પ્રમાણિકતાથી થાય વધામણાં (પ્રેરકપ્રસંગ)
પ્રમાણિકતાથી થાય વધામણાં (પ્રેરકપ્રસંગ)
હા, તેમનું રાજ લોકોનાં દિલ ઉપર હતું. પ્રમાણિકતા તેમનો ગુણ હતો. સાચાબોલા અને નિખાલસ હતા. જેવું માને એવું બોલે અને બોલે એનું પાલન કરે. સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની તેમનામાં ગજબની શક્તિ હતી. સામેવાળાને એક નજરે પારખવાની દૃષ્ટિ હતી. હિતકારક મતભેદો પણ સ્વીકારવાની તેમનામાં ઝિંદાદિલી હતી. પોતાનો મત સાચો હોય તો અડગ રહીને વળગી પણ રહેતા.
તેઓ લોકસેવા માટે હંમેશાં તૈયાર રહેતા હતા. 'લોકો સુખી તો પોતે સુખી' એવું માનનારા એ નેતા હતા. તેમની નેતાગીરી લોકોના હિત માટેની હતી. લોકોને અન્યાય થાય તો એમનું લોહી ઊકળી ઊઠતું.
ઈ.સ. ૧૯ર૩માં બોરસદમાં બહારવટિયાઓનો ત્રાસ વધી ગયો હતો. પોલીસ તેમને પકડી શકતી નહોતી. બહારવટિયાઓથી લોકો રીબાતા'તા. પોલીસથી કંઈ ન થયું એટલે લોકો આ બહારવટિયાઓને સાથ આપે છે એવો આક્ષોપ મૂકયો. બહારવટિયાઓને પકડવાના બહાને સરકારે બોરસદમાં વધારે પોલીસ મૂકી. જેનો ખર્ચ લોકો ઉપર નાખ્યો. આ માટે દંડરૂપે લોકો પાસેથી હૈડિયાવેરો નાખવામાં આવ્યો. લોકોએ આ માણસ પાસે જઈને વાત કરી અને આ માણસે લોકોનું નેતૃત્વ લીધું.
હવે સરકાર સામે લડત કરવાની હતી. તેઓએ સભા ભરીને લોકોને હિંમત આપી. આ વેરો ન ભરવાનું કહ્યું. હવે લડતની શરૂઆત થઈ ગઈ. તેઓએ લડત માટે જેમની પાસે પૈસા માગ્યા, વિના સંકોચે મળી ગયા. કયાંય કોઈ ચીજ માગી તો તે પણ મળી ગઈ. તેમના નેતૃત્વ અને લોકોની દૃઢતાને લીધે સરકારે હાર કબૂલ કરવી જ પડી અને હૈડિયાવેરો રદ કરવો પડયો.
તેઓ દેશના નેતા બન્યા હતા. પણ પૈસાનો કદી' ખોટો ઉપયોગ કર્યો જ નહોતો. પાઈએ પાઈનો હિસાબ હતો. સરકારના કામ માટે પણ બને ત્યાં સુધી સરકારનો પૈસો વાપર્યો નહોતો. પોતાના કામ માટે તો કયારેય પણ સરકારી પૈસો નહોતો વાપર્યો. પત્ર લખે તો પોતાના પૈસે અને ફોન કરે તો પણ પોતાના પૈસે. સરકારનો પૈસો અને સરકારની વસ્તુઓ તેમની પાસે હતી, પણ પોતાના માટે કયારેય ઉપયોગ ન કર્યો. તેઓએ પોતાના પુત્રને પણ દિલ્લીથી દૂર રહેવાનું કહી દીધું હતું. કયાંય ખોટું થવા દીધું નહોતું. એટલે તો લોકોએ તેમને વધાવી લીધા હતા. પોતાનાં દિલોમાં બેસાડી લીધા હતા અને પોતાના સરદાર બનાવી લીધા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ.
પ્રમાણિકતાથી હંમેશાં જીત મળે છે અને તે કાયમી જળવાઈ રહે છે. ખોટી જીતનું આયુષ્ય ટૂંકું હોય છે. પ્રમાણિકાથી આનંદ મળે છે, જ્યારે જૂઠથી વિકૃત આનંદ મળે છે. પ્રમાણિકને લોકો માનની દૃષ્ટિએ જુએ છે, જ્યારે જૂઠાને ક્રોધિત નજરે જુએ છે.
