Falguni Parikh

Others

2  

Falguni Parikh

Others

તમસો મા જયોતિર્ગમય

તમસો મા જયોતિર્ગમય

3 mins
1.4K


'બા, જેસી કૃષ્ણ!’ ફળિયામાં દરરોજ કચરો વાળનારા શામળે બાને હીંચકે બેઠેલા જોતા કહયું અને જવાબની અપેક્ષા રાખ્યા વગર પોતાના રોજિંદા કામમાં ગૂંથાય ગયો. આ નિત્યક્રમ જયારથી તેની ડ્યૂટી આ ફળિયામાં લાગી હતી, ત્યારથી ચાલતો હતો. શામળ તેની પત્ની તુલસી સાથે આ ફળિયામાં સફાઇ માટે આવતો. બાને હિંચકે જોતો અને આ કહેતો. બાએ કદી તેને જવાબ નથી આપ્યો કારણ કે, એ વખતે એ શ્રીનાથજી બાવાનું નામ લેતા હોય છે. શ્રી યમુનાજીના ધોળપદ ગાતા હોય છે. છતાં, શામળનાં મુખેથી બોલાયેલા ભગવાનનાં નામને તેઓ મલિન થયેલ સમજતા.

એમના વતી ઇશા એમની પુત્રવધુ શામળને જય શ્રી કૃષ્ણ કહેતી. ઇશા સોહમને પરણીને આ ઘરમાં આવી ત્યારથી આ નિહાળી તેને ખૂબ નવાઇ લાગતી. તેના સાસુ આજે પણ નાતજાતના ભેદમાં માનતા હતા. ઇશા કોઇના માટે ભેદભાવ રાખતી નહી. તેના આ વલણથી તેના સાસુ ઘણી વખત બોલ્યા છે, પણ તે નજર અંદાજ કરી દેતી. તેની નજરમાં દરેક માનવી એક સમાન છે! કેમ કે "કોઇ પણ માનવીને તેની જાતથી નહીં તેના કામથી જાણવો જોઇએ" એવું એ માનતી.

દિવાળી નજીક આવી રહી હતી. ઇશા ઘરની સફાઇમાં લાગી હતી. તેના સાસુ પાઠ કરીને દરરોજ નજીક આવેલી 'હવેલી મંદિર' રાજભોગના દર્શને જતાં. આજે પણ તેઓ હવેલી મંદિર જવા નીકળ્યા. ફળિયામાં બે ગાયો લડતી હતી. અચાનક એક ગાય મંદિર તરફ દોડી. તેની અડફટમાં તેઓ આવી ગયા અને ફંગોળાઇને રસ્તા પર પડી ગયા. સવારનો રસોઇ બનાવવાનો સમય હોવાથી કોઇએ તેમની બૂમો ના સાંભળી. તે દર્દથી કણસવા લાગ્યા. ઊભા થવાની કોશિશ કરવા ગયા તો પડી ગયા. તે અસહાય બનીને દર્દથી પીડાતા રહયા.

શામળ કચરાની લારી ભરીને પાછો ફરતો હતો. તેણે જોયું કે 'બા' નીચે પડી ગયા છે. લારીને એક તરફ ઊભી રાખી દોડતો બા પાસે ગયો. તેમને ઊભા કરવા માટે હાથ લંબાવ્યો અને ખચકાઇને પાછો ખેંચી લીધો. તે જાણતો હતો બાને આ ગમતું નહોતું.

છેવટે બાનો હાથ પકડીને ઊભા કર્યા. ચંપાબેને આ જોયું, પણ કાંઇ બોલી શકયા નહી. બાનો હાથ પકડી ધીરે-ધીરે ઘર પાસે આવ્યો. ‘‘ભાભી, ઓ ભાભી, જલ્દી બહાર આવો, બા પડી ગયા છે.’’ તેની બૂમા-બૂમથી પાડોશીઓ ભેગા થઇ ગયા. બાને ઘરમાં લાવ્યા. ડોકટરને બોલાવ્યા. ડોકટરે તપાસીને કહ્યું, ‘‘ચિંતા ના કરશો, પડવાથી મૂંગો માર વાગ્યો છે.’’

ચંપાબેનની નજર શામળને શોધતી હતી. પરંતુ તે તો બાને સહીસલામત મૂકી તેના કામે લાગી ગયો હતો. ઇશા તેમને સંબોધતા બોલી, ‘‘જોયું મમ્મીજી! તમે જેમને તુચ્છ સમજતા હતા, એ વ્યક્તિ જ આજે તમને ઉપયોગી થઈ!’’

‘‘હા બેટા, તારી વાત સાચી છે. આજે શામળે જ ભગવાનનાં રૂપમાં આવીને મને બચાવી! તે ના હોત તો હું કેટલો સમય સુધી રસ્તા પર પડી રહી હોત? આજે મારી આંખોમાંથી છૂત- અછૂતના ભેદનો અંધકાર દૂર થઈ ગયો છે. આજે મને સમજાયું છે કે દરેક માનવીનું સર્જન કરતાં ભગવાને એમાં કદી ભેદ નથી રાખ્યો, તો આપણે શા માટે રાખવો? મારો અંધકાર દૂર થયો ને મનમાં માનવતાનાં કિરણોનો ઉદય થયો છે! સાચો ધર્મ માનવધર્મ છે- એ હું સમજી છું! આજે ખરા અર્થમાં મને 'દિવાળી' નો મતલબ સમજાયો છે. દિવાળી જેમ 'અંધકાર ને દૂર કરી પ્રકાશ ફેલાવે છે!’ એ મુજબ આપણે પણ આપણા અહંકાર રૂપી અંધકારને દૂર કરી વિનમ્ર બનવું જોઇએ...

 

 


Rate this content
Log in