HANIF MEMAN

Children Stories Children

4  

HANIF MEMAN

Children Stories Children

શરારતી ચિન્ટુ

શરારતી ચિન્ટુ

2 mins
580


એક નાનકડું ગામ. તેમાં એક નાની શેરી. એ શેરીમાં નવ વર્ષનો ચિન્ટુ માતા-પિતા સાથે રહે. પણ ચિન્ટુ ખૂબ જ શરારતી. આખી શેરીમાં તેના નામની ફરિયાદ હોય. બધાને પરેશાન કરે. નાના-મોટા સૌને ખિજાવે. શેરીમાંથી કોઈ નીકળે તો રસ્તામાં વચ્ચે ઊભો રહી જાય. રસ્તો રોકે. સૌને અપશબ્દો બોલે. મારવા જાય. કોઈને માર્યો હોય અને તેની ફરિયાદ લઈ કોઈ ચિન્ટુના માતા પિતા પાસે જાય તો તેના મા-બાપ ચિન્ટુને ઠપકો આપવાને બદલે સામેવાળાને ધમકાવે. તેના મા-બાપ પણ હંમેશા ચિન્ટુનો પક્ષ લે. પછી ભલે ગુનો ચિન્ટુનો હોય. પરિણામે ચિન્ટુ વધુ ને વધુ શરારતી બનવા લાગ્યો. તેની શરારતોથી આસપાસના પડોશીઓ સાથે પણ ચિન્ટુના મા-બાપ સતત ઝઘડા કરતા. પરિણામે પાડોશીઓએ ચિન્ટુ અને તેના મા-બાપ સાથે ખૂબ જ ઓછું હળવા-મળવાનું કર્યું. ચિન્ટુના ભાઈબંધો પણ ચિન્ટુથી દૂર રહેતા. કોઈ તેની સાથે રમવા તૈયાર ન થતું.

આ ચિન્ટુ પશુ-પક્ષીઓને પણ પરેશાન કરતો કરતો રહેતો. શેરીમાંથી ગાય કે અન્ય કોઈ પ્રાણી નીકળે તો પથ્થર મારે. લાકડી ફટકારે. કૂતરા કે બિલાડીને મારી હેરાન કરે. આમ સૌને ચિન્ટુ ખૂબ હેરાન કરે. જેથી બધા તેનાથી પરેશાન રહેતા.

એકવાર ચિન્ટુના ઘરની પાસે એક કૂતરી વિયાણી. તેના નાના - નાના બચ્ચા હતા. કૂતરીના બચ્ચા જોઈ ચિન્ટુ તેમને હેરાન કરવા લાગ્યો. નાના બચ્ચાઓને ઉપાડી જોરથી ફેંકવા લાગ્યો. ચિન્ટુની આ શરારત જોઈ કેટલાક બાળકો અને પાડોશીઓએ માબાપનું ધ્યાન દોર્યું. પણ તેમણે ગણકાર્યું નહીં. ચિન્ટુ સતત બચ્ચાઓને પકડી હવામાં ફંગોળી જમીન પર ફેંકતો. જેથી બચ્ચા બૂમો પાડવા લાગ્યા. અને તેમની માતા કૂતરી પણ બચ્ચાઓની પરેશાની જોઈ ખીજાઈ ગઈ. અને તેણે ચિન્ટુ પર તરાપ મારી. ચિન્ટુને કરડવા લાગી. ચિન્ટુના પગે, હાથે બટકા ભરી ચિન્ટુને લોહીલુહાણ કર્યો. તેથી ચિન્ટુ બૂમો પાડવા લાગ્યો. ચિન્ટુની ચીસો સાંભળી આસપાસના પડોશીઓ ઘર બહાર નીકળ્યાં.અને ચિન્ટુને બચાવ્યો. પણ ત્યાં સુધીમાં ચિન્ટુ ખૂબ જ ઘાયલ થયો હતો. કૂતરીએ જ્યાં - ત્યાં બચકાં ભરી ચિન્ટુને જખમી બનાવી દીધો હતો. બૂમાબૂમ સાંભળી ચિન્ટુના મા-બાપ પણ ઘરની બહાર નીકળ્યા. અને ચિન્ટુની હાલત જોઈ તાત્કાલિક દવાખાને લઈ ગયા. સારવાર કરાવી. પંદરેક દિવસ પછી ચિન્ટુની તબિયત સુધરી અને ચિન્ટુને ઘેર લાવ્યા.

આ ઘટના પછી ચિન્ટુના મા-બાપે પણ શેરીમાં રહેતા પાડોશીઓ સાથે ચિન્ટુના શરારતને કારણે કરેલ ગેરવર્તાવ બાબતે સૌની માફી માગી. અને ચિન્ટુને આદર્શ નાગરિક બનાવવાની નેમ લીધી. તથા ચિન્ટુને નાહક કોઈને હેરાન - પરેશાન ન કરવા પ્રેમથી સમજાવ્યો.

ચિન્ટુએ પણ માબાપની પ્રેમભરી માગણી સ્વીકારી "હવેથી ક્યારેય પશુ - પંખી કે ઈન્સાન કોઈને પણ હેરાન- પરેશાન નહીં કરું એવી પ્રતિજ્ઞા લીધી."


Rate this content
Log in