નિશાળમાં ભૂત
નિશાળમાં ભૂત


સત્ય ઘટના
અમારી સ્કૂલનો એ પહેલા ધોરણનો વિદ્યાર્થી... વિશાલ એનું નામ... બહુ બોલકો... શાળાની બાજુમાં જ એનું ઘર. એક દિવસ અમે બે શિક્ષકો રજાના દિવસે કામ અર્થે સ્કૂલમાં ગયા. બાળકો તો હોય નહીં ! ફરતો - ફરતો વિશાલ આવી ચડયો. એની ટેવ મુજબ સત્સંગ કરવા લાગ્યો... "સાહેબ, આપણી સ્કૂલમાં ભૂત થાય છે એ તમને ખબર છે ? તમને બીક નથી લાગતી ?"
મેં કહ્યું : "ભૂત હોય જ નહીં. તું અમને બીવડાવીશ નહીં."
વિશાલ કહે : "ગામ આખું કહે છે કે સ્કૂલમાં ભૂત થાય છે. પણ તમે માનતા નથી." મને પણ એની વાતમાં રસ પડ્યો.
"જો વિશાલ, અત્યાર સુધી અમને બીક નહોતી લાગતી. હવે તેં વાત કરી એટલે જરૂર બીક લાગશે. તારે હવે એક કામ કરવું પડશે. રજા હોય અને અમારે આવવાનું થાય તો તારે આવવું પડશે. તું હોય તો અમને બીક નહીં લાગે."
વિશાલ કહે " મારી મમ્મી મને આવવા નહીં દે." મેં કહ્યું "તારે કહેવાનું કે અકબરભાઈ સાહેબ અને મહેશભાઈ સાહેબને હું નહીં જાવ તો બીક લાગશે એટલે મારે જવું પડશે. તો એ તને આવવા દેશે." થોડા સમય પછી ફરી એક વાર એવો સંજોગ ઊભો થયો કે અમારે રજાના દિવસે સ્કૂલમાં આવવાનું થયું. થોડીક વારમાં વિશાલ પણ આવ્યો. અડધા કલાક પછી એના મમ્મી આવ્યા. કહે : "વિશાલ સ્કૂલમાં આવવાનું કહીને નીકળ્યો છે એટલે ચેક કરવા આવી છું. સાહેબ, તમેય શું છોકરાઓને ધંધે લગાડી દ્યો છો ? કહે છે કે સાહેબોને બીક ના લાગે એટલે મારે જવું પડશે."
મેં કહ્યું : "બેન, આ જ તો અમારે બાળકોને શીખવવાનું છે કે તમે હિંમતવાન છો અને વધુ હિંમતવાન બનો. તમારા છોકરાને કેટલો વિશ્વાસ છે કે મારા લીધે સાહેબોને બીક નહીં લાગે !! "
રાજી થઈને એ તો ગયા. પણ પછી મને એવું લાગ્યું કે અમે ભલે કદાચ શિક્ષક તરીકે વિશાલને રમાડતાં હોય એવા વહેમમાં રાચતાં હોય, હકિકતમાં વિશાલ જ અમારી ફિરકી ઉતારતો હોય ! એવું પણ બની શકે ને !