ઠંડા-હરિયાળા પ્રદેશમાં -10
ઠંડા-હરિયાળા પ્રદેશમાં -10
ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ)
તા. પ/૬/ર0૧પ
થોડે આગળ જતાં એક બુદ્ધમંદિર આવ્યું. બુદ્ધમંદિરમાં ભગવાન બુદ્ધની પ્રતિમા સુંદર લાગી. શાંત મુદ્રા અને જાણે સૌનું કલ્યાણ ઈચ્છતા હોય એવો ભાવ દેખાયો. ત્યાં એક નળાકાર - જેને માણેક કહેવાય છે - તે ફરતું રહે છે અને તેને લીધે ઘંટ આપમેળે વાગતો રહે છે.
ત્યાંથી થોડે દૂર ‘ખેચીપેરી લેક' નામે તળાવ પણ છે. અમે વ્યકિતદીઠ રૂ. ૧0 અને ગાડી પાર્કિંગના રૂ. ૧0ની ટિકિટ લઈને અંદર ગયા. પછી થોડું ચાલીને ‘ખેચીપેરી લેક' પહોંચ્યા. જે પેલિંગથી ૩૪ કિમી દૂર છે.
આ તળાવને બૌદ્ધ અને હિંદુઓ પવિત્ર અને ઈચ્છાપૂર્તિ કરનાર માને છે. ચારે તરફ પર્વતથી ઘેરાયેલું આ તળાવ મનમોહક લાગતું હતું. અહીં સંપૂર્ણપણે બૌદ્ધ ધર્મનું વાતાવરણ હતું. જે પર્વતની વચ્ચે આ તળાવ આવેલું છે તે ખાયીકોપ્પાદરી પર્વત પણ પવિત્ર ગણાય છે. આ તળાવ ‘કાંચનજંઘા નેશનલ પાર્ક'નો જ ભાગ છે. અહીં જ ગુરુ પદ્મસંભવાએ ૬૪000 યોગિનીઓને ઉપદેશ આપ્યો હતો એવું કહેવાય છે. તળાવ અંદાજિત ૩પ00 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ધાર્મિક, પવિત્ર અને નૈસર્ગિક વાતાવરણ તથા સ્થળમાં આવેલું આ તળાવ મનને પ્રફુલ્લિત કરી ગયું. ત્યાંથી હોટલે પરત આવ્યા. હોટલે પહોંચી જમ્યા, થોડીવાર આરામ કર્યો અને ફરી બીજાં સ્થળો જોવા ગાડીમાં બેસી નીકળ્યા.
ખીણનું સૌંદર્ય નિહાળતાં-નિહાળતાં ફરી એક જળધોધ પાસે પહોંચ્યા. તેનું નામ ‘ચાંગે વોટરફોલ' છે. આગળ જોયેલા બધા જળધોધથી પણ વધુ ઊંચાઈથી આ જળધોધ પડે છે. અહીં થોડીવાર રોકાયા, ફોટા પાડયા, સૌંદર્યને મન ભરીને માણ્યું અને આગળ વઘ્યા.
રસ્તામાં ‘ડેન્ટમ વેલી' નામની ખીણમાં નજર પડી. નજર તો પડી, પણ જોતાં જ રહી ગયા. ગાડીના ડ્રાયવરે પણ ગાઈડની અદાથી આ 'ખીણ' વિશે માહિતી આપી. અહીં ઘણાં લોકો રહે છે. આ ખીણ ઘણી ઊંડી છે. અહીં ખીણના સૌંદર્યમાં રહેતાં પરિવારોને સૌંદર્યપ્રેમી કહી શકાય કે નહિ!
ત્યાંનાં ઘરો અને ખેતરોને લીધે ભારત દેશના નકશાની રચના થઈ ગઈ છે. કોઈ ચિત્રકારે જાણે ભારતનું માનચિત્ર બનાવ્યું ન હોય ! માનવ-ચિત્રકારે નહિ તો કુદરતે ભારતનું માનચિત્ર બનાવી દીધું છે.
ત્યાંથી આગળ વઘ્યા એટલે ‘શીંગશોર બ્રિજ' નામનો પુલ આવ્યો. તે ઊંડી ખીણ ઉપર લોખંડના મજબૂત તાર ઉપર બનાવેલ છે. આ પુલ ઉટ્ટરે ગામને ડેન્ટમ ગામ સાથે જોડે છે. પુલથી ઉટ્ટરે ગામ ર0 કિમી દૂર છે.
આ પુલ એશિયાખંડમાં ઊંચાઈની દૃષ્ટિએ બીજા નંબરનો પુલ છે. પુલની ઊંચાઈ ૧00 મીટર જેટલી અને લંબાઈ ર00 મીટર જેટલી છે. અમે પણ આ પુલ ઉપર લટાર મારી. પુલ ઉપરથી નીચે ખીણમાં જોતાં તો જાણે ચક્કર આવી જાય, પણ કુદરતની સુંદરતાને નિહાળવાની દૃષ્ટિએ જોઈએ તો આંખ ઠરે, ચક્કર ન આવે. આ ખીણમાં જે બાજુ નજર કરીએ ત્યાં જળધોધ નજરે ચડે છે. અમે પણ કુદરતની આ નજાકતને આંખથી ખૂબ લૂંટી. (આ જળધોધોનાં નામ એની ફઈએ પાડયાં હોય તો પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો નહિ. કારણ કે સંખ્યા વધારે હતી, એટલે એટલાં બધાં નામ યાદ પણ ન રહે. વળી નામ કહે એવું કોઈ હતું પણ નહિ.) આવો પુલ મુંબઈમાં પણ સમુદ્ર ઉપર બનાવેલ છે.
આ બધું જોઈને પરત આવી રહ્યા હતા ત્યારે એલચીના છોડ વાવેલું ખેતર આવ્યું. અહીં એ છોડને બરાબર જોયા. પહેલી વખત જોતાં હતા ને! છોડ ઉપર એલચી નહોતી. હાલ તેની મોસમ નહોતી. જ્યારે એલચી થાય ત્યારે તે છોડના મૂળના ઉપરના ભાગમાં થાય એવું જાણવા મળ્યું.
(ક્રમશ)
