નકલ બગાડે શકલ
નકલ બગાડે શકલ
એક સિંહ હતો. સિંહ તો જંગલનો રાજા. જંગલનાં પ્રાણીઓ તેને માન આપે, તેને સલામ ભરે. સિંહ તેથી ખુશ રહે.
એક વખત આ સિંહ ફરતો ફરતો એક ગામ પાસે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે એક મદારી ખેલ કરે છે. તે ડુગડુગી વગાડે છે અને એક વાંદરો તેની સામે નાચે છે. લોકો ખુશ થઈને તાળીઓ પાડે છે અને પૈસા ફેંકે છે. કોઈ કોઈ તો વળી વાંદરાને ખાવાનું પણ આપે છે. નાનાં-નાનાં બાળકો તો વાંદરાને ‘વાંદરાભાઈ, વાંદરાભાઈ !’ કહીને બોલાવે છે અને તેની સાથે રમત કરે છે. વાંદરો અને બાળકો બંને ખુશ ! મદારી વાંદરાને લઈને જાય છે તો બાળકો તેની પાછળ-પાછળ જાય છે અને ગમ્મત કરે છે. બધાંને ખૂબ મજા પડે છે. વાંદરાને ખાવાનું મળે તો તે ખુશ થઈને નાચે છે અને આનંદથી ખાય છે.
સિંહે આવું બધું જોયું. તેનું મન વિચારવા લાગ્યું, ‘‘હું જંગલનો રાજા. મારાથી ડરીને પ્રાણીઓ મને સલામ ભરે છે. પરંતુ આ વાંદરા જેવું નાનકડું પ્રાણી મનુષ્યોમાં કેટલું માન મેળવે છે ! મારે તો ખાવા માટે શિકાર કરવો પડે, જ્યારે વાંદરાને તો નાનાં- નાનાં બાળકો પણ સામેથી ખાવાનું આપતાં હતાં. મારા નજીક પણ કોઈ આવતું નથી. મને જોઈને સંતાઈ જાય છે.’’ આમ સિંહે ખૂબ વિચાર કર્યો. તેને વાંદરાની ખૂબ ઈર્ષા થઈ. તેણે વાંદરાની જેમ ખેલ કરવાનું નક્કી કર્યું. પરંતુ કોઈ મદારી પણ તેને લેવા ન આવે. કારણ કે બધા સિંહથી ડરે.
સિંહે તો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો, ‘‘મદારી ન આવે તો કંઈ નહીં. હું એકલો જઈને નાચવા લાગીશ. કોઈને કંઈ કરીશ નહીં. એટલે લોકો ખુશ થશે અને મારાથી ડરશે નહીં.’’ આમ, વિચારી સિંહ એક ગામમાં ગયો. ગામના ચોકમાં જ્યાં લોકો ભેગાં થયેલાં હતાં ત્યાં વચ્ચે જઈને સિંહ નાચવા લાગ્યો. લોકોને નવાઈ લાગી. પરંતુ ત્યાં એક વડીલ માણસે કહ્યું કે, ‘‘આ સિંહ ગાંડો થયો લાગે છે કે તેને હડકવા ઉપડયો લાગે છે ! જલ્દી મારીને કાઢી મૂકો ! નહિતર ગામમાં કેર વર્તાવી દેશે!’’ આટલું સાંભળતાં તો લોકો લાકડી લઈને સિંહ ઉપર તૂટી પડયા. સિંહ લોહીલુહાણ થઈ ગયો. થોડીવારમાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. પરંતુ મરતાં પહેલા સિંહ એટલું બોલતો ગયો કે, ‘‘કદી કોઈની ઈર્ષા કે નકલ કરવી નહીં. જેને જેવું મળે તેનાથી સંતોષ માનવો જોઈએ. દરેકમાં પોતાની અલગ વિશેષતા હોય છે. બીજાની વિશેષતામાં ભાગ પડાવવા જઈએ તો શકલ બગડી જાય.’’ તેથી જ કહેવાયું છે, ‘‘નકલ બગાડે શકલ.’
