'Sagar' Ramolia

Others

4.9  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –11

ઠંડા-હરિયાળા પ્રદેશમાં –11

2 mins
601


ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) 

તા. પ/૬/ર0૧પ

હવે આજના દિવસનું છેલ્‍લું સ્‍થળ ‘રાબડેન્‍ટ્‍સ રુઈન્‍સ' જોવા ગયા. આગળ રસ્‍તો અને વાતાવરણ બંને ખરાબ. પરંતુ આ વાતાવરણ ચીરીને આગળ વધતા એક કિલ્‍લો જોવા મળ્‍યો. જે રાજાશાહી વખતનો છે. તે સમયના રાજા અહીં આવતા. અહીં સુંદર બાગ પણ છે. આ સ્‍થળ પુરાતત્ત્વીય સ્‍થળ છે. જે સિક્કિમના ગૌરવની કથા રજૂ કરે છે. તે સમયની સિક્કિમની બીજી રાજધાની એટલે આ સ્‍થળ. નેપાળના આક્રમણને લીધે આ મહેલ અને મઠ-સંકુલનો નાશ થયો હતો. દરવાજાથી અંદર જઈએ એટલે પહેલા તો શેવાળથી લથબથ ચેસ્‍ટનટનાં વૃક્ષો દેખાયાં. ત્‍યારે થયું કે, આવા સ્‍થળે શું આવ્‍યા ? પણ વધારે અંદર જઈએ ત્‍યારે રાજાશાહી વખતની સિક્કિમની ભવ્યતા દર્શાવતા મહેલનું દર્શન થાય. અહીં શાહીપરિવાર માટેનું પ્રાર્થનાસ્‍થળ પણ છે. હા, રસ્‍તામાં હિમાલયનાં દુર્લભ પક્ષીઓનું દર્શન પણ થઈ જાય.

આ બધું જોઈ ફરી હોટલે આવ્‍યા, જમ્‍યા અને ધીમે-ધીમે બધા ઊંઘી ગયા.

તા. ૭/૬/ર0૧પ

સવારે ૮:૪પ વાગ્‍યે પેલિંગથી દાર્જિંલિંગ જવા રવાના થયા. પેલિંગથી દાર્જિંલિંગ જવા માટેનો રસ્‍તો ઊંચા ઢાળવાળો છે. ઘણી જગ્‍યાએ રસ્‍તામાં નીચે ઊતરતો ઢાળ આવે, તો કયાંક વળી એકદમ ચઢાણવાળો ઢાળ આવી જાય. રસ્‍તામાં અમુક નાનાં-નાનાં ગામો પણ આવ્‍યાં. અહીં રહેતાં લોકો પગથિયાં આકારનાં ખેતરોમાં ખેતી કરે છે. આ ખેતરોમાં પણ મકાઈ વાવેલી જોવા મળી. કયાંક-કયાંક નાના જળધોધ પણ જોવા મળ્‍યા.

આવી રીતે ચડ-ઊતરવાળા રસ્‍તે અમે પણ ચડ-ઊતર થતાં-થતાં બપોરે ૧:00 વાગ્‍યે દાર્જિંલિંગ પહોંચ્‍યા. તો અહીં ટ્રાફિકના લીધે એકાદ કલાક રસ્‍તામાં અટવાયા. પછી પેકેજ ટુરમાં નક્કી થયેલ હોટલે પહોંચ્‍યા, તો તેણે રૂમની ના પાડી. પછી બીજી હોટલમાં ગોઠવણ થઈ ત્‍યાં સુધીમાં ઘણો સમય વીતી ગયો હતો. હોટલે જઈ જમ્‍યા ત્‍યાં સાંજ પડી ગઈ. જેથી આજના દિવસમાં કોઈ સ્‍થળની મુલાકાત લઈ શકાય નહિ. રાતનું દાર્જિંલિંગ જાણે અનેક તારા ધરતી ઉપર આવીને ઝગમગતા હોય એવી લાઈટોથી ઝગમગતું હતું.

પ. બંગાળામાં આવેલું ગિરિમથક દાર્જિંલિંગ સમુદ્રસપાટીથી ૬૭00 ફૂટ જેટલું ઊંચું છે. હિમાલયની ઊંચી-ઊંચી હિમાચ્‍છાદિત ટેકરીઓથી તે ઘેરાયેલું છે. કાંચનજંઘા શિખરનું દર્શન અહીંથી સારી રીતે થઈ શકે છે. દાર્જિંલિંગની આવકનો આધાર ચા અને પર્યટન છે. દાર્જિંલિંગમાં ઘણી જાતની ચા બને છે, જે વિશ્‍વભરમાં પ્રખ્‍યાત છે. ગોરખાલેંડની અલગ માંગને લીધે અહીં ઘણી વખત આંદોલનો થાય છે અને અહીંની અર્થ-વ્‍યવસ્‍થા પડી ભાંગે છે. તેને લીધે પર્યટન ઉપર પણ માઠી અસર પડે છે. છતાંયે પ્રવાસીઓમાં દાર્જિંલિંગનું મહત્ત્વ ઓછું થતું નથી. ‘મોમો' અહીંની પ્રખ્‍યાત વાનગી છે. જે સૂપ અને અથાણા સાથે ખવાય છે. અહીં આથેલી વાનગીઓ વધારે ખવાય છે. 

(ક્રમશ)



Rate this content
Log in