Parul Thakkar "યાદે"

Others

5.0  

Parul Thakkar "યાદે"

Others

નસીબના ખેલ ભાગ ૧૨

નસીબના ખેલ ભાગ ૧૨

3 mins
573


અને બસ એમ હોંશમાં ને હોંશમાં દિવસો પસાર કરવા લાગ્યા. બોર્ડની પરીક્ષા પણ આવી ગઈ. ધરાને હવે વડોદરા તેના મમ્મી-પપ્પા બધું બહુ યાદ આવવા લાગ્યા. એક પછી એક પેપર આપતા હવે છેલ્લો પેપર જ બાકી રહ્યુ. ધરા તો પોતાની બેગ પણ ભરવા લાગી. આ જોઈને તેના માસી બોલ્યા "બહુ ઉતાવળ છે તને વડોદરા જવાની... પણ તારે ક્યાં ય જવાનું નથી અહીં જ રહેવાનું છે."


પણ ધરા એ આ વાત પર ઝાઝું ધ્યાન ન આપ્યું. એને એના પપ્પાના શબ્દો પર ભરોસો હતો. કે એના પપ્પા એને જરૂર તેડવા આવશે. અને ધરાનો ભરોસો સાચો પડ્યો. ધરા છેલ્લું પેપર આપીને ઘરે આવી તો ઘરે એના પપ્પા એની રાહ જોતા ઉભા હતા. ધરા દોડીને એમને વળગી પડી. ધીરુભાઈએ પણ વહાલથી એને ગળે લગાવી.. ધરાને ફાઈવસ્ટાર ચોકલેટ ખૂબજ ભાવતી હતી. અને ધીરજલાલ એના માટે એ લઈને આવ્યા હતા. એમણે ધરાને ફાઈવસ્ટાર આપી. ધરા તો ખુશીથી ઝૂમી ઉઠી. આજે એને એના પપ્પા પાછા મળ્યા હતા. પપ્પાનો એ જ પ્રેમ જે એક વર્ષ પહેલા ગુમાવ્યો હતો એને એ આજે પાછો મળ્યો હતો. અને ધરા એ હવે મનોમન નક્કી કર્યું કે એ ક્યારે ક પપ્પાને દુઃખ થાય એવું કોઈ કામ નહીં કરે.


ધરાને લઈને ધીરુભાઈ વડોદરા આવ્યા. હંસાબેન પણ લાંબા સમય બાદ ધરાને જોઈને ખૂબ ખુશ થયા. ફરી પહેલાની જેમ બધા રાજીખુશીથી રહેવા લાગ્યા. પણ... ક્યારેક ક્યારેક હંસાબેન જૂની વાત યાદ કરીને ધરાને મહેણાં મારી દેતા. જો કે ધરાના પપ્પા બધું ભૂલીને પહેલાની જેમ જ ધરાને પ્રેમથી રાખતા હતા. ત્યાં થોડા સમયમાં ધરાનું દસમાનું પરિણામ પણ આવી ગયું. ધરા પાસ થઈ ગઈ હતી. છપ્પન ટકા આવ્યા હતા ધરાને. ધીરુભાઈને કાઈ વાંધો ન હતો ધરાના આ પરિણામથી. એ ખુશ હતા કે ધરા બોર્ડની પરીક્ષામાં પહેલા પ્રયત્ને જ પાસ થઈ ગઈ હતી.


ધરાને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી. એણે એના પપ્પાને વાત કરી કે એ હજી આગળ ભણવા માંગે છે, અને એના પપ્પા એ પણ રાજીખુશીથી હા પાડી. ( કારણ ધરાના સરએ જે કાઈ સમજાવ્યું હતું એ ધીરુભાઈને ખૂબ સરખી રીતે યાદ પણ હતું અને એ વાત એમના દિલ સુધી પહોંચી હતી)


ધરાને અગિયારમું ધોરણ ભણાવવા માટે સ્કૂલમાં બેસાડવાની તૈયારી થવા માંડી. હંસાગૌરી એ ઘણી ના પાડી, ઘણો વિરોધ કર્યો, ધરાને આગળ ન ભણાવવા ઘણું સમજાવ્યા ધીરુભાઈને. પણ ધીરુભાઈ ધરાને ઘરમાં બાંધી રાખવા નોહતા માંગતા. હંસાગૌરીની આટલી બધી ના છતાં ધીરુભાઈ વધુ મક્કમ થયા અને હવે તો એમણે ધરાને છોકરા છોકરીઓની ભેગી સ્કૂલમાં ધરાને બેસાડવાનો નિર્ણય લીધો. આ નિર્ણય દ્વારા એ ધરાનું મન પણ જાણવા માંગતા હતા કે એ શુ વિચારે છે. એના મનમાં ખરેખર શુ છે ?  અને આમ પણ જે સ્કૂલ એમણે નક્કી કરી હતી એ એમની દુકાનથી સાવ નજીક જ હતી. એટલે એમ પણ એ ધરા પર નજર રાખી શકે એમ હતા.


અને ધરાનો આગળનો અભ્યાસ શરૂ થયો. ધરા એ કોમર્સ રાખ્યું, એકાઉન્ટ ધીરુભાઈને ખૂબ સારું ફાવતું હતું. ધરાને એ જ શીખવાડતા હતા. ગણિત પણ ધરાને ગમતું હતું. એ ધરા ખૂબ હોશથી તરત શીખી લેતી. બસ એને વાંધો પડતો ઇકોનોમિક્સ અને બિઝનેસ મેનેજમેન્ટમાં. પણ ધરા મહેનત કરવામાં કંઈ બાકી ન રાખતી. એણે કોઈ કલાસીસ નોહતા રાખ્યા, એ ઘરે જાતે જ વાંચતી હતી. ખૂબ ધ્યાન દઈને ભણતી હતી, પપ્પાએ એના પર મુકેલા વિશ્વાસને એ તોડવા નોહતી માંગતી.


જોતજોતામાં એક સત્ર પૂરું થયું, છ માસિક પરીક્ષા આવી. આ તરફ ધીરુભાઈને ચિંતા હતી કે ધરા કોઈ ટ્યૂશન કલાસમાં પણ નથી જતી, પાસ થશે કે કેમ ! કારણ પોતે આટલું બધું ભણ્યા ન હતા. તો બીજી તરફ ધરાને વિશ્વાસ હતો કે એ આસાનીથી પાસ થઈ જશે. અને ધરાનો વિશ્વાસ જીતી ગયો. ધરા પાસ થઈ એટલું જ નહિ તેના ક્લાસમાં ફર્સ્ટ આવી. અને ગણિત અને એકાઉન્ટમાં તો એને સો માંથી સો આવ્યા !


ધીરુભાઈની ખુશીનો  પાર ન રહ્યો. એમને ખાત્રી થઈ ગઈ કે ધરા પર એમણે મુકેલો ભરોસો જરાય ખોટો નથી. ધરાના આ માર્ક્સ વિશે એક કલાસીસ વાળાને ખબર પડી. તે લોકો એ ધરાને એક ઑફર આપી કે એ લોકો ધરાને પોતાના કલાસીસમાં ભણાવશે કોઈ પણ ફી લીધા વગર. પણ ધીરુભાઈએ ના પાડી. જો કલાસીસ વગર પણ ધરા આટલા સારા માર્ક્સ લાવી શક્તિ હોય તો કલાસીસ કરવાથી ૧૦૦ માંથી ૧૫૦ થોડા આવવાના છે ?


ધીરજલાલને ગર્વ હતો ધરા પર. અત્યારના શબ્દોમાં કહું તો ખૂબ પ્રાઉડ ફિલ કરતા હતા. પણ....ધરાના નસીબે જાણે નક્કી કરી રાખ્યું હતું કે ધરાને ઝાઝી ખુશી આપવી જ નહિ...

(ક્રમશઃ)


Rate this content
Log in