STORYMIRROR

Nisha Patel

Children Stories Tragedy

4  

Nisha Patel

Children Stories Tragedy

પપ્પાનાં આશીર્વાદ

પપ્પાનાં આશીર્વાદ

6 mins
407

એ દિવસે એ હાઈસ્કૂલથી વહેલી આવી ગઈ હતી. એની પરીક્ષાનો તે છેલ્લો દિવસ હતો. પેપરમાં તેને ના આવડે એવું તો કશું હતું નહીં. એટલે ત્રણ કલાકનું પેપર તેણે દોઢ કલાકમાં તો લખી નાંખેલું. પછી એ ઊભી થવાં ગઈ પણ ટીચરે ઊભી થવાં દીધી નહીં. એટલે આમતેમ આમતેમ પેપર ફેરવી ફરી ફરી વાંચી તેણે બીજો પોણો કલાક કાઢ્યો. પછી ઊભી થઈ પેપર આપી ઘરે આવી ગઈ. બીજાં તેનાં ફ્રેન્ડઝનાં વિષયો જુદાં હોવાથી આજે તેની સાથે કોઈ હતું નહીં. બધાંને ગઈકાલનો દિવસ છેલ્લો હતો. શૈલી અને રીતેશ બંને તેનાંથી ઘણાં નાનાં હતાં. તે બંને હજું આવતાં વર્ષે એટલે કે હવે જૂન મહિનાથી સ્કૂલ ચાલુ થાય ત્યારે હાઈસ્કૂલમાં આવશે. તેમની પરીક્ષા તો અઠવાડિયાં પહેલાં જ પતી ગઈ હતી. 

ઘેર આવી ત્યારે બપોરનાં એક વાગવાં આવેલો. તેણે જોયું તો મમ્મી રસોડાનું કામ પરવારી એનાં રૂમમાં આરામ કરવાં જતી રહેલી. શૈલી અને રીતેશ હોલમાં સાપસીડી રમી રહ્યાં હતાં. ચોવીસ કલાક ઘરમાં રહીને કામ કરનારાં સ્મિતાબેન પણ બધું કામ પરવારી હોલમાં જ આડાં પડ્યાં હતાં. ગરમી તો કહે મારું કામ ! એટલે એ ત્રણે હોલનું એસી કરીને ત્યાં જ હતાં. સ્મિતાબેનને જુદો રૂમ આપેલો છે પણ તેમનાં રૂમમાં એસી નથી. એટલે મે મહિનાની સખ્ત ગરમી હોય અને ઘરમાં પપ્પા ના હોય તો એ હોલમાં જ સૂઈ રહેતાં. એ અમારાં ઘરનાં એટલાં આત્મીય બની ગયેલાં કે અમને તે અહીં કોઈવાર સૂઈ જાય તેનો કોઈ વાંધો હતો નહીં. 

સ્મિતાબેનને હોલમાં જોઈ એ સમજી ગયેલી કે પપ્પા હજુ બહારગામથી આવ્યાં નથી. તેને નવાઈ લાગી. પપ્પા તો કાલે રાત્રે જ આવી જવાનાં હતાં. હજુ સુધી આવ્યાં નથી કે આવીને પાછાં જતાં રહ્યાં ? એ સીધી મમ્મીનાં રૂમમાં ગઈ. મમ્મી કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. તે અંદર ગઈ ત્યારે જ મમ્મીએ ફોન મૂક્યો. પપ્પા ઓફીસનાં કામથી મુંબઈ ગયાં હતાં. ઓફીસનાં જણાવ્યાં પ્રમાણે પપ્પાનું કામ કાલે રાત્રે બહુ મોડાં પૂરું થયું હતું અને તેમને આજે અહીં વડોદરામાં કામ હતું તેથી તે રાત્રે જ ત્યાંથી નીકળી ગયાં હતાં. જો કે રાત્રે કમોસમનાં વાદળ ઘેરાઈ ગયાં હતાં અને વાવાઝોડાં સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જે આખી રાતથી હજુયે ત્યાં ચાલુ જ હતો તેથી તેમનો કોઈ સંપર્ક થયો નહોતો ! મમ્મી સવારથી ફોન કરવાનો ટ્રાય કરતી હતી પણ ઓફીસનાં ગેસ્ટહાઉસમાં તો લાગ્યો જ નહીં અને ઓફીસે છેક અત્યારે ફોન લાગ્યો હતો. હવે તે બંને ચિંતામાં પડી ગયાં! શું થયું ? રસ્તામાં કશે રોકાઈ ગયાં હશે ? હજુ સુધી કોઈ ફોન પણ આવ્યો નહોતો. 

તે, મમ્મી, સ્મિતાબેન બધાં આમતેમ આમતેમ આંટા મારવાં લાગ્યાં. ચિંતાથી બધાંનાં ચહેરાંનાં રંગ ઉડી ગયાં હતાં. અહીં પણ વાવાઝોડાં અને વરસાદનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. સાંજ પડવાં આવી પણ ના તો પપ્પા આવ્યાં, ના કાંઈ સમાચાર આવ્યાં. ચિંતામાં સાંજની રસોઈ બનાવવાનું પણ કોઈને સૂઝ્યું નહોતું. લગભગ સાતેક વાગ્યાં ત્યારે એક કાર બહાર આવી ઊભી રહી અને એમાંથી ત્રણચાર જણાં બહાર નીકળી ગેઈટ પાસે ઊભા રહ્યાં. પણ તેમાં પપ્પા નહોતાં. પછી પાછળ બીજી ત્રણચાર કાર આવી ઊભી રહી ગઈ. જો કે આ બધાંમાથી કોઈ ઘરમાં તો આવ્યું જ નહીં. અને છેવટે એ બધાંની પાછળ એક એમ્બ્યુલન્સ આવી ! એ જોઈ ઘરનાં બધાંનાં હ્રદય ધબકારાં ચુકી ગયાં. ઝરમરતાં વરસાદમાં બધાંએ સાવ ચૂપકીદીથી પપ્પાને એમ્બ્યુલન્સનાં સ્ટ્રેચર પર બહાર કાઢ્યાં અને હોલમાં લાવી મૂક્યાં. ઘરનાં બધાં તો સ્તબ્ધ જ થઈ ગયેલાં હતાં પણ પપ્પાને લઈને આવનાર પણ કશું બોલી શકતાં નહોતાં. 

સૌથી પહેલો રીતેશ દોડ્યો અને પપ્પાને વળગી પડ્યો. તે સાથે જ તે અને શૈલી પણ દોડીને વળગી પડ્યાં. પણ મમ્મી તો જ્યાં હતી ત્યાં જ બેભાન થઈને પડી. હવે બધાંએ દોડાદોડી કરી મુકી. મમ્મીને ઊંચકીને સોફામાં સુવાડી. 

***

એ વાતને વીસ વર્ષ થવાં આવ્યાં હતાં. રીતેશનાં ઘરનાં વાસ્તાને પ્રસંગે બધાં ભેગાં થયાં હતાં. આ દરમિયાન ઘણું બધું બની ગયું હતું. મમ્મી પેરેલાઈઝ્ડ થઈ ગઈ હતી. બે કાકાઓ શૈલી અને રીતેશને પોતપોતાને ઘરે લઈ જવાનાં હતાં. એકની એક ફોઈ હતી તેમણે તેની જવાબદારી લીધી. હવે બાકી રહી હતી મમ્મી ! મમ્મીને માસી તેની સાથે જામનગર લઈ જશે તેવું નક્કી થઈ ગયું હતું ! બધી અંતિમ ક્રિયાઓ પતી ગઈ એટલે શૈલીને એક કાકા અમદાવાદ લઈ ગયાં. તે ફોઈ સાથે સુરત ગઈ અને રીતેશ એક કાકા સાથે વડોદરા જ રહ્યો ! એક પપ્પાનાં જતાં આખું ઘર વેરવિખેર થઈ ગયું. બધાં જ જુદાં પડી ગયાં. મમ્મી તો તદ્દન ચૂપ. અવાજ જ જતો રહ્યો હતો, દુઃખનાં આઘાતથી, એમ ડોક્ટરે જણાવ્યું હતું. જીંદગી આવી ક્રૂર કેમ હશે ? પપ્પા! તમે ક્યાં જતાં રહ્યાં ? 

રીતેશ અને શૈલી પાસે તે એક જ હતી, જેને એ લોકો કશું પણ કહેતાં. હ્રદય ખોલીને વાત કરતાં. પણ એ કોને કહે ? એવું નહોતું કે કાકાઓ કે ફોઈ તેમને સારી રીતે રાખતાં નહોતાં. પણ ત્રણેય જણાં મનોમન મમ્મીપપ્પાને એક એક ક્ષણે યાદ કરતાં રહેતાં. તેમનાં મન દરરોજ સામાન્યમાં સામાન્ય બનાવ બને તો પણ વિચારતાં થઈ જતાં, ‘ઓહ! આમ થયું ! જોયું, મમ્મીપપ્પા હોત તો આમ ના બન્યું હોત !’ દરેક વસ્તુમાં તેમનાં મન સરખામણી કર્યાં કરતાં. જોકે, ત્રણેમાંથી કોઈ એ બાબતની કોઈને ગંધ સરખીયે આવવાં દીધેલી નહીં. હવે તેઓ એટલું તો સમજવાં જ લાગ્યાં હતાં કે માબાપ પછી જેમણે તેમની જવાબદારી લીધી હતી તે લોકો એવું જાણશે તો તેમને ખોટું લાગશે. અને તેવું થાય તો ? તેઓનું શું થાય ?

ત્રણે જણે ભણી લીધું હતું. ત્રણેનાં લગ્ન થઈ ગયાં હતાં. શૈલી અને તેના પતિએ ક્યારનું યે જુદું ઘર લઈ રહેવાં માંડ્યું હતું. હવે છેલ્લે રીતેશે પણ ઘર લીધું અને તેનું વાસ્તુ રાખ્યું. બધાં જ સગાંસંબંધીને તેણે બોલાવેલાં. તે બધાં ભાઈબહેન આગલાં દિવસે જ આવી ગયેલાં. રાત્રે ત્રણેય ભાઈબહેન એકલાં બેસી વાતો કરવાં લાગ્યાં. પપ્પાનાં ગયાં પછી આવી રીતે એકલાં બેસીને વાતો કરવાનો કોઈ દિવસ મોકો મળ્યો જ નહોતો. ઘરનાં બધાં હાજર હોય એટલે એ ત્રણેયને એકાંત કદી મળતું નહીં. હવે બધાં જ ખૂબ મોટાં થઈ ગયાં હતાં અને વડીલો વૃદ્ધ થઈ ગયાં હતાં. એટલે પહેલીવાર જ એવું બન્યું હતું કે વડીલો બધાં વાસ્તુનાં સમયે એ જ દિવસે આવવાનાં હતાં ને એ બંને બહેનો જ ભાઈને ત્યાં આગલે દિવસે આવી ગઈ હતી. નવરાત્રીનાં દિવસો હતાં એટલે એ બંનેનાં પતિ અને રીતેશની પત્ની બાળકોને ગરબા ગાવાં લઈ ગયાં હતાં. 

મમ્મીપપ્પાનાં ગયાં પછી પહેલી જ વાર કોઈ સાંભળી જશેનાં ભય વિનાં ખુલ્લાં મને વાતો કરવાં બેઠાં. ત્રણેનાં મન આનંદથી ઊભરાતાં હતાં. આવી વાતો કરવાની મોકળાશ ! ત્રણે પોતપોતાનાં અનુભવોની વાત કરવાં લાગ્યાં. અને એક તારણ પર આવ્યાં- બધાંની એક સરખી અનુભૂતિ હતી. જ્યારે પણ તેમનાં જીવનમાં કશું ખાસ હોય, વરસાદ જરૂર હોય! વરસાદની સીઝન હોય કે ના હોય, બહુ નહીં તો થોડી ઝરમર જરૂર પડી જતી ! પરીક્ષાનું રીઝલ્ટ હોય કે પછી નવી જોબ હોય, જોબનું પ્રમોશન હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય, વરસાદ જરૂર હોય! અને ત્રણેને તે સમયે લાગતું કે પપ્પાનાં આશીર્વાદ વરસાદ બની તેમની પર વરસી રહ્યાં છે! તે વખતનો વરસાદ હંમેશ ઝરમર જ હોય! ધોધમાર કદી ના હોય! ત્રણેને લાગ્યું કે ત્રણેને એક સરખી જ લાગણી થાય છે તેનો અર્થ એ કે તે ભ્રમ નથી! સત્ય જ છે! 

બીજાં દિવસે બીજા બધાં વડીલો સાથે માસી પણ આવી પહોંચ્યાં. તે ત્રણે બધાંને લેવાં બહાર આવ્યાં. માસી મમ્મીને પણ સાથે લાવવાનાં હતાં. અને હવે પછી તે બંને રીતેશ સાથે જ રહેવાનાં હતાં! માસાનું હજુ ત્રણ મહિના પહેલાં જ અવસાન થયું હતું, ને માસીને એકે દીકરો તો હતો નહીં તેથી રીતેશે મમ્મી સાથે માસીને પણ પોતાની સાથે રહેવાં બોલાવી લીધેલાં! તેણે માસીની કારનો દરવાજો ખોલ્યો ને રીતેશ વ્હીલચેર લઈને આવી ગયો. તો શૈલી વોકર લઈને ઊભી રહી ગઈ. મમ્મીને હાથ પકડી બહાર લાવી વ્હીલચેર પર બેસાડી. રીતેશ બધો સામાન કાઢવાં લાગ્યો તો બધાંએ તેને ટોક્યો, કહે કે, ‘એ બધું પછી વાસ્તુ પતી ગયાં પછી માણસો પાસે કઢાવી લઈશું, તું એની ચિંતા ના કર, ભાઈ !’ 

ને તે સમયે જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો! ત્રણે એકબીજાં સામે જોઈ ધીમું ધીમું મલકાઈ ઊઠ્યાં !


Rate this content
Log in