સમુદ્ર રાજા
સમુદ્ર રાજા
આજે સમુદ્ર ના રાજા ને મન થયું કે એ પૃથ્વી પર આંટો મારે. જયારે એને આ વાત મંત્રી મંડળમાં રહેલી શાર્ક માછલીને કરી તો શાર્ક માછલી મૂંઝાઈ. જો સમુદ્ર નો રાજા પૃથ્વી પર ફરવા જાય તો એટલી વાર પાણી સુકાઈ જાય અને એ વખતે બધા જળચર પ્રાણી મરી જાય. વળી પૃથ્વી આખી જળબમ્બાકાર થઇ જાય. તો શું કરવું ?
રાજા ને સીધા તો ના કહેવાય નહી, એટલે શાર્ક એ થોડી ચાણક્યબુદ્ધિ વાપરી ને કહ્યું કે આપણે પૃથ્વી રાણી ને એક અરજી મોકલીએ. જો એ મંજૂરી આપે તો આપ જઈ આવજો.
સમુદ્ર ના રાજા કહે કે હા મને મંજૂર છે. પૃથ્વી તો મને જોઈને ખુશ થઇ જશે. મારી સરસ આવ ભગત કરશે. શાર્ક એ એ અરજી મોકલી દીધી પણ જવાબ પોતે તૈયાર કર્યો, આ પ્રમાણે.
સમુદ્ર રાજા,
તમારું સ્વાગત છે પૃથ્વી પર. પણ તમે આવો એ પહેલા મારે આવી જાઉં છે એક વાર તમારે ત્યાં. તમે આવશો પછી મારુ તો અસ્તિત્વ રહેશે જ નહિ તો તમે આવો એ પહેલા હું આવી ને તમારી દુનિયા જોઈ જાઉં.
હું આવીશ તો મારા આવવાથી મારા પર વસતા મનુષ્યો, પ્રાણીઓ, બિલ્ડીંગ, પર્વતો આ બધું પણ મારી જોડે આવશે. અને કદાચ તમારા પ્રજાજનો સાથે બહુ ભીડ થઈ જશે પણ આપણે સમાવી લઈશું. અત્યારે જે વહાણ તમારી ઉપર ચાલે છે એ મારા નીચે આવતા તમારી અંદર ચાલશે પણ તમને બહુ દર્દ નહિ થાય , હું એમને ધીરે થી ચલાવાનું કહીશ.
પાણી માં શ્વાસ નહીં લઇ શક્વાને કારણે ઘણા બધા માણસો અને જાનવર મરી જશે અને એમના શરીરો ત્યાંજ પડી રહેશે, કોહવાઈ પણ જશે પણ તમે ચલાવી લેજો કારણકે તમે તો પછી પૃથ્વી પર આવવાના છો અને એક વાર તમે પૃથ્વી પર આવો તો પછી હું પણ ના રહું એટલે બંને સમુદ્ર અને પૃથ્વી તમારા જ છે ને.
પણ હા , હું આવું અને તમે મને મારા બધા સંપેતરાં સાથે સ્વીકારી લેવા શક્તિમાન હોવા જોઈએ. એવું ના થાય કે હું આવું પણ તમે જ મને તમારા માં સમાવી ના શકો અને આટલું વ્હેલ ના મોઢેથી સાંભળતા સાંભળતા તો સમુદ્ર રાજા ગભરાઈ ઉઠ્યા બોલ્યા કે જવા દો, આપણે ક્યાંય નથી જવું. આમેય કોઈ કહેતું તું કે ત્યાં કોરોના છે. આપણે તો જ્યાં છીએ ત્યાંજ સારા.
