'Sagar' Ramolia

Children Stories Inspirational

4.9  

'Sagar' Ramolia

Children Stories Inspirational

શીખો દરેક જગ્યાએ

શીખો દરેક જગ્યાએ

2 mins
597


ખેતર તરફ જતા રસ્તે પિતા-પુત્ર ચાલ્યા જાય છે. બંને અલકમલકની વાતો કરતાં કરતાં રસ્તો કાપતા જાય છે. પિતાને જે કંઈ જ્ઞાન છે તે પુત્રને કહેતા જાય છે અને આવો તો સિલસિલો રોજનો થઈ પડયો છે.

એક દિવસ પિતાને થયું કે, હવે તો પુત્ર શાળાએ જવા જેવડો થતો જાય છે. તો તેને થોડું શીખવતો પણ જાઉં. હવે રસ્તે ચાલતા પિતા પોતાના પુત્રને વાતોને બદલે ભણવામાં જેવું કંઈ આવે એવું બોલતા શીખવતા જાય છે. કદી' કક્કો બોલાવે છે, તો કદી' પોતાને આવડે છે એવાં જોડકણાં પણ બોલાવે છે. કોક દી' બોધપ્રદ વાર્તા પણ કહે છે. એના ઉપરથી પુત્ર પણ શીખતો જાય છે. આ શીખવાની રોજની ક્રિયા થઈ ગઈ છે. શાળાએ ગયા પહેલા તો આ પુત્રએ ઘણું શીખી લીધું.

આ શીખવાના ક્રમમાં એક દિવસ પિતાએ પુત્રને ઘડિયા બોલાવ્યા. પુત્રને જાણે ઘડિયામાં વધારે રસ પડયો. આખા રસ્તે પિતાએ પોતાને આવડતા'તા એટલા ઘડિયા શીખવ્યે રાખ્યા. પુત્રએ પણ શીખવામાં ખૂબ ધ્યાન આપ્યું. આવી રીતે ખેતર ગયા ત્યારે પણ શીખ્યા અને ખેતરેથી પાછા ફર્યા ત્યારે પણ શીખ્યા. અને હા, હવે તો આ પુત્રએ થોડું થોડું લખવાનું પણ શીખી લીધું છે. આ દિવસની રાત પૂરી થઈ.

બીજા દિવસનું સવાર થયું છે. આજે પુત્રએ જાણે ઉતાવળ કરી હોય એવું લાગે છે. આજે તે ખેતરે જવા માટે પિતા કરતા આગળ નીકળી ગયો. પિતા ખેતરે જવા તૈયાર થયા ત્યારે પુત્રને બોલાવ્યો. પણ ઘરના લોકો પાસેથી જાણવા મળ્યું કે તે પહેલા નીકળી ગયો છે.

પિતા ખેતરના રસ્તે ચાલતા થયા ત્યાં તેમનું ધ્યાન રસ્તામાં પડયું. જોયું તો ઘડિયા લખેલા હતા. આખા રસ્તે આવી રીતે ઘડિયા લખેલા જોયા. પિતાને ખૂબ આનંદ થયો. તેમણે તરત જ વિચારી લીધું કે આ કામ પોતાના પુત્રએ જ કરેલું હોવું જોઈએ. તેમણે વિચાર્યું કે, જેમને શીખવું જ છે તેના માટે દરેક જગ્યાએ શીખવાનું મળે છે. પુત્રના આ કામથી પિતા ગૌરવ અનુભવે છે.

જાણો છો આ પિતા-પુત્ર એટલે કોણ ? આ પિતા તે ઝવેરભાઈ અને પુત્ર તે સરદાર વલ્લભભાઈ પટેલ.

આપણે પણ દરેક જગ્યાએ નવું શીખવા તત્પર રહેવું જોઈએ. શીખવાથી જ્ઞાનમાં વધારો થાય છે. શીખવાથી પહેલા શીખેલું જ્ઞાન તાજું થાય છે. શીખવા માટે કોઈ જગ્યા કે સ્થળનું મહત્વ નથી. ગમે ત્યાં શીખી શકાય છે.


Rate this content
Log in