STORYMIRROR

Asha bhatt

Others

3  

Asha bhatt

Others

તારી ખબર લઈ લઉં

તારી ખબર લઈ લઉં

2 mins
137

પપ્પાની બદલી દર ત્રણ વર્ષે થાય. દરિયા કિનારે સ્ટાફ ક્વાટરમાં અમારે રહેવાનું. સ્ટાફમાં પંજાબી, મદ્રાસી બધાં રાજયોમાંથી કર્મચારીઓ હોય. દર ત્રણ વર્ષે બદલી થતી હોય, દરેક સ્ટાફ લગભગ પોતાના ફેમીલીને વતનમાં જ રાખે. પણ પપ્પાએ અમને હંમેશા સાથે જ રાખેલાં. અમારા ઓફિસ-ક્વાટર ગામથી લગભગ 2 થી 3 કિલોમીટર દૂર હોય. સ્ટાફ ક્વાર્ટર એટલી મોટી જગ્યામાં હોય કે એક છેડાથી બીજા છેડે કોઈ માણસ હોય તો દેખાય પણ નહીં. દરિયા કિનારો નજીક હોવાથી પાણી ખારૂં હોય. પીવા માટે પાણી પણ બહારથી આવે તેવી સગવડ ઓફિસ મારફત થાય. 

આવા જ એક DNC સ્ટેશન દ્રારકા નજીક કુંરંગા ગામે પપ્પાની બદલી થયેલી. પહેલા ટેન્કર જેવા કોઈ વાહનો હતાં નહીં, એટલે પીવાનું પાણી એક ખેતરવાળા ખેડૂતભાઈ ગાડામાં પીપડા ભરીને દરરોજ આપી જાય. સ્ટાફમાં બાળકોમાં અમે ત્રણ ભાઈબહેન જ. નાનો ભાઈ તો સાવ નાનો હતો. એટલે રમવામાં અમે બે ભાઈ બહેન જ હોઈએ. 

 હવે જે ખેડૂતભાઈ પાણી દેવા આવે તેનું નામ કદાચ ભોપાભાઈ હશે, પણ અમે તેને ભોપો કહેતાં. તે જયારે પાણી દેવા આવે ત્યારે ગાડું અમારા ઘર પાસેથી પસાર થાય કે અમે બારણા પાછળ સંતાઈને ઊભા રહેતા, જેવું ગાડું ઘર પાસેથી પસાર થાય કે અમે ભાઈ બહેન બહાર નીકળી જોરથી બોલતાં "અહીં આવ ભોપા તારી ખબર લઈ લઉં " પછી પાછા બારણા પાછળ સંતાઈ જતાં. પેલા ખેડૂતભાઈ કયારેક વઢ આપતાં તો કયારેક હસવામાં કાઢી નાખતાં.

કોઈની ખબર લઈ લેવી એવી અમારી ખુમારીના કેવા હાલ થયા તે હવે આગળ વાંચો..

પપ્પાના એક સાહેબ, તે ખુંધથી વાંકા હતાં. તેણે મેરેજ કર્યા ન હતાં. ભક્તિમાં તેણે મન પરોવ્યું હતું. કોઈના માનવામાં ન આવે પણ તે હરતા ફરતા, કામ કરતાં આખો દિવસ ગીતાના શ્લોક જ બોલતાં હોય. તેઓ દરરોજ સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ અમને ભાઈ બહેનને પણ ગીતાના શ્લોક વાંચવા ઓફિસે બોલાવે. અંધારૂ થાય તે પહેલાં અમને પપ્પા ઘરે મૂકી જાય. આજે પપ્પાને કંઈ કામ હશે, તે બીજા એક સ્ટાફ અંકલ અમને ઘરે મૂકવા આવ્યાં. તે મદ્રાસી હતાં. તેણે તેની પરંપરાગત લૂંગી પહેરી હતી. થોડું ચાલ્યા હશું કે રસ્તાની વચમાં એક મોટો સાપ બેઠો હતો. સાપને જોતા જ અમારા ભાઈ બહેનના હાંજા ગગડી ગયાં, અમે જોર જોરથી રડવા લાગ્યા.... રડવા તો લાગ્યા પણ પેલાં અંકલની લૂંગી અમે જોરથી પકડી લીધી. હવે પેલા અંકલ અમને છાના રાખે કે સાપને દૂર કરે કે પોતાની લૂંગી બચાવે... મહામહેનતે તેણે પોતાની લૂંગી બચાવી, સાપ તો થોડી વારમાં રસ્તા પરથી પસાર થઈ જતો રહ્યો. ત્યાર પછી અમને માંડ માંડ છાના રાખી ઘરે સુધી મૂકી ગયાં.  

બચપણની ઘણીબધી વાતો છે, ક્યારેક યાદ કરીશું. 

જ્યારે પણ આપ કોઈ ટ્રેનમાં દ્રારકા જાવ તો ભાટીયા પછી આ નાનું એવું કુંરંગા સ્ટેશન આવશે. અમારાં બાળપણના ત્રણ વર્ષની અને બીજા કેટલાયની યાદો લઈ તે DNC સ્ટેશનનું ખાલી ખોખું હજું પણ ત્યાં ઊભું છે. દ્રારકા જાવ તો મારા વતી ત્યાં જરૂર એક નજર કરજો. 


Rate this content
Log in