STORYMIRROR

'Sagar' Ramolia

Others

4  

'Sagar' Ramolia

Others

ઠંડા-હરિયાળા પ્રદેશમાં -1

ઠંડા-હરિયાળા પ્રદેશમાં -1

3 mins
573

ઠંડા-હરિયાળા પ્રદેશમાં (સિક્કિમ-ભુતાનનો પ્રવાસ) ભાગ – ૧

પ્રવાસ, ફરવું વગેરે આનંદ આપનારા શબ્‍દો છે. ઘણા સમય અગાઉથી આયોજન કરી લેવાતું હોય છે. રોજબરોજની યાંત્રિક જિંદગીમાંથી થોડા દિવસ દૂર જવાની ક્રિયાને ‘ફરવા જવું છે' એવું નામ આપીએ છીએ. ફરવા જવાથી કંઈક નવું જાણવા મળે છે, નવો આનંદ મળે છે, મન પ્રફુલ્‍લિત થઈ જાય છે. હા, રોજેરોજ સાંજ પડે ત્‍યાં થાકી જવાય, પણ બીજી સવારે બીજાં નવાં સ્‍થળો જોવાની જિજ્ઞાસામાં આગલા દિવસનો થાક તો કયાંય ગાયબ થઈ જાય છે. તો પછી આવો પ્રવાસ કર્યા વિના મન માને ખરું ! એટલે અમે પણ પ્રવાસે જવાનું (ફરવા જવાનું) નક્કી કર્યું. આ પ્રવાસમાં મારો-ચાર વ્‍યકિતનો- પરિવાર અને મારા મિત્ર કાદરભાઈનો- ચાર વ્‍યકિતનો- પરિવાર હતો. મળીને આયોજન કર્યું, ટિકિટો લીધી અને મંડયા તૈયારી કરવા.

અમારા પ્રવાસનું આયોજન નેપાળ, સિક્કિમ અને ભુતાનનું હતું. તે મુજબ ટિકિટો પણ લઈ લીધી હતી. પરંતુ જવાના થોડા દિવસ અગાઉ તો નેપાળમાં કુદરતે પોતાનો ક્રૂર પંજો ફેરવી દીધો. નેપાળમાં ભયંકર ભૂકંપ આવ્‍યો. નેપાળમાં જવા માટે કોઈ રસ્‍તો રહ્યો નહિ. છેવટે નેપાળ ન જઈ શકયા. કુદરતની આ લીલાથી મન દુઃખી હતું. છતાંયે નેપાળ સિવાયનું અમારું જે આયોજન હતું, તેમાં ફેરફાર ન કર્યો અને અમારે જે દિવસે નીકળવાનું હતું તે તારીખ પણ આવીને ઊભી રહી ગઈ.

તા. ૨૮/૦૫/૨૦૧૫

જામનગરથી સાંજે ૬:00 વાગ્‍યે ટ્રેનમાં બેસવાનું હતું. એટલે થોડા વહેલા જ રેલ્‍વેસ્‍ટેશને પહોંચી ગયા. ટ્રેન મોટા ભાગની પ્રસિદ્ધ હસ્‍તીઓની જેમ મોડી નહોતી, સમયસર આવી ગઈ. આ ટ્રેન હતી ‘પોરબંદર- મોતીહારી એકસપ્રેસ'. ટ્રેનમાં બેઠા. એ.સી. કોચ હતો. એટલે કાચમાંથી બહારની દુનિયા ઓછી દેખાતી હતી. પણ જેટલું જોવાતું હતું એ જોવાનો લ્‍હાવો લઈ લેતા હતા. કોચમાં અન્‍ય મુસાફરો સાથે પણ ગુફતેગુ કરી લેતા હતા. અમારી બાજુમાં એક બિહારી પરિવાર હતો, જે જામનગર, રીલાયન્‍સમાં નોકરી કરે છે એવું જાણવા મળ્‍યું. તેમની સાથે બિહાર અંગે સાંભળેલી થોડી ખરાબ વાતો અંગે ચર્ચા કરી. તો તે ભાઈ એકદમ ઉત્‍સાહમાં આવીને બોલ્‍યા, ‘‘અરે, સાહેબ ! તમે શું વાત કરો છો ? અમારી સાથે જ ટ્રેનમાંથી ઊતરી જાજો. હું તમને બિહારનો પ્રવાસ કરાવીશ. પછી કહેજો કે, તમે કહો છો તે બિહાર અને અત્‍યારના બિહારમાં કેટલો ફરક છે ? તમે જેવું સાંભળ્‍યું છે એવું અત્‍યારે કંઈ નથી.'' નિમંત્રણ બદલ તે ભાઈનો આભાર માન્‍યો અને તેમની સાથે રોકાવા માટેની અસમર્થતા દેખાડી.

રસ્‍તામાં ઘણું જોયું, ઘણું માણ્‍યું અને બે રાત્રિ અને દોઢ દિવસની મુસાફરી થઈ ચૂકી હતી.

તા. ૩0/પ/ર0૧પ

સવારના ૧૧:૧0 વાગ્‍યે ટ્રેન ગોરખપુર પહોંચી. ગોરખપુરથી નેપાળ નજીક થાય. એટલે અહીં સુધીની ટિકિટ લીધી હતી. (મનમાં તો એવી લાલચ હતી કે, જો નેપાળમાં જનજીવન સામાન્‍ય બની ગયું હોય અને રસ્‍તાઓ સારા થઈ ગયા હશે તો નેપાળમાં જતાં જ આવશું. એટલે ગોરખપુર સુધીની ટિકિટ લીધી હતી, તે ફેરફાર ન કર્યો. ગોરખપુર ઊતરીને નેપાળમાં ફોન કર્યો, તો જાણવા મળ્‍યું કે હજી ત્‍યાં જઈ શકાય તેવું નથી.) ગોરખપુરમાં ગોરખનાથના મંદિરે જઈ રહેવા માટેની તપાસ કરી. છેવટે બાજુના ‘યાત્રી નિવાસ'માં ઉતારો મળ્‍યો. ત્‍યાં સામાન રાખી, થોડા ‘ફ્રેસ' થઈ ગોરખનાથ મંદિરે દર્શન માટે ગયા. નાથ પરંપરાના નવ ગુરુઓમાંના ગુરુ ગોરખનાથનું આ મંદિર ખૂબ વિશાળ જગ્‍યામાં નિર્માણ પામેલું છે. મુખ્‍ય મંદિરની આજુબાજુ અન્‍ય આઠ ગુરુઓની પ્રતિમાઓ પણ છે.

મંદિરના બહારના પરિસરમાં શીતળામાતાજી વગેરે માતાજી તથા શનિદેવ, રાધાકૃષ્‍ણનાં મંદિરો પણ છે. મંદિરોમાં નકશીકામની કારીગરી સરસ છે.

હવે ‘તારામંડળ' જોવા ગયા. અહીં ગ્રહો, તારાઓ, સૂર્યની ઉત્‍પતિથી લઈને સમજૂતી આપવામાં આવે છે. અહીં ‘તારામંડળ ગાર્ડન' પણ બનાવેલ છે. પરંતુ અહીં કામ ચાલુ હોવાથી જોઈ શકાયો નહિ. તારામંડળના રસ્‍તે જ વિશાળ વોટરપાર્ક પણ છે.

આ બધું જોઈ બજારમાં આવ્‍યા. અહીં ઘણી રેંકડીઓમાં લીચી જોવા મળી. સાચું કહું.....? આજ સુધીમાં કયારેય લીચી ખાધી નહોતી. એટલે પહેલા ચાખી અને મજા આવી, એટલે તો ખૂબ ખાધી. રાત પડી એટલે જમીને યાત્રી નિવાસમાં આરામ કર્યો, અને આ રીતે અમારો આજનો દિવસ પૂરો થયો.

(ક્રમશ:)


Rate this content
Log in