'Sagar' Ramolia

Children Stories Inspirational

4.9  

'Sagar' Ramolia

Children Stories Inspirational

સત્ય જીતાડે, સત્ય જીવાડે

સત્ય જીતાડે, સત્ય જીવાડે

2 mins
474


એક હતું સસલાનું બચ્ચું. ખૂબ રમતિયાળ. રસ્તામાં રમે, ઝાડ નીચે આળોટે, ઘાસ ઉપર છલાંગો મારે. આખો દિવસ કૂદાકૂદ કરે. તેની માતા સસલી તેને સમજાવે, પરંતુ બચ્ચું તો સમજે જ નહીં. એતો બસ રમતોનો આનંદ લૂંટે.

એક દિવસ આ બચ્ચું રમતાં-રમતાં જંગલમાં આગળ વધી રહ્યું હતું. ત્યાં સામે એક સિંહ મળ્યો. આ નાનકડા કોમળ બચ્ચાને જોઈને સિંહના મોઢામાં પાણી આવી ગયું. તેણે બચ્ચાને રોકીને કહ્યું, ‘‘હું તને ખાઈ જવાનો છું. હવે ત્યાંથી ભાગવાની કોશિશ ન કરતું !’’ બચ્ચું તો જરા પણ ગભરાયું નહીં. તે તો સિંહને કહેવા લાગ્યું,

‘‘ચોમાસાની ઋતુ છે, લીલું ઘાસ ખાવા દો,

જાડું-પાડું થાવા દો, પછી મને ખાઈ જજો!’’

સિંહને વિચાર આવ્યો કે, ‘‘થોડું મોટું થશે તો વધારે ખોરાક મળશે.’’ અને સિંહે બચ્ચાને જવા દીધું. થોડે આગળ જતાં બચ્ચાને એક વાઘ મળ્યો. વાઘ પણ બચ્ચાને ખાવા માટે લલચાયો. બચ્ચાએ વાઘને પણ કહ્યું કે,

‘‘ચોમાસાની ઋતુ છે, લીલું ઘાસ ખાવા દો,

જાડું-પાડું થાવા દો, પછી મને ખાઈ જજો!’’

વાઘને થયું કે, ‘‘આવું નાનકડું બચ્ચું આમ કહે છે તો જવા દઉં !’’ અને બચ્ચાને જવા દીધું. થોડે આગળ જતાં બચ્ચાંને એક રીંછ મળ્યું. રીંછ પણ બચ્ચાંને ખાવા માટે આગળ વધે છે ત્યાં જ બચ્ચું બોલ્યું, ‘‘થોભો , થોભો!’’

‘‘ચોમાસાની ઋતુ છે, લીલું ઘાસ ખાવા દો,

જાડું-પાડું થાવા દો, પછી મને ખાઈ જજો!’’

રીંછને પણ બચ્ચાની વાતમાં તથ્ય લાગ્યું અને બચ્ચાને જવા દીધું.

બચ્ચાએ થોડા દિવસ કૂણું કૂણું ઘાસ ખૂબ ખાધું અને તે જાડું-પાડું થઈ ગયું. તે સિંહ પાસે જઈને બોલ્યું,

‘‘તમને આપેલ વચન મેં, જાડું-પાડું થયું હું,

હવે મને ખાવ તમે, હું મરવા તૈયાર છું !’’

સિંહ બચ્ચાની સચ્ચાઈ અને નીડરતાથી ખુશ થયો અને બચ્ચાને જીવતું જવા દીધું. પછી બચ્ચું વાઘ પાસે જઈને બોલ્યું,

‘‘તમને આપેલ વચન મેં, જાડું-પાડું થયું હું,

હવે મને ખાવ તમે, હું મરવા તૈયાર છું!’’

વાઘે વિચાર્યું, ‘‘નાનકડો જીવ પણ આટલો બધો સાચા બોલો! સાચું બોલનારને મારાથી કેમ ખવાય?’’ અને વાઘે બચ્ચાને ખાધા વગર જવા દીધું. બચ્ચું રીંછ પાસે જઈને બોલ્યું,

‘‘તમને આપેલ વચન મેં, જાડું-પાડું થયું હું,

હવે મને ખાવ તમે, હું મરવા તૈયાર છું!’’

રીંછ તો તાજૂબ બની ગયું. આ નાનકડા જીવની ઈમાનદારી તેને સ્પર્શી ગઈ અને બચ્ચાને ખાધા વિના જવા દીધું.

આમ, બચ્ચાને કોઈએ ખાધું નહીં અને બચ્ચું હસતું રમતું તેના ઘરે પહોંચી ગયું. આવી રીતે સચ્ચાઈને લીધે જીવ પણ બચાવી શકાય છે અને પોતાનું માન પણ વધારી શકાય છે. કોઈએ ખરું જ કહ્યું છે, ‘‘સત્ય જીવાડે’’ અને ‘‘સત્યમેવ જયતે’’ એટલે કે સત્યનો સદા જય થાય છે.


Rate this content
Log in