'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં -12

ઠંડા-હરિયાળા પ્રદેશમાં -12

2 mins
609


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)

તા. ૮/૬/ર0૧પ

સવારે ૩:00 વાગ્‍યે જાગીને ૪:00 વાગ્‍યે દાર્જિંલિંગના ‘ટાઈગર હીલ' નામના સ્‍થળે ‘ઊગતો સૂર્ય' જોવાનો લ્‍હાવો લેવા ગયા. સૂર્ય ઊગવાનો સમય પઃ૧પ હતો. પરંતુ ધુમ્‍મસ એટલું હતું કે સૂર્યનાં દર્શન થયાં જ નહિ. લગભગ સવારે ૬:00 વાગ્‍યાની આસપાસ ધુમ્‍મસ ઓછું થતાં સૂર્યએ પૃથ્‍વીને જોવા ડોકયું તાણ્‍યું. વળી આ ગાળામાં વરસાદનું ઝાપટું પણ આવી ગયું. એટલે માટી લપસણી બની અને ઘણાંએ લપસીને પૃથ્‍વીને સાષ્‍ટાંગ પ્રણામ કરી લીધા.

યુનેસ્‍કોએ ‘ટાઈગર હીલ'નો સમાવેશ વર્લ્‍ડ હેરિટેજ સાઈટમાં કરેલ છે અને તેના લીધે આ સ્‍થળની પ્રસિદ્ધિ વધી છે. આ સ્‍થળેથી દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્‍ટ એવરેસ્‍ટ અને ભારતની હદમાં આવેલું દુનિયાનું ત્રીજા નંબરનું ઊંચું શિખર કાંચનજંઘા એક સાથે જોવા મળે છે. સૂર્ય ઊગે એ પહેલા જ સૂર્યના પ્રકાશને લીધે કાંચનજંઘા પ્રકાશિત થઈ ઊઠે છે. ‘ટાઈગર હીલ' અને માઉન્‍ટ એવરેસ્‍ટ વચ્‍ચેનું સીધું અંતર ૧૭ર કિમી જેટલું છે. વાદળ વિનાનું ચોખ્‍ખું હવામાન હોય તો મેચી નદી, તિસ્‍તા નદી, બાલાસન નદી અને મહાનંદા નદીને સર્પાકારે નીચે તરફ વહેતી જોઈ શકાય છે.

ફરી ગાડીમાં બેસી ત્‍યાંથી નીકળ્‍યા. થોડે આગળ જતાં ‘બતાસે લૂપ' નામની જગ્‍યા આવી. આ જગ્‍યા એટલે કોઈ મંદિર નહોતું, પણ મંદિરથી પણ વિશેષ મહત્ત્વ ધરાવતું આ સ્‍થળ આઝાદી પછી થયેલા યુદ્ધમાં માતૃભૂમિના રક્ષણ માટે પોતાના મૂલ્‍યવાન જીવનનું બલિદાન આપીને યુદ્ધભૂમિમાં શહીદ થયેલા સૈનિકોનું સ્‍મારક છે. જેનું સર્જન ઈ.સ. ૧૯૯પમાં થયેલું છે.

અહીં સુંદર બગીચો પણ છે. જેમાં જાત-જાતનાં ફૂલો હતાં. ઘણાં ફૂલો ઉપર બેસીને મધમાખીઓ મીઠું મધ બનાવવા માટે ફૂલોનો રસ ચૂસી રહી હતી. બગીચો એક પછી એક ઊંચાં ગોળ પગથિયાંકારે બનાવેલ છે. આ બગીચાના નીચેના ભાગમાં કપડાં વેંચનારા પણ બેઠા હતા. અહીં ‘ટોય ટ્રેન'ના પાટા પણ છે. જેના ઉપર નાની ટ્રેન ચાલે છે.

‘બતાસે' અથવા ‘બતાસિયા'નો અર્થ થાય છે ‘હવાની અવરજવર'. પ0,000 ચો.ફૂટમાં પથરાયેલી આ જગ્‍યા ખૂબ જ રમ્‍ય છે. ચડ-ઊતર ઢાળવાળી જગ્‍યામાં ટ્રેન ચાલે એવી રીતે પાટાની ગોઠવણી કરવી એ પણ ઉત્તમ ઈજનેરીનાં દર્શન કરાવે છે. અહીં એક વિભાગ ‘ઈકો ગાર્ડન' છે. અહીં છોડની દુર્લભ વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. આ રીતે આ સ્‍થળ સુંદરતા અને ભવ્યતાની ઝાંખી કરાવે છે. શહીદસ્‍મારક પાસે શહીદોને મસ્‍તક નમાવી આગળ વઘ્‍યા.

હવે ‘ઘૂમ મોનેસ્‍ટ્રી' નામનું બૌદ્ધમંદિર આવ્‍યું. પર્વતનો ઢાળ કાપીને ઊંચાઈ ઉપર બનાવેલ સુંદર મંદિર. જેમાં લગભગ પાંચ વિભાગ છે. એક વિભાગમાં માણેક છે. માણેક એટલે બૌદ્ધ ધર્મમાં પવિત્ર માનવામાં આવતું નળાકાર. જે મોટાભાગે ગોલ્‍ડન કલરમાં હોય છે અને દર્શનાર્થી તેમને ઘુમાવે છે. બીજા વિભાગમાં બુદ્ધની વિશાળ મૂર્તિ છે. જેની ઊંચાઈ ૧પ ફૂટ જેટલી છે. ત્રીજા વિભાગમાં લામાઓનો નિવાસ, ચોથા વિભાગમાં લામાઓની શાળા અને પાંચમાં વિભાગમાં નાસ્‍તા અને કોફીની વ્‍યવસ્‍થા રાખેલ છે. 

(ક્રમશ:)


Rate this content
Log in