સાચું સુખ બીજાને સુખી કરવામાં
સાચું સુખ બીજાને સુખી કરવામાં
હા, આ એક એવા માણસની વાત છે, કે જેને બીજાને સુખી કરવામાં સુખ મળ્યું હતું. આ માણસે મહેનત કરીને ગરીબાઈ હોવા છતાં બધી પરીક્ષાઓ આગળના નંબરે પાસ કરી. વકીલાત સુધી પહોંચીને વકીલાત શરૂ કરી. બેરિસ્ટર બનવા લંડન જવું હતું. પૈસા ન હોવાથી વકીલાત કરતાં કરતાં બચત કરવા લાગ્યા. લંડન જવા માટેના કાગળિયા તૈયાર કરવા લાગ્યા. બધી તૈયારી થઈ ગઈ અને લંડનથી મંજૂરીનો કાગળ પણ આવી ગયો. પરંતુ ત્યાં જ આ મંજૂરી ઉપર મોટા ભાઈએ લંડન જવાની ઈચ્છા કરી અને આ માણસે ભાઈની ઈચ્છા પૂરી કરવા પોતાની મહેનત ભાઈને સમર્પિત કરી દીધી. ભાઈને આનંદમાં જોઈને પોતાને પણ આનંદ થયો.
એક વખત કોર્ટમાં કેસ ચાલતો હતો. ત્યારે જ આ માણસને તેમની પત્નીના મૃત્યુનો તાર આવ્યો. પણ વિચલિત થયા વિના 'જનારાં તો જતાં રહ્યાં, જીવતાને બચાવીએ' વિચારીને કેસ લડયા અને નિર્દોષને નિર્દોષ છોડાવીને પોતે પણ આનંદ મેળવ્યો.
વકીલાત પણ સારી ચાલી. ખૂબ કમાણી કરી. પહેલાની ગરીબી તો કયારનીયે દૂર થઈ ગઈ હતી. પણ ગાંધીજીની વાણી સાંભળી આ ધીકતી કમાણી છોડીને દેશની લડતમાં જોડાયા. હવે તેના મનમાં દેશને સુખી કરવાનું સ્વપ્ન આવ્યું અને તે માટે ખૂબ મહેનત કરી. તેનાથી પોતાને તો કોઈ તકલીફ નહોતી, માત્ર લોકોને સુખી જોવા હતા. એવો ઉત્તમ વિચાર હતો.
દેશ આઝાદ થયા પછી પોતે નાયબ વડાપ્રધાન બન્યા. આ સમયે દિલ્હીમાં કોમીહુલ્લડો ફાટી નીકળ્યાં. ગાડી લઈને આવા વિસ્તારોમાં પહોંચી ગયા. લોકોને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પોતાનું શું થાશે એ તો વિચાર પણ ન કર્યો. લોકોનું શું થશે એ જ વિચાર કર્યો. આવી તો ઘણી ઘટનાઓ બની. જેમાં સૌને સુખી કરવાનું સ્વપ્ન જોયું. આ માણસ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.
આજના સ્વાર્થીજગતમાં જો દરેક માણસ આવું વિચારે, બીજાનું જ સુખ જોવા લાગે, બીજાના સુખે સુખી થાય, તો જગતમાં કોઈ દુ:ખી રહે જ નહિ.
