સોમનાથ મહાદેવ
સોમનાથ મહાદેવ
પ્રથમ જયોતિલિંગ
સોમનાથ મહાદેવ (પ્રભાસ પાટણ)
ગુજરાત પ્રભાસ પાટણ સ્થિત પ્રથમ જયોતિલિંગ "સોમનાથ મહાદેવ " અતિ પ્રાચીન તિર્થ છે, મહાભારત, ઋગવેદ વગેરે પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. સોમનાથ મહાદેવના દર્શન માત્રથી મનુષ્ય પાપ મુક્ત થઈ મોક્ષને પામે છે. અત્યંત ભવ્ય ભાસતું આ શિવલિંગ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ કરાવે છે.
સોમનાથ પ્રાગટ્ય સંબંધી કથા શિવપૂરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 8થી 14માં જોવાં મળે છે. તે અનુસાર દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી, જે ચંદ્રદેવ સાથે પરણાવી હતી. પણ ચંદ્રદેવને આ 27 કન્યામાંથી માત્ર રોહિણી નામની કન્યા પર વધારે આસક્તિ હતી. તેથી અન્ય કન્યાઓએ પિતા દક્ષને આ માટે ફરીયાદ કરતા દક્ષપ્રજાપતિએ ક્રોધે ભરાયને ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપ્યો. ચંદ્રદેવને ક્ષય રોગ થવાથી સૃષ્ટિમાં રાત્રી દરમ્યાન ઘોર અંધકાર વ્યાપી ગયો. આ શ્રાપ નિવારણ માટે ચંદ્રદેવ બ્રહ્માજી પાસે ગયાં. બ્રહ્માજીએ શિવજીનું તપ કરવા જણાવ્યું. ચંદ્રદેવે પ્રભાસ પાટણ દરિયા કિનારે 6 માસ સુધી શિવજીની ઘોર તપશ્ચર્યા કરી, આથી શિવજી પ્રસન્ન થઈ વરદાન માંગવા જણાવતાં, ચંદ્રદેવે દક્ષપ્રજાપતિના શ્રાપથી મુક્તિ આપવા જણાવ્યું. પ્રસન્ન શિવજીએ કહ્યું શ્રાપ સંપૂર્ણ મુકત ન બને, પણ હું તેને હળવો બનાવી શકું... હે ચંદ્ર ! દરેક માસમાં 15 દિવસ રોજ તારી કળા વિસ્તરશે અને 15 દિવસ રોજ તારી કળા ક્ષય થશે. આ રીતે અહી શિવજી પ્રસન્ન થતાં, સર્વ દેવોએ શિવજીનો જય જયકાર કર્યો અને અહી જ બિરાજમાન થવા પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થનાવશ થઈ મહાદેવ શિવજી અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયાં.
લોકવાયકા મુજબ ચંદ્રદેવે સુવર્ણથી, રાવણે ચાંદીથી અને કૃષ્ણભગવાને ચંદનકાષ્ટમાંથી આ મંદિરનું નિર્માણ કરેલ. દેવોના દેવ મહાદેવ શિવજી હંમેશાં યદુકુળના આરાધ્ય દેવ રહ્યાં છે. એટલે જ કૃષ્ણ ભગવાન પોતાનાં જીવનકાળ દરમ્યાન વારંવાર સોમનાથ મહાદેવના દર્શન કરવાં આવતાં. હર હર મહાદેવ. જય સોમનાથ મહાદેવ.
