નસીબ ના ખેલ ૧૮
નસીબ ના ખેલ ૧૮


જો કે આમાં હંસાબેનનો કોઈ વાંક ન હતો. હકીકતમાં ગાંઠિયાના લોટમાં જે કાળા મરી વાટીને નાખ્યા હતા એમાં એ મરીનો એકાદ દાણો આખો રહી ગયો હતો જે પેલા સંચાના ગાંઠિયા પડવાના કાણા આડો આવી ગયો હતો પરિણામે ઉપરથી ગાંઠિયા પાડવા માટે આપતા દબાણને કારણે અંદરની ગાંઠિયા પડવાની પ્લેટ આડી થઈ ગઈ અને સીધો લોટ તેલમાં પડ્યો અને એના છાંટા ધરાને ઉડ્યા કારણ સંચો ધરાના હાથમાં હતો અને ગાંઠિયા પાડવા માટે ધરાનો હાથ તેલની કડાઈ ઉપર જ હતો.
ધરા દાઝી ત્યારે સાંજ પડી ગઈ હતી. ધીરજલાલ કાયમ સાંજે સાત સાડા સાત આસપાસ ઘરે આવી જ જતા. થોડીવારમાં ધીરજલાલ ઘરે આવી ગયા. ધરા દાઝી છે એ જોતા જ તરત ધરા માટે બરનોલ લઇ આવ્યા. ધરાને જ્યાં જ્યાં બળવાની ફરિયાદ હતી ત્યાં ત્યાં બરનોલ લગાવી. લગભગ આખી ટ્યુબ ખાલી થવા જેવી થઈ ગઈ. રાત પડી ગઈ હતી. હાથ બેય લાલ દેખાતા હતા પણ ખરેખર ધરા ક્યાં અને કેટલું દાઝી છે એ ધરાના મમ્મી પપ્પા ને અંદાજ ન હતો. ધરા ને ઠંડક માટે આઈસ્ક્રીમ ખવડાવ્યો. બરફ પણ લાઇ આવ્યા અને એના પાણી માં રૂમાલ ભીનો કરીને ધરા ના હાથ પર રાખતા હતા.
જ્યાં સુધી ધરા ન સૂતી ત્યાં સુધી બધા જાગતાં જ રહ્યા. ધરા સૂતી પછી જ એના મમ્મી પપ્પા સુતા. એમને એમ કે હવે ચિંતા જેવું નથી. ધરા આરામ થી સૂતી છે એટલે એને સારું જ હશે. પણ સવારે શુ જોવા મળશે એ એમને પણ ક્યાં ખબર હતી !
(ક્રમશઃ)