રિંકી-પિંકી
રિંકી-પિંકી
એક નાનકડુ શહેર હતું. તેમાં ઘણા લોકો રહેતા હતા. નાના-નાના મકાનો ઉંચા- ઉંચા વૃક્ષો, મોટી-મોટી સડકો, નિશાળો અને ત્યાં રહેતા લોકોથી શહેર ધમધમતું રહેતું. એ શહેરમાં એક રિંકી નામની બાળકી તેનાં માતા-પિતા સાથે રહેતી હતી. રિંકીનાં દાદા-દાદી ગામડે રહેતા અને તહેવાર વખતે રિંકીનાં ઘેર આવતાં ક્યારેક વેકેશનમાં રિંકી એના દાદા-દાદીના ગામડે પણ જતી.
રિંકીને જુદાં-જુદાં રમકડાં રમવા ખૂબ ગમતાં. તેના મમ્મી-પપ્પા પણ ઘણીવાર રિંકી માટે ઢગલાબંધ રમકડા અને વાર્તાની ચોપડીઓ લાવતા.
રિંકીની સાચવણી પણ સારી હતી તે ક્યારેય તોડફોડ ન કરતી રમકડા રમીને ગોઠવીને મૂકી દેતી. પુસ્તકો વાંચીને કબાટમાં વ્યવસ્થિત મૂકતી. રિંકીનાં મિત્રો ઘણાં હતાં. સૌ એકબીજાંનાં ઘેર રમવા અને ભણવા જતાં.
એકવાર રિંકીનાં ઘેર તેની સહેલી પિંકી આવી. પિંકીને રિંકીને શાળામાં રજા હતી તેથી તેઓ આખો દિવસ રિંકીના ઘેર રમવા ભેગા થયા હતા. પિંકીને રમકડાં રમવાની ખૂબ મઝા આવી આંખ પટપટાવતી ઢીંગલી, ચાવીથી ચાલતી મોટર, બેટરીથી ચાલતો પિયાનો બધું રમ્યાં પછી રિંકીને પિંકીએ નાસ્તો કર્યો.
રિંકીએ પિંકીને પુસ્તકો બતાવ્યાં. અકબર-બીરબલ, મિયાંફૂસકી, બાર્બીગર્લ, અનેક પુસ્તકો રિંકીએ એકદમ ગોઠવીને મૂક્યા હતા. પિંકીએ રિંકીનાં રમકડાં અને પુસ્તકો ગોઠવેલાં જોઈ પૂછ્યું, "રિંકી તારા રમકડાને બધું તું ગોઠવે છે કે તારા મમ્મી-પપ્પા?" રિંકી કહે, "પિંકી, આપણે રમકડાં રમીએ તો આપણે જ ગોઠવીને મૂકવા જોઈએ ને? એટલે જ્યારે ફરી રમવા જોઈતાં હોય તો મળી જાય. અને પુસ્તકો તો મારા ખૂબ જ પ્રિય છે, એ ફાટી જાય કે, બહાર પડ્યાં હોય તેની પર કંઈક ઢોળાય એને નુકસાન થાય તો મને ન ગમે."
પિંકી કહે, "રિંકી, મને રમકડાં રમવા તો બહુ ગમે પણ મારી સાચવણી તારા જેવી નથી. મારા રમકડાં તો ઘણાં તૂટી પણ ગયા છે. હવેથી હું પણ તારી જેમ મારી ચીજો ગોઠવીને રાખીશ તેથી મારી ચોપડીઓ અને રમકડાં પણ તારા રમકડાની જેમ સરસ રહે."
