STORYMIRROR

Hardik G Raval

Others

3  

Hardik G Raval

Others

રમકડું

રમકડું

5 mins
796


હું હાંફતી હાંફતી બસસ્ટેન્ડ પર પહોંચી, ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હોવાથી કોઈએ મને ઓળખી નહીં જ હોય મેં વિચાર્યુ. દોડવાના કારણે કપાળના ભાગે પરસેવો વળી ગયો હતો તે રૂમાલથી લૂછયો. બસસ્ટોપ પર મારી આજુબાજુ ઉભેલા કોલેજિયન અને નોકરિયાત પોતપોતાની બસની રાહ જોઈ રહ્યા હતાં. હું આમતેમ જોઈ રહી, કોઈ જાણીતું તો દેખાઈ નથી રહ્યું ને ! મને આટલી વહેલી સવારે અહીંયા કોઈએ જોઈ તો નહીં લીધી હોય ને ! જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, તેમ તેમ મારી ગભરાહટ વધી રહી હતી. પાણીની તરસના કારણે ગળુ સુકાઈ રહ્યું હતું. બાજુનાં ગલ્લે જઈ પાણી બોટલ ખરીદી લઉ એમ વિચારી ગલ્લા તરફ ગઈ પરંતુ ત્યાં પહોંચતા જ પાછો વિચાર આવ્યો કે પાણી પીવા માટે મારે દુપટ્ટો તો હટાવો પડશે, કોઈ ચહેરો જોઈ જશે તો? હું પાણી બોટલ વગર જ પરત ફરી.


મારે આજનાં દિવસે આવું કામ કરવું જોઈતું ન હતું, 'મેં કેમ હા પાડી હશે ?' હું સ્વગત બબડી. થોડીવારે મમ્મીનો ચહેરો સામે આવ્યો અને વિચાર આવ્યો કે મેં કાંઈ ખોટું કામ તો નથી જ કર્યું, પોતાના લોકોની ખુશીનું પણ કોઈ મહત્વ હોય ને ! મમ્મીના ચહેરા પર ફરી ખુશી આવશે એનાથી વધારે મારા માટે શું હોય ? પપ્પા તો સવારે વહેલા ઓફીસ માટે નીકળી જાય, મમ્મી બિચારી ઘરનું બધું કામ કરતા કરતા થાકી જાય છે, એટલીસ્ટ આ પૈસાથી એના માટે વોશિંગ મશિન લઈ દઈશ, આમ પણ પગની તકલીફના કારણે એ નીચે કપડાં ધોવા ક્યાં બેસી શકે છે, એને થોડી રાહત મળશે. બાકી પપ્પાની આવકથી તો ખોરાકનું પણ પૂરું માંડ થતું હશે.


બસ આવી એટલે ઉતાવળે ચડીને આગળથી ત્રીજા નંબરની હરોળમાં બારીની સીટ પાસે બેઠી. ફરી વિચાર આવ્યો, મમ્મીની ખુશી માટે મમ્મીના સંસ્કાર જ મેં નેવે મૂકી દીધા, મારે આવું ન કરવું જોઈતું હતું. અચાનક મને લાગ્યું કે કોઈ મને બોલાવી રહ્યુ છે. કંડક્ટર મારા પર બગડ્યો, 'દશમી વખત બુમ પાડી, ક્યાંની ટિકીટ ફાડું ?'. મને કોઈ બુમ સંભળાય તો ને ? હું તો મારા વિચારોમાં મશગુલ હતી. જેમતેમ લાસ્ટ સ્ટોપની ટિકિટ આપવાનું જણાવી એને રવાના કર્યો, લાસ્ટ સ્ટોપ કયું એ પણ મને જાણ ન હતી. મારા આવા વર્તનથી પાછળની સીટ પર બેઠેલા બે યુવકો હસ્યાં. મને ન ગમ્યું પણ મેં ધ્યાન ન આપ્યું.


આમ પણ આજે જે કર્યું એ પણ મને ક્યાં ગમ્યું હતું? હવે બીજીવાર નહીં કરું, ના પાડી દઈશ. પહેલી વખત પણ ક્યાં મંજૂરીથી કર્યું હતું. રાહુલના કારણે જ બધું કરવું પડ્યું હતું. રાહુલે ગઈકાલ રાત્રે મને કહ્યું હતું એ શબ્દો યાદ આવ્યાં અને વિચાર્યું, ખરેખર મને ગામડાની ભોથીને કાંઈ ખબર ન પડે ? મોટા શહેરમાં આવું તો સામાન્ય કહેવાતું હશે ! બની શકે અને રાહુલે મને આવું કરવાના બદલે વીસ હજાર રૂપિયા પણ આપવાનું વચન આપ્યું હતું. કદાચ એ લાલચે હું રાજી ન થઈ હોત તો મને પટ્ટાથી મારીને પણ રાજી કરત. લગ્નના છ મહિના દરમિયાન મને ઘણીવખત રાહુલ દ્વારા આ રીતે માર પડ્યો હતો.

બારીમાંથી રસ્તા પર એક યુગલ હાથમાં હાથ નાખીને જઈ રહેલું દેખાણું બન્ને ખુશ હતાં. કાશ મને આવી ખુ

શી મળી હોત ! એમ વિચારી નસીબને દોષ આપ્યો. હું ગામડાની હતી તો ડરથી માની ગઈ પણ અન્ય લોકો કેમ આવું કરતાં હશે ? એમને તો કોઈ લાલચ નહિ હોય તો પણ... વિચાર અધુરો રહ્યો, છેલ્લું બસસ્ટેન્ડ આવી ગયું હતું. હું ઉતરી અને ત્યાંથી ઘર તરફ જવા માટે ટેક્સી કરી, પહેલા હું બસમાં કેમ બેઠી અને આ સ્થળે કેમ આવી ! એ પણ એક પ્રશ્ન હતો. ગભરામણ માણસથી ભૂલ કરાવી જ દે એમ કહી મનને સમજાવ્યું.


રાહુલનો મજબૂત બાંધો કોઈને પણ આકર્ષિત કરે એવો હતો. એના મિત્રવર્તુળમાં એના જેવું દેખાવડું કોઈ નહીં ! મિત્રોને તેનાથી ઈર્ષ્યા થાય સાથે સાથે તે લોકોની પત્નીઓ અવારનવાર રાહુલની નજીક આવવાના પ્રયત્નો કરે. રાહુલ પણ ફ્લર્ટ કરી તેમને પ્રતિભાવ આપતો, અરે હા ! યાદ આવ્યું એમણે તો રાહુલ સાથે એવું નક્કી કર્યું હતું કે એ મને ઘરે મૂકવા આવશે, મારી વહેલા એકલા નીકળી જવાની ઉતાવળ મને ફરી માર ખવડાવશે, મનમાં ફરી ડર જાગ્યો અને આ ડરથી શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ.


હું જેમતેમ વિચારતા વિચારતા ઘરે પહોંચી. ધ્રુજતાં હાથે ડોરબેલ વગાડી. સ્વાતિએ દરવાજો ખોલ્યો એનો ચહેરો ઉતરેલો હતો. રાહુલ પણ ગુસ્સાથી મને જોઈ રહ્યો હતો. કદાચ ત્યાંથી ફોન આવી ગયો હશે એમ વિચારતા વિચારતા ધીમે પગલે મારા રૂમમાં પ્રવેશી.ત્યારબાદ કપડાં લઈને હું ન્હાવા બાથરૂમમાં ગઈ. 


હું બાથરૂમમાં ખૂબ રડી, અવાજ બહાર ન જાય તેનું પણ ધ્યાન રાખ્યું. મારો અવાજ તો બહાર ન ગયો પણ અભિષેકની ગાડીનો અવાજ સંભળાયો. તે આવીને તેમની પત્નિ સ્વાતિને લઈ ગયા. મારા બહાર નીકળતાં જ મને વાળથી પકડીને રાહુલે મારુ માથું દિવાલ સાથે અથડાવ્યું અને ગુસ્સામાં બોલ્યો 'તે મારા મિત્ર અભિષેકને સરખી ખુશી ન આપી ? તારા કરતા તો ટોય(રમકડું) સારું એવું કહી રહ્યો હતો. કેટલો ગુસ્સે હતો એ ! બીજી વખત ધ્યાન રાખજે' કહીને વધુ એકવખત ગુસ્સાથી મારુ માથું દિવાલ સાથે અથડાવ્યું. મારા કપાળે લોહી નીકળતું જોઈ એ મને એમ જ ત્યાં છોડી ઘરની બહાર ચાલી ગયો. 

રાહુલનો 'બીજીવખત' શબ્દે મને ગુંચવણમાં નાખી. હજી પણ મારે આ કરવું પડશે, કોઈ બીજાની સાથે પણ ? મોટા શહેરોમાં આવું એકરાત્રી માટે પત્નિ બદલવાનું સામાન્ય હશે ? કેવું દુષણ ! મને સમજાઈ ગયું હતું કે વિસ હજારનું વચન તો હવામાં કરાયેલી વાત હતી. રાહુલ હવે એ વચન નહીં પાળે. આમ પણ એણે આ છ મહિનામાં સપ્તપદીના પણ ક્યાં કોઈ વચન પાળ્યા છે ? એ વિચારની સાથે જ હું કદાચ દુખાવાના કારણે ત્યાં જ ઢળી પડી.

આ કયું સ્થળ છે ? હું ક્યાં છું ? રાહુલ... રાહુલ... મારાથી બુમ પડાઈ ગઈ.


હેલ્લો, હેલ્લો સાંભળો બહેન, હું ક્યાં છું ?

'તું શોક ટ્રીટમેન્ટની તૈયારી કર, એને ઇગ્નોર કર. એનું રોજનું છે. હમણાં બે મહિનાથી એડમિટ થયેલ છે. સાંભળ્યું છે કે એનો પતિ એના આ પાગલપનનાં જ કારણે એને અહીં મૂકી ગયો છે. એ પાગલ એ વસ્તું ઈમેજીન કરે છે જે ક્યારેય પણ ઘટી નથી. એવી વાતચિત કરતી બે સફેદ વસ્ત્રધારી સ્ત્રી મને એક રૂમમાં લઈ ગઈ...


Rate this content
Log in