Vijay Shah

Others

4  

Vijay Shah

Others

શાબાશ મારી ભાભલડી

શાબાશ મારી ભાભલડી

9 mins
14.7K


ફોન ઉપર મોટી બહેન કેતકી,નાનાભાઇ ચેતનને અમેરિકા આવવા સમજાવતી હતી.“ ભાઇ,તું એકલો જ રહી ગયો! પપ્પા મમ્મી અને નાનો ભાઇલો તો આવી ગયા છે.”

‘પણ મોટી બેન હવે હું તો કાયદેસર રીતે આવી શકું તેમ નથી. ચેતના અને નાના દિગંતને અહીં મૂકીને કેવી રીતે આવું?

“જો સાંભળ, ચેતના નોકરી કરે છે. દિગંત સ્કુલે જતો થઇ ગયો છે. મને એમ છે કે, તું અહીં ફરવા માટે આવ અને કંઇક તિકડમ કરીને તું ગોઠવાઇ જાય તેવું કરીશું.”

“મોટીબેન, ચેતના હવે એવું કંઇ કરવાની ના પાડે છે. અહીં બધું ગોઠવાયેલું છે,તે વેરણ છેરણ કરી નથી આવવું.”

“ ચેતન,આ બધુ કરવા પાછળ તમારા લોકોનું ભલું કરવાનો ઇરાદો છે. અમે અહીં ડૉલર રળીયે અને તું એકલો ત્યાં દુઃખ સહે તે કેમ ચાલે?

“પણ હવે, હું ઉમરમાં મોટો અને મારા લગ્ન થઈ ગયેલા તેથી પેપર ના થયા તે મારું કરમ.”

“જો હું એમ હથિયાર નાખી દેવામાં નથી માનતી.મેં અહીં વકીલને વાત કરી છે. એ કહે રસ્તે તને હું અહીં લઇ આવવાની છું.”

“પણ મોટીબેન,અહીં હું સર્વ રીતે સુખી છું. દુકાન ચાલે છે.ચેતનાની સ્કુલની સારી નોકરી છે. દિગંત ૮મા ધોરણમાં છે. હવે બોર્ડની પરીક્ષા આપશે.પછી વિચારીશું!”કહી વાતને ઠેલી પણ મોટીબેન આ વખતે મક્કમ હતી, તેણે કહ્યું,“ચેતનાને ફોન આપ.”

ચેતના જાણતી હતી, મોટીબેને ધાર્યુ એટલે કરશે જ.આમ તિકડમ કરીને જવામાં તેને પણ ધાસ્તી લાગતી હતી.તેણે ફોન લીધો તો ખરો પણ અંદરથી તેનું મન તેને કહી રહ્યું હતું, કે કશુંક ખોટું થઇ રહ્યું છે.

“મોટી બેન,જયશ્રી કૃષ્ણ”

“જયશ્રી કૃષ્ણ!આ ચેતન ને સમજાવ, કે અહીંનાં વકીલોએ તિકડમ કરીને બોલાવવાની હા પાડી છે ત્યારે ભાંગરો ના વાટે.”

“પણ હવે તેમની મજુરી કરવાની ઉંમર નથી. ત્યાં આવીને બધું નવેસરથી કરવાનું ફાવે નહીં!”

“અરે ભાભલડી જરા સમજ, દિગંતને સારું ભણતર અપાવવું હોય તો અહીંની સ્કુલમાં મુકવો પડે. તેને લાવવા અહીં ચેતને પહેલા આવવું પડે. તેના કાગળિયાં ચોખ્ખા કરવા પડે.”

“પણ મોટી બેન એ જ તો મોટો વાંધો છે! કાગળિયાં કરવા માટે જે ખર્ચો કરવો પડે તે તો નથી,તેનું શું?”

“જો એ બધી ચિંતા તું ના કર. તારે કાગળિયાં ઉપર ચેતનને છુટો કરવાનો છે અને તે અહીં આવે પછી અમેરિકન સ્ત્રી સાથે પેપર પર લગ્ન કરાવવાના.એટલે તેને અમેરિકામાં રહેવાનો અધિકાર મળે.પછી તેને છુટાછેડા કાગળ ઉપર આપી તને અને દિગંતને બોલાવી લેવાના છે.”

ચેતના તો ક્ષણ માટે હચમચી ગઈ.” પણ મોટી બેન, આ કૌભાંડ પકડાય તો જેલ થાય ને?”

“એટલા માટે તો વચ્ચે વકીલ રાખવાનો છે. એ બધો ખર્ચો હું અહીં હમણાં કરીશ. જ્યારે તમે કમાતા થાવ ત્યારે વાળી દેજો.”

“ પણ મોટી બેન, અહીં બધુ ગોઠવાયેલું ભાંગીને ત્યાં નવેસરથી બધું એક્ડે એકથી કરવાનું મને તો જચતુ નથી.’

“તું રહી માસ્તરની માસ્તર. તને અમેરિકામાં શું છે, તેની ખબર શું પડે? હવે આપણે તો દિગંતની ચિંતા કરવાની સમજી?”

“મોટી બેન મને તો બીક લાગે છે. જરા વિચાર કરીને કંઇક કરીએ,” ત્યાં સાસુમાએ ફોન હાથમાં લીધો.

“જો ચેતના બેટા, કેતકી કહે છે તેમ કરો અને થોડોક તકદીર ઉપર ભરોસો રાખીને અહીં આવી જાવ.”

“પણ બા આમાં તો કાયદાને આપણે તોડીએ છીએ.આપણી રીતે બધુ વિચારીએ પણ આ પેપર પર કરવાની વાતની મને બહુ બીક લાગે છે.”

“ એ બીક પર મૂક પૂળો અને કેતકી,ચેતનની ટિકિટ મોકલે ત્યારે કાયદેસરના કાગળો ઉપર છૂટાછેડા કરી દેજે. દિગંતના હિતમાં આપણે આ બધું કરીએ છીએ. વકીલ રસ્તો બતાવે છે, સમજી? આ કંઇ સાચે સાચા છુટાછેડા નથી,” અને ફોન મુકાઇ ગયો.

ચેતના ડરી ગઈ.એનું મન માનતું ન હતું. પણ દિગંતનાં ભવિષ્ય માટે કરવાનું છે તે વિચારીને તે પાછી પડી ગઈ. કદાચ પહેલી વખત તે પોતાના અંતરાત્માનાં અવાજની વિરુધ્ધ વર્તી રહી હતી. કેતનને પણ અમેરિકાનું આકર્ષણ લાગ્યું હતું.મોટીબહેન ઉપર તેને પુરો ભરોસો હતો.

પછીની વાત સાવ સરળ હતી.ચેતના અને દિગંત ભારતમાં રહ્યા અને કેતન શિકાગો આવી ગયો હતો. તેનાં લગ્ન ત્યાંની વિધવા શાંતા સાથે થયા, જે તેનાથી આઠ વર્ષ મોટી હતી. કાગળિયાં થયા અને જ્યારે ચેતનાને બોલાવવાનો દિવસ આવ્યો ત્યારે પેપર પર છૂટા છેડા આપવાની શાંતાએ ના પાડી. કેતન જેવો મફતનો હેંડીમેન તેને ક્યાંથી મળવાનો હતો!

ચેતનાને આ વાતની ખબર પડી, ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. અહીં અમેરિકામાં ચિંતાને કારણે કેતનને ડાયબીટીસ અને બી.પી. લાગી ગયા હતા.

ચેતના છતે પતિએ તે “ડાઇવોર્સી” હતી. તેનો પતિ તેને બોલાવી શકતો ન હતો. દિગંત દસમા ધોરણમાં આવી ચૂક્યો હતો. ભારતમાં નોકરી હવે તેને ડંખતી હતી. પ્રતિકૂળતા દરેક રીતે તેને ઘેરી વળી હતી.

દિગંત એક દિવસે બોલ્યો, “ ચાલ મમ્મી આપણે શિકાગો પહોંચી જઇએ.”

ટ્રાવેલ એજંટ્ને કહી તેમણે છ મહિનાનો ટ્રાવેલ વીઝા લીધો અને મકાન હંગાંમી રીતે બંધ કરીને શિકાગો પહોંચ્યા. દિગંત સમજુ હતો. પપ્પાને મળ્યો અને તેમની દશા જોઇને તે હચમચી ગયો. નવી માની હોટેલમાં તે હેંડીમેન હતા. ચેતનાને જોઇને કેતન ખુબ જ રડ્યો. બે વરસ તેણે ખુબ રીબાઇને કાઢ્યા હતા.

કેતકીએ બહુ જ પ્રયત્ન કર્યા પણ કશું વળ્યું નહિ. શાંતા તો વકીલની ભાષા બોલતી હતી. ડગલેને પગલે કાયદો બતાવીને તે છૂટા છેડા આપવાની વાત સાંભળતી જ ન હતી. તેણે પોલીસમાં ફરિયાદ કરીને કેતનનો પાસપોર્ટ જપ્ત કરાવ્યો હતો. તે ભાગીને ભારત પાછો ન જઇ શકે તેવા બધાજ ઉપાયો તે કરી ચુકી હતી. શાંતાના બે મોટા છોકરાં પણ માને પગલે ચાલતા હતા.

અહીં કેતકી વકીલોનાં ચઢતા બીલોથી થાકી ગઈ હતી. તેણે દિગંતને દત્તક લઇને તેને શિકાગોની શાળામાં દાખલ કરાવી દીધો હતો. શાંતા આમ ફરી જશે તેની કલ્પના વકીલને પણ નહોતી. સગવડિયા લગન કરવા માટે તેણે કેતકી પાસેથી લીધેલા પૈસા તો તે ક્યારની ચાંઉ કરી ગઇ હતી.

ચેતના આ ચક્રવ્યુહમાંથી કેતનને કાઢવા મથતી હતી. શાંત ચિત્તે વિચાર કર્યો અને તપાસ કરાવી ત્યારે તેને સમજાયું કે તેમનો શોષક પેલો વકીલ હતો. અત્યાર સુધી તેણે શાંતાનાં સાત વાર લગ્ન કરાવ્યા હતા અને બાદમાં છૂટા છેડા અપાવેલા. બધી ચાલબાજીમાં તે નિરાંતે કમાતો હતો.

ચેતના એટલું તો પામી ગઈ હતી કે અહીં કળથી કામ લેવું પડશે. સાસુમા અને કેતકી બંને બિનઅસરકારક હતા. પોતે શિક્ષીકા હતી તેથી તે બેઉ બાજુનું વિચારી શકતી હતી. ફક્ત એક જ ચિંતા હતી. પૂનર્લગ્ન સિવાય તે અમેરિકન અધિકારો પામી શકે તેમ નહતી અને સમયનો કાંટો આગળ વધતો જતો હતો. એ અહીં રહે તો નાણાંકીય ભારણ એમના ઉપર જ વધે છે કારણ કે મોટીબેને તો બધું પાછું વાળવાની શરતે બોલાવ્યા હતા.

વકીલ અને કાયદો એ શાંતાનાં બે સબળ પાસાં હતા.કાયદાની દૃષ્ટિએ કેતનની બાજુ નબળી હતી.જો પોલીસે વાત ચઢે તો સૌને ખોવાનું હતું.દિગંતનો અભ્યાસ બગડે અને બન્નેને ડીપોર્ટેશન કે જેલ થાય.એ જ રીતે વકીલને તેની પ્રેક્ટીસ ખોવી પડે અને શાંતાને પણ તકલીફ તો થાય જ.

ચેતના તો એકલી હતી.આમેય તેને ખોવાનું કશું જ નહોતું, તેણે કેતકી સાથે વાતવાતમાં પુછી લીધું :શાંતાનાં આગલા પતિઓમાંથી જેને આવી તકલીફ પડી હોય તેમાંના કોઇને તે ઓળખતી હતી કે કેમ.

તપાસ કરતાં ખબર પડી ચમન ઠક્કર અને કાસીમ મુર્તુઝા આજ રીતે શાંતા સાથે લગ્ન કરીને આવ્યા હતા. ઊંડી તપાસ બાદ તેણે શાંતાના બધા ‘પતિ’ઓના કેસ શોધ્યાં. તેણે તેમની સાથે વાત કરી પણ તેને મદદ કરવા કોઇ આગળ ન આવ્યું. સૌને ડિપોર્ટેશનની જડબેસલાક ધમકી આ ચાલાક અને માથાભારે વકીલે આપી હતી. બધાં એક યા બીજા પ્રકારે ડરેલા હતા.

ચેતનાના પ્રયત્નોની શાંતાને ખબર પડી ત્યારે તે વકીલ પાસે પહોંચી. માનવ સહજ સ્વભાવ છે જે માથાભારે હોય તેને મિત્રો ઓછા પણ દુશ્મનો વધુ હોય છે. વળી અંદરખાનેથી બીકણ પણ ઘણાં હોય.

શાંતાનો વકીલ હમ્ફ્રી એડગર જ્યુ હતો.તે શાંતા જેવા સાતેક સ્ત્રી-પુરુષો ઉપર નભતો હતો.તેને આ બધી વાતોનો કોઇ ડર નહતો. તે એક વાત જાણતો હતો, કે લોકોને કાં તો ડરાવો યા કડદો કરાવવો. તેણે શાંતાને કહ્યું કે ચેતનાને તારી મોટેલમાં બોલાવ. આપણે પહેલાં માંડવાળ કરીશું અને પછી તેને ડરાવશું!’

શાંતા કહે, “કેતન આગલા માણસો કરતા જુદો છે. ખરેખર તો તેની મોટીબેનને ડરાવવાની જરૂર છે”

એડગર કહે, “નવા માણસને કાયદાથી ડરાવવો સહેલો હોય છે. તેની બેન અહીંની રહેવાસી છે. એ તો પાછી બીજા વકીલને પૂછવા જશે!”

“તો પછી તું જેમ કહે તેમ કરીશું.”

બીજા દિવસે કેતનને શાંતાએ કહ્યું “તારી એક્સ-વાઇફ ભારતથી આવી છે ને?”

“ હા”

“તેને તું મળે તો તે કઈ હેસિયતથી?”

કેતન કહે,“ મિત્ર તરીકે.”

શાંતા કેતનનો બદલાયેલો સ્વર સમજી ગઇ. તેણે કહ્યું, “કાલે મેં એડીને બોલાવ્યો છે. તું તારી એક્સને પણ બોલાવી લેજે.”

“મને ખબર છે કે તે અહીં નહીં આવે. આપણે એડીને લઈ કેતકીબેનને ઘેર જઈને મળીયે તો કેવું?”

શાંતા કેતનનાં નકારથી ટેવાયેલી નહોતી. પણ આ વખતે તેણે બને તેટલી નરમાશથી કહ્યું “તેને અહીં બોલાવી લે ને?’

કેતન કહે, “ભલે હું પ્રયત્ન કરીશ પણ તને ખબર છે ને ચેતના ભણેલી છે અને પોતાના મનની માલિક છે.”

“એટલે તું શું કહેવા માંગે છે?”

“તેની સાથે મારા જેવું ન વર્તતી. તે કાયદો ભણેલી છે, અને તેને કોઇના બાપની બીક નથી, સમજી?”

શાંતા મનમાં ધ્રાસકો લાગ્યો. તેણે તેના બે દીકરાઓને બીજા દિવસની મીટીંગમાં હાજર રહેવા જણાવ્યું.

બીજે દિવસે એડી આવ્યો અને તેની સાથે તેનો આફ્રિકન-અમેરિકન બૉડીગાર્ડ જેમ્સ હતો.આ એ જ જેમ્સ હતો જે કાયમ કેતનને ડરાવતો હતો.

અહીં દિગંત, કેતકી અને ચેતના પણ આ મીટીંગ માટે તૈયાર હતા.

શાંતાએ સૌને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા.

દિગંતે હાથમાંનો ટેપ રેકૉર્ડર કાઢી બધાની હાજરીમાં બોલ્યો, “આજની મિટીંગ મારા ભવિષ્ય માટે બહુ જ અગત્યની છે, તેથી આજની બધી વાતો હું ટેપ કરવાનો છું. જરૂર પડે તેનો કૉર્ટમાં પણ ઉપયોગ કરીશ. શાંતાબાને આ બાબતે વાંધો હોઇ જ ન શકે તે તો હું સમજું છું. આજે હું બે વાત લઇને આવ્યો છું.

૧. મારા બાપુજીને પતિ તરીકે શાંતાબાએ બહુ હેરાન કર્યા છે. મને ખબર છે એડી તમે ગેરકાયદે પ્રી-નપ્ચુઅલ કોન્ટ્રક્ટ કરી મારા બાપુજીનો કાયદાકીય લગ્ન હક્ક ડુબાડ્યો છે.

૨. હું તેમનું સંતાન હોવા છતાં તેમણે મને તેમની આ સંપત્તિમાંથી બાકાત કર્યો છે.

શાંતાએ આ વાતની કલ્પના કરી જ નહતી. તેને પરસેવો છુટવા માંડ્યો.

એડી ટટ્ટાર થયો અને કહ્યું, “શાંતા સાથે લગ્ન કરતાં પહેલાં કેતને તેના અગાઉનાં લગ્નની વાત કરી હતી,પણ તેને સંતાન છે તે વાત છુપાવી હતી. આમ તેણે મારી અસીલણને છેતરી છે.”

દિગંતે કહ્યું, “તમને બચાવ કરવાનો સમય અપાશે. પણ હજી મારી વાત પતી નથી.આ મોટેલમાં તેમની પાસે લેબર કામ કરાવાય છે અને ધમકીઓ આપીને જેમ્સ દ્વારા મારપીટ થઇ હોવાની ઘટનાઓ બન્યા પછી તેને પોલીસ કંપ્લેન્ટ કરી તો ઠાર મારવામાં આવશેની ધમકીઓ અપાતી હતી.”

ચેતનાએ વાતનો દોર હાથમાં લેતા કહ્યું, “શાંતાના મારા એક્સ-પતિ કેતન સાથેનાં લગ્ન તેનાં સાતમા લગ્ન છે. તેની સાથેનાં બધાં લગ્ન આવી જ રીતે થયેલાં છે તેનો તેનાં સઘળાં ભૂતપૂર્વ પતિઓએ સ્વિકાર કરેલો છે. આ તબક્કે કોર્ટમાં જતાં કે પોલિસમાં જતાં શાંતાબાનું જેલમાં જવું નક્કી છે.હવે તમે કલ્પના કરી શકો છો કે તમને બંને ને કેટલા વર્ષની જેલ મળશે?

એડીનાં ચહેરા ઉપર કોઇ ભાવ બદલાયા નહોતાં. તેણે જોયું કે ચેતના,દિગંત વિ.ને ધમકાવું તે પહેલાં જ તેઓ મને ધમકાવવા લાગ્યાં છે. તેણે શાંતા સામે જોયું તેની આંખમાં ભય સ્પષ્ટ દેખાતો હતો.

હવે કેતકીએ ઠાવકાઇથી કહ્યું, “જુઓ અમે શાંતિ પ્રિય માણસો છીયે. અમારે આ બાબતમાં છેલ્લી કક્ષાએ જવું નથી. શાંતાની મિલ્કતમાંથી કેતનને અડધો ભાગ આપી તેને છૂટો કરો તો કોઇને જેલમાં જવું નહિ પડે. બધું ઠામનું ઠામમાં પડી રહે.

એડી કોઈ જવાબ આપે તેપહેલાં શાંતાનો દીકરો બોલ્યો. “નો વે.મારાં મમ્મી આ લોકોને કશું નહિ આપે!”

ચેતના અને કેતકીની આંખો મળી. તેમણે આપેલો ડોઝ ધારેલી અસર લાવી રહ્યો હતો. તેવામાં દિગંત છૂટાછેડાનાં કાગળિયાં લઇને શાંતા પાસે પહોંચ્યો. ડરેલી શાંતાને થતું હતુ આ બધી પળોજણ થાય અને જુઠા કાગળો પકડાય અને તેણે આચરેલા ગોટાળામાં તે વધુ અટવાય, તે પહેલા ડાઇવોર્સના કાગળ ઉપર સહિ કરી નાખી.

ત્યાર પછી દિગંતે બીજો કાગળ આપ્યો જેમાં કેતન પર ગુજારવામાં આવેલી કનડગત અને તેની સ્વતંત્રતા છીનવવા માટે તેનો પાસપોર્ટ ગેરકાયદેસરરીતે ખૂંચવી લેવામાં આવ્યો હતો તે માટે એક લાખ ડોલરની માગણી હતી. શાંતાએ એડીની સામે જોયું અને તેના હકારે તેના ઉપર પણ સહિ થઇ ગઈ.

કેતકી કેતનના રૂમમાં જઇ તેનો સામાન લઇ આવી. શાંતાએ તેનો પાસપોર્ટ અને માગેલી રકમનો કૅશિયર્સ ચેક કઢાવીને આપી દીધા.

ઘેર જતી વખતે કેતકી બોલી “શાબાશ મારી ભાભલડી!”

 

 


Rate this content
Log in