નસીબ ના ખેલ ભાગ ૧૫
નસીબ ના ખેલ ભાગ ૧૫


છોકરાઓની વાત એકંદરે સાચી પણ હતી. ધરાની સ્કૂલના પ્રિન્સીપાલે ધીરજલાલને પણ આ વાત સમજાવી કે તેઓ નાહક જ નાની વાતને મોટું સ્વરૂપ આપી રહ્યા છે.
ધીરજલાલ ને પણ હવે લાગતું હતું કે તે કાંઈક વધુ પડતું વિચારી રહ્યા છે. ધરા પ્રત્યેનો વધુ પડતો પ્રેમ કદાચ ધરાને નુકસાન પહોંચાડી રહ્યો છે. વાતને સમજીને વાતને વધુ ન ખેંચતા ઘરે આવી ગયા. ધરા આ વખતે પણ સાચી હતી એ વાત એમને સમજાઈ ગઈ. તેમણે ધરાને કાઈ જ ન કીધું.. બધું પહેલાની જેમ જ ચાલવા લાગ્યું. અને એવામાં રક્ષાબંધન આવી. પેલા છોકરા એ ફરી યાદ અપાવ્યું કે એ ધરા પાસે રાખડી બંધાવશે. મન તો ન હતું છતાં ધીરજલાલ ધરાને લઈને એના ઘરે ગયા અને ધરાએ એને રાખડી બાંધી. નાસ્તો કરી ઘરે પાછા આવતા વખતે ધીરાજલાલે ધરાને ચોખ્ખું કહી દીધું કે 'હવે બીજી વાર અહીં આવવાનું નથી. ભગવાને જે આપ્યું છે જેટલું આપ્યું છે એમાં સંતોષ રાખવાનો. ભાઈ નથી તો નથી. બહારના માનેલા ભાઈ કરવાની જરૂર નથી.
અને ધરાના મનમાં એક વાત રહી ગઈ કે ભગવાને એના નસીબમાં જે લખ્યું છે એમાં જ એણે ખુશ રહેવાનું છે. દસમાં ધોરણ સુધી ધરાની કોઈ ખાસ બહેનપણી ન હતી. અહીં અગિયારમાં ધોરણમાં એની બે ફ્રેન્ડ બની. બન્ને સથે ધરાને ખૂબ ભળતું હતું, એક હતી નિપા અને બીજી હતી અલકા. બન્ને ધરાના ઘરે આવતી હતી, સાથે સ્કૂલ નું હોમવર્ક કરતા હતા, સાથે નાસ્તો કરતા અને ક્યારેક ક્યા
રેક એ લોકો ધરાના ઘરે જમતા પણ હતા. પણ ધરા એમના ઘરે ક્યારેય નોહતી ગઈ. તેણે જોયું જ ન હતું તેમનું ઘર. કારણ ધીરુભાઈની ના હતી. ધરાને કોઈના પણ ઘરે જવાની. ધરા ફ્રેન્ડ રાખી શકતી પણ તેની દરેક ફ્રેન્ડ ઘરે આવી શકે. ધરા એમના ઘરે ન જઈ શકે એ ધીરજલાલનો નિયમ હતો.
આ નિયમની ધરાની ફ્રેન્ડને ખબર હતી. એમને કાઈ વાંધો ન હતો. કારણ કે જો પોતાના ઘરે લઈ જાય ધરાને તો એને નાસ્તો ય કરાવવો પડે, ક્યારેક જમાડવી ય પડે. જ્યારે ધરાના ઘરે એમને અલગ અલગ નાસ્તો મળતો હતો. ધીરુભાઈ ધરાની ફ્રેન્ડ આવે ત્યારે અલગ અલગ નાસ્તો લઇ આવતા હતા. એમાં એ જરાય કચાશ ન રાખતા. વળી ધરા ભલે એક પણ કલાસીસમાં નોહતી જતી પણ એની પાસે ધોરણ બારની બોર્ડની પરીક્ષા માટેની જરૂરી દરેક બુક્સ હતી. અપેક્ષિત, નવનીત, મોર્ડન મેગેઝીન, વગેરે વગેરે ઘણું બધું. તેથી એ બન્નેને તો મોજ જ હતી ધરાના ઘરે.
પણ આ ફ્રેન્ડશિપ જાજું ન ટકી. અલકાને એની જ જ્ઞાતિના એક યુવાન સાથે પ્રેમ થયો. બન્નેએ લવમેરેજ કરવાનું નક્કી કર્યું. અને ધરાની ભૂલ એ થઈ કે આ વાત એનાથી ઘરમાં કહેવાય ગઈ. ધરાના પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી અલકા સાથે બોલવાની. અને અલકા સાથે હવે ધરા ફકત સ્કૂલમાં જ બોલવા લાગી. નિપા સાથે પણ ધરા કોઇના કોઈ બહાને ઓછું બોલવા લાગી. અલકાએ તો બારમાનીની પરીક્ષા પહેલા જ કોર્ટ મેરેજ કરી લીધા.
(ક્રમશઃ)