મૂકનાર તેનસીંગના ફોટા, કપડાં, બૂટ, હથિયાર વગેરે અહીં છે. સાથે સાથે અત્યાર સુધીમાં એવરેસ્ટને સર કરનાર દરેકની માહિતી અહીં રાખેલ છે. ઘણું બધું જોયું અને ઘણું બધું જાણ્યું. પછી ત્યાંથી નીકળી આગળ વઘ્યા.
હવે એક શાળા આવી. આ શાળાનું નામ 'સેન્ટ જોસેફ સ્કૂલ' છે. આ સ્કૂલમાં હિન્દી ફિલ્મ ‘મૈં હૂઁ ના' અને ‘યારિયા'નું શુટીંગ થયેલ હતું. શાળા પછી નજીકમાં જ અહીંનો પ્રખ્યાત 'રોપ-વે' આવ્યો. સમય ઓછો હોવાથી અહીં આ મજાને જતી કરી.
હવે આગળ વધતા ‘તેનસીંગ રોક' નામની એક જગ્યા આવી. જ્યાં દોરીના સહારે પર્વત ઉપર ચડવાનું શીખવવામાં આવે છે.
ઘણા તો ફોટો પડાવવા માટે પર્વત ઉપર ચડવાની માત્ર 'એકશન' કરતા હતા. અમે તો એ પણ ન કર્યું. અહીં નજીક-નજીકમાં બીજા બે રોક પણ જોવા મળ્યા.
આ બધું જોઈ અમે એક ટી-ગાર્ડનમાં ગયા. અહીં ચાનો મોટો બગીચો છે અને અહીં તૈયાર થયેલી ચાના વેંચાણ માટે ઘણી દુકાનો પણ છે. અહીં એવી પ્રથા છે કે આપણી ગાડી જે દુકાન સામે ઊભી રાખી હોય તે દુકાનમાંથી જ ચાની ખરીદી કરી શકાય. દાર્જિંલિંગમાં અમારે જોવા માટે આ છેલ્લું સ્થળ હતું. જોવા જેવું તો ઘણું છે, પણ સમયના અભાવે બધું જોઈ શકાયું નહિ. અહીંથી સીધા હોટલે ગયા, બપોરનું ભોજન કર્યું અને દાર્જિંલિંગને ‘બાય બાય' કરી નીકળી પડયા સીલીગુડી જવા માટે. ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં સાંજ પડી ચૂકી હતી. હોટલ શોધી ત્યાં રાત ઘણી વીતી ચૂકી હતી અને છેવટે 'હોટલ હિન્દુસ્તાન'માં રોકાયા.
(ક્રમશ:)
