નસીબ ના ખેલ...20
નસીબ ના ખેલ...20


ધરાની સારવાર તરત જ શરૂ થઈ. એક ઇન્જેક્શન અને દુખાવાની દવા આપીને કહ્યું કે 'સાંજે ફરી લઈ આવજો. ધરા હાલી-ચાલી શકે છે એટલે એને અહીં દાખલ કરવાની જરૂર નથી પણ હમણાં એક અઠવાડિયું રોજ સવાર સાંજ લઈ આવજો. ધરાને બધું મટતા તો ઘણો સમય લાગશે. તમે ધીરજ રાખજો. એના હાથ પહેલા જેવા સાવ નોર્મલ થઈ જશે. તમે કોઈને નહિ કહો તો ખબર પણ નહિ પડે કે એક સમયે એ આટલું દાઝી ગઈ હતી.
ધીરજલાલ પાસે બીજો કોઈ વિકલ્પ અત્યારે તો ન હતો. એટલે એમણે અત્યારે આ સારવાર ચાલુ રાખવાનું જ સારું સમજ્યું અને ધરાને લઈને ઘરે આવ્યા. ઇન્જેક્શનને લીધે ધીમે ધીમે હાથના સોજા ઓછા થયા. દુખાવાની દવાને કારણે ધરાને થોડી રાહત પણ થઈ. પણ આ ક્ષણિક રાહત હતી એ ધરા નોહતી જાણતી. સાંજે ફરી દવાખાને લઈ ગયા ધરાને. ત્યાં ડૉક્ટરએ કીધું કે જે મજબૂત મન ન હોય એ ધરા સાથે રહે..બીજા બહાર બેસો. ત્યારે તો ધીરાજલાલે ધરા પાસે રહેવાનું નક્કી કર્યું.
ધરાના હાથનો સોજો થોડો ઓછો થયો હતો એટલે ડોક્ટરે ધરાના બધા જ ફોડલા ફોડવાનું શરૂ કર્યું. ફોડલા ફૂટતા જ ધરાને બળતરા વધવા લાગી. તેનાથી ચીસ પડાઈ ગઈ અને એની ચીસથી ધીરજલાલ હચમચી ગયા. અને બહાર નીકળી ગયા. એ ન જોઈ શક્યા ધરાની આ હાલત.
ધીરજલાલ બહાર નીકળી ગયા એટલે હંસાબેન ધરા પાસે પહોંચી ગયા. એમણે ધરાને સંભાળી. ધરાના બધા ફોડલા ફોડીને મૃત ચામડી કાઢી નાખવામાં આવી. અને પછી ડ્રેસિંગ કરવામાં આવ્યું. ડ્રેસિંગ વખતે લગાડતો મલમ ઠંડક આપતો હતો. તેથી ધરાને હવે સારું લાગ્યું. જો કે ડ્રેસિંગમાં ફકત મલમ જ લગાડતો હતો. બાકી હાથ ખુલ્લો જ રાખવાનો હતો. પાટો બાંધવાનો ન હતો. દાઝેલો ભાગ ખુલ્લો જ રાખવો એમ ડોક્ટરની સલાહ હતી.
રોજ એ મુજબ હાથ આખો દિવસ ખુલ્લો રાખવામાં આવતો. ધરા કાઈ જ કરી નોહતી શક્તિ. હાથ વાળી પણ નોહતી શકતી. એને રોજ એના મમ્મી કે પપ્પા જ જમાડતા હતા. રોજ ડ્રેસિંગ માટે ધરાને લઈ જવામાં આવતી. રોજ દાઝેલા ઘા પર મલમને કારણે બાજી ગયેલા પોપડા (મૃત ચામડી) ઘસીને સાફ કરવામાં આવતી. એ સમયે ધરા હંમેશા ચીસ પાડી ઉઠતી. એ સહન થતું ન હતું ધરાથી. અને ધીરજલાલથી પણ ક્યાં સહન થતી ધરા ની આ હાલત ?
(ક્રમશ:)