પપ્પા છે ને !!!
પપ્પા છે ને !!!
શરૂઆતથી જ વિવેક માટે તેના પપ્પા તેના આઇડલ રહ્યાં છે. નાનપણથી જ તે પોતાના પપ્પા જેવા બનવાનું વિચારતો અને તેમનું જ અનુકરણ કરતો. પરંતુ લગ્ન બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. વિવેકના લગ્ન બાદ ઘરમાં રાધાનું આગમન થયું. વિવેકના પપ્પા એટલે કે સુરેશભાઈનો સ્વભાવ પહેલેથી જ કરકસરવાળો અને રાધા હાથની છુટ્ટી. આમ તો રાધા પણ મધ્યમ પરિવારની જ દીકરી હતી, પરંતુ આવતાંની સાથે જ રસીલાબેન એટલે કે વિવેકના મમ્મીએ આખું ઘર રાધાને હવાલે કરી દીધું હતું. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે ખર્ચ કરતી. ક્યારેક સુરેશભાઈને ટોકવાનું મન થઇ જાય, પરંતુ રસીલાબેન ના પાડે. તે સુરેશભાઈને સમજાવે કે,
"હવે તો તમારો સ્વભાવ બદલો, ઘરમાં વહુ આવી. તેમને તેમની રીતે કરવા દો. શું કામ બે માણસ વચ્ચે ઝગડો કરાવો છો ?". અને સુરેશભાઈ ચૂપ થઈને ત્યાંથી જતાં રહેતાં. પરંતુ ક્યારેક રાધા પોતાની હદ વટાવે ત્યારે સુરેશભાઈ બોલતાં. જે દિવસે તે બોલ્યા હોય, સાંજે રાધા વિવેક જોડે ઝગડો કરે. એટલે પાછા રસીલાબેન સુરેશભાઈને બોલે. રસીલાબેન રાધાનો પક્ષ લેતાં એટલે રાધાને ફાવતું મળી ગયું હતું. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા અને રાધાની સુરેશભાઈ તરફી ફરિયાદો વધવા લાગી. રજાના દિવસે બહાર ફરવા જવું, હોટેલમાં જમવું, રાત્રે મોડાં મોડાં ઘરે આવવું, મિત્રોની પાર્ટીમાં જવું આવું પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ સુરેશભાઈને પસંદ નહોતું અને રાધાને મન એ જ જિંદગી હતી.
એક દિવસ આવી જ રીતે વિવેક અને રાધા પાર્ટીમાંથી રાત્રે મોડા આવ્યા અને સુરેશભાઈએ વિવેકને ઠપકો આપ્યો કે, "બેટા ! વહુ સાથે હોય ત્યારે રાત્રે આટલું મોડું કરવું સારું નહીં. કંઇક તકલીફ થાય તો શું કરો ?" અને રાધા ગુસ્સે થઈ ગઈ. કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. પહેલીવાર વિવેકે સુરેશભાઈને વળતો જવાબ આપ્યો, "પપ્પા ! હવે તો હું મોટો થઈ ગયો છું, મારું ધ્યાન જાતે રાખી શકું તેમ છું. અને રહી વાત પૈસાની તો હું મારી રીતે કમાઉં છું, ને વાપરું છું. તમે પણ આ ઘરમાં શાંતિથી રહો અને અમને પણ રહેવા દો." આ વાત સુરેશભાઈથી સહન ન થઈ અને તે એ જ ક્ષણે ઘર છોડીને જતાં રહ્યાં. રસીલાબેન માટે પણ સુરેશભાઈ સાથે જવા સિવાય ક્યાં બીજો કોઈ રસ્તો હતો ? તેમને પણ સુરેશભાઈની સાથે ઘર છોડવું પડ્યું.
સુરેશભાઈ અને રસીલાબેન બંને પોતાના વતન રહેવા જતાં રહ્યા. હવે રાધા અને વિવેકને ટોકવાવાળું કોઈ હતું નહીં. બંને ખૂબ જ મોજ શોખથી રહેવા લાગ્યા. જૂનું ઘર વેચી દીધું અને આલીશાન ફ્લેટ લીધો. નવી ગાડી પણ વસાવી. જેટલા પૈસા કમાતાં ગયા, તેટલા મોજશોખ વધતાં ગયા. વિવેક શેરબજારનું પણ કરતો અને તેમાં તેને સારી એવી આવક થતી એટલે પૈસાની કોઈ કમી નહોતી. રાધાની લાઇફસ્ટાઇલ પણ બદલાઈ ગઈ. એક મધ્યમવર્ગની છોકરી હવે હિરોઈન જેવી લાઇફ જીવવા લાગી હતી. ક્યારેક વિવેકને રસીલાબેન અને સુરેશભાઈની યાદ આવી જતી, પરંતુ રાધા તેને સમજાવી લેતી કે એ પાછાં આવશેને તને ટકટક કરશે, એના કરતાં એ ગામડે છે એ સારું છે.
પરંતુ કહેવાય છેને કે પદ, પ્રતિષ્ઠા, પૈસો કાયમ નથી રહેતાં. વિવેક સાથે પણ કંઇક આવું જ થયું. શેરબજારમાં ખૂબ મોટું નુકસાન થયું. નુકસાન એટલું મોટું હતું કે તેની ભરપાઈ કરવામાં ઘર અને ગાડી બંને વેચાઈ ગયું. વિવેક અને રાધા બંને ભાડે મકાન રાખી અને સામાન્ય જિંદગી જીવવા લાગ્યા. સુખ સાહ્યબીમાં રહ્યા પછી આવી સામાન્ય જિંદગી જીવવી રાધા માટે મુશ્કેલ થઈ ગઈ. તે મમ્મીને મળવાનું બહાનું કાઢીને પિયર ગઈ અને પાછી ફરી જ નહીં. હવે વિવેક સાવ એકલો પડી ગયો. મમ્મી પપ્પાને હડધૂત કરીને કાઢી મૂક્યા હતાં એટલે હવે તેમની પાસે કયા મોઢે જવું ? અને પત્ની પણ દુઃખ આવતાં સાથ છોડી ગઈ. ક્યારેક તેને જીવન ટુંકાવી નાંખવાના વિચારો આવતાં, પરંતુ ત્યારે સુરેશભાઈની શિખામણ યાદ આવી જતી કે, "બેટા ! સમયનું માન રાખીશ, તો એ તારું ધ્યાન રાખશે. ખરાબ સમયને સાચવી લઈશ, તો એ ચોક્કસ તારા માટે સારો સમય લઈને આવશે." વિવેક બસ આ એક જ આશાએ બેસી રહેતો.
એક દિવસ અચાનક કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. રાધા હશે તેમ સમજી તે અધીરો બનીને દરવાજો ખોલવા દોડ્યો. જેવો દરવાજો ખોલ્યો કે સામે સુરેશભાઈ ઊભા હતાં. વિવેક કંઈ પણ વિચાર્યા વગર તેમને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે સુરેશભાઈએ તેની પીઠ થાબડતા એક જ વાત કહી કે, "બસ ! આટલામાં હારી ગયો ? ચિંતા શું કામ કરે છે ? પપ્પા છેને !" તરત જ વળતી બસમાં તે સુરેશભાઈ સાથે પોતાના વતન ગયો અને રસીલાબેન તેમજ સુરેશભાઈ બંનેને પાછા પોતાની સાથે લઈ આવ્યો. સુરેશભાઈનું થોડું સેવીંગ હતું તેમાંથી નવો બિઝનેસ શરૂ કર્યો અને ફરીથી ઘર પાછું હર્યુંભર્યું થઈ ગયું.
રાધાને પણ પોતાની ભૂલ સમજાઈ અને તેણે પણ બધાની માફી માંગી અને પાછી આવી ગઈ. હવે બધાં સુખેથી એક છત નીચે રહેવા લાગ્યા. આજે પણ ઘરનું સંચાલન સુરેશભાઈ જ કરે છે. શત શત નમન છે એ પિતાને...
