નસીબ ના ખેલ - ૨૨
નસીબ ના ખેલ - ૨૨


બંનેની શ્રદ્ધા ફળી અને બંનેની બીક દૂર થઈ. ત્રણેક માસના સમય બાદ ધરાના હાથ એકદમ સારા થઈ ગયા. સાવ ઝાંખા એકાદ બે જગ્યા એ કાળા ડાઘ રહ્યા અને એ પણ રહેતા રહેતા સાવ નીકળી જશે એમ ડોક્ટર એ કહ્યું. જો કે એ ડાઘ પણ તરત દેખાય એવા હતા જ નહિ. ધરા એ અને એના મમ્મી-પપ્પા એ રાહતનો શ્વાસ લીધો.
હાથમાં સારું થઈ જતા ધરા એના ડિપ્લોમાના અભ્યાસમાં મન પરોવવા લાગી. ધીમે ધીમે બધું સરખું થઈ રહ્યું હતું.
હજી તો ધરાએ તેના ડિપ્લોમાનો અભ્યાસ શરૂ જ કર્યો હતો. માંડ એક મહિનો થયો ત્યાં દિવાળીનું વેકેશન આવી ગયું. પણ આગળ જે છૂટી ગયું એ બધું ધરાએ આ વેકેશનમાં શીખી લેવાનો નિર્ણય કર્યો. એક મહિનાના ટૂંકા ગાળામાં એણે એક ફ્રેન્ડ બનાવી લીધી. એનું નામ રેખા હતું. આમ તો વડોદરાની પાસેના ગામડામાંથી આવતી હતી એ. પણ ઘણી વાર વડોદરામાં એના મામાના ઘરે પણ રહેતી હતી. અને આમ પણ એના મમ્મી પણ દિવાળીમાં એના મામાના ઘરે આવવાના જ હતા એટલે રેખા પણ મામાના ઘરે જ રોકાઈ ગઈ અને ધરાને બાકી રહેલું શીખવા પણ મળી ગયું.