નસીબ ના ખેલ - ૩
નસીબ ના ખેલ - ૩


મોટાભાઈ એ ઘરમાંથી ચાલ્યા જવાનું કહી દેતા ધીરુભાઈ બિચાર બેઘર થઈ ગયા. પણ હિમ્મત ન હાર્યા... ભાઈ પાસે અઠવાડિયામાં ઘર ખાલી કરવાનો સમય માંગ્યો અને મકાન શોધવા લાગ્યા. અને ફકત 5 જ દિવસમાં મકાન મળી પણ ગયું. 150 રૂપિયા ભાડામાં એક લાંબો રૂમ મળ્યો.. રસોડું પણ એમાં જ આવી જાય. સંડાસ બાથરૂમ બહાર ઓસરી પડે એમાં હતા. બે જણા માટે ઘણું કહેવાય આ તો.
તરત મોટાભાઈના ઘરેથી નીકળવાનું નક્કી કરી પોતાનો સામાન ભરવા લાગ્યા, નાનકડી ધરા પણ પોતાના રમકડાં લેવા લાગી. એક રેડિયો હતો નાનકડો જે ધરાને ખૂબ ગમતો હતો. એમા એ ગીત પણ સાંભળતી હતી. એ રેડિયો એક કાચના દરવાજા વાળા શૉકેસમાં હતો. ધરા એ લેવા ગઈ. એનાથી પહોંચતું ન હતું એટલે એ શૉકેસના પહેલા ખાના પર પગ મૂકી ને ઊંચી થઈને લેવા ગઈ. અને શૉકેસ ધરા બાજુ નમ્યો અને ધરા પડી. આખો શૉકેસ એના ઉપર પડ્યો. કાચ ના દરવાજા અને શૉકેસ માં રાખેલી બીજી ઘણી વસ્તુઓ પણ ધરા માથે. ધરાનો એક પગ જ બહાર દેખાતો હતો.જોરદાર અવાજ થતા બધા એ રૂમ માં આવ્યા જ્યાં આ શૉકેસ પડ્યો.
ધીરુભાઈ અને હંસાગૌરી એક ધબકારો ચુકી ગયા. બધાં ધરાને કેમ બહાર કાઢવી એ અવઢવમાં હતાં, ધીરુભાઈને જલારામબાપામાં અતૂટ શ્રદ્ધા... એ જલાબાપાનું નામ રટવા લાગ્યા હતાં. અને અચાનક એમને શુ સુજ્યું. એમણે જય જલારામબાપા બોલી ને ધરા નો પગ દેખાતો હતો તે પગ પકડીને ધરાને ખેંચી બહાર.
નાનપણ માં પાનની પિચકારીને પણ લોહી સમજીને ડરતી ધરા ખુદ આજે લોહીલુહાણ હતી. પળ નો ય વિલંબ કર્યા વગર ધરાને દવાખાને લઇ જવા રીતસર ધીરુભાઈ દોડ્યા.
ધીરુભાઈની શ્રદ્ધા ફળી.... કાચને કારણે શરીર પર ઘસરકા, એકાદ બે જગ્યા એ કાચની કણી શરીરમાં ઘુસી ગઈ, અને આ નાની નાની ઈજાઓ સિવાય કોઈ મોટી ગંભીર ઇજા ધરાને નોહતી થઈ, ડોક્ટરની આ વાત સાંભળીને ધીરુભાઈના જીવમાં જીવ આવ્યો,પણ બીજી બાજુ ઘરે હંસાગૌરી હજી ઉચાટ જીવે હતાં, સાત વર્ષ બાદ મા બન્યા હતા અને આજે પોતાની પુત્રીને આ હાલતમાં જોતા જ એ હતપ્રભ થઈ ગયા હતાં, ઘરના મંદિરમાં દીવો કરી એ પણ જલાબાપાને પ્રાર્થના કરવા લાગ્યા હતા, ઘા પર પટાપિંડી કરી, ઇન્જેક્શન આપીને ધરાને રજા આપી. ડૉક્ટરએ અને દવા અને જમવામાં રાખવાની પરેજીની સૂચના લઈને ધીરુભાઈ ધરાને લઈને ઘરે આવ્યા. ધરાને હેમખેમ જોઈને હંસાગૌરી પણ બાપા ને પગે લાગી ધરાને તેડી ને વ્હાલ કરવા લાગ્યા.