Vijay Shah

Others

3  

Vijay Shah

Others

નીલવર્ણ કાળમીંઢ પથ્થર

નીલવર્ણ કાળમીંઢ પથ્થર

10 mins
7.1K


પ્રિય સુનીતા,

પુરુષને જે લભ્ય થતું નથી તેની ખેવના તે હરદમ કર્યા કરતો છે. તેને માટે પુરુષાર્થ કરતો રહેતો હોય છે, કોઇ પણ સિધ્ધિ અચાનક તો લભ્ય ન જ થાય. તે માટે એક યા બીજી પ્રકારની તપશ્ચર્યા આવશ્યક છે જ. ’જ’ શબ્દ પર મુકેલો ભાર તું કદાચ નહીં સમજે. ચાલ, આજે તારી નજર સમક્ષથી સમગ્ર પડદો હટાવી દઉં, તારી સાથે મૈત્રી કેળવી ગાઢ કરવાનો એક જ આશય એ હતો કે મારા ઘવાયેલા વિચારોને થોડું સાંત્વન મળે. ન જાણે શાય કારણથી તારી સાથે વાત કરવાનું મને ગમતું અને વળી તું મારી ‘હમખયાલ’ નીકળી તેથી હ્ર્દયના ખૂણે ધરબાઇ ગયેલી અવનિની સ્મૃતિઓ ફરી જાગ્રત થવા માંડી. કદાચ તું અવનિની પ્રતિકૃતી જેવી છે તેથી…

શું લખું? શું ના લખું?  અવનિ માટે મારા હ્રદયમાં ખૂબ જ લાગણી હતી. આ 'ખૂબ જ’ શબ્દ પણ મને નાનો લાગે છે. એ લાગણીઓને જોખવામાં, પરંતુ સમય અને પ્રસંગોએ બતાવી દીધું છે કે આ લાગણીઓ ખોટી જગ્યા પર છે. જે વ્યક્તિને તું મનમાં ‘દેવી’ માને છે. તેને મનમાં તો તું કથીર છે. પુજારી નહી..અને તેથી જ હું લાગણીઓના આર્વિભાવમાં જબરદસ્ત ધોકો ખાઇ બેઠો.. ઊંચા ઊંચા ગિરિશૃંગો પરથી હું અચાનક જ ગબડી પડ્યો, અને તેય જોજનો ઊંડી ખાઈમાંકે જ્યાંથી સહીસલામત નીકળવું એ અંત્યંત કઠિન જ નહી પરંતુ લગભગ અશક્ય જેવું કાર્ય હતું. પરંતુ હવે શું કરવું ? હ્રદય તો આખરે હ્રદય જ છે…આંખમાંથી આંસુ નીકળે તો પુરષ-પુરુષ કહેવાય શાનો?અને જો હ્રદય ધબકે નહીં તો હ્રદય શાનું? ખૂબ જ દુ:ખ થયું પરંતુ આંસુને બહાર આવવા ન દીધાં. જડ્વત બનીને જિંદગીને જીવવાની જીજીવિષા થઇ આવી.પરંતુ એ રીતે જીવવા નો શો ફાયદો?

પણ આપણા અસ્તિત્વ પર આપણા એકલાનો જ અધિકાર નથી… તેનાપર ઘણી ઘણી વ્યક્તિઓનો અધિકાર છે અને એથી જ તો શબવત જિંદગી પણ જીવવી પડી અને હજીય જીવું છું… બહુ લાંબે ગાળે કદાચ એ જીવન તપશ્ર્ચર્યાના રૂપમાં અંકુરિત થાય એવી આશા રખે મને દેખાડતી… હું જાણું છું અને માનું છું હવે અવનિ મને મળે તો ય હું તેને મળવાનો નથી… મારી જે ઊર્મિઓ અને સ્પંદનો તેના માટે હતાં તેનો એક અંશ માત્ર અત્યારે રહ્યો નથી.

****

તા. ૨૬/૧૦

પ્રિય નિમિત્ત,

તારો પત્ર મળ્યો, વાંચી આનંદ થયો….કારણ ખબર છે? તેં મને તારી ‘હમખ્યાલ’ મિત્ર તો સમજી છે! તો પછી મને કહેવા જ દે કે આ મૈત્રીની ઈમારત નિખાલસતાના પાયા પર ઊભી છે. તેથી નિમિત્ત, તારા ગમનું મને નિમિત્ત બનાવીને એ ધરબાયેલા જ્વાળામુખીને વહી જવા દે. વળી હું જો અવનિની ખરેખર પ્રતિકૃતિ હોઉં તો તો મને જ અવનિ સમજીને કહી દે… તારા હ્રદય ના એકએક તારને ઝણઝણાવવા જ કદાચ હું તારી મિત્ર બની છું. મૈત્રી બાંધી છે તો મને મારા મિત્રની ફરજ નિભાવવા દેજે પ્લીઝ…તારા મનના અંગારને મારી શ્રધ્ધાના શીતલ વારિમાં વહેવડાવી દે પ્લીઝ…

તારી સુનીતા.

******

તા. ૪/૧૧

પ્રિય સુનીતા,

તારા ‘પ્લીઝ’ શબ્દનો ભાર સહી નથી શકતો… તને કહેવું છે અને નથી પણ કહેવું… હ્રદયના સુખની તો ખબર નથી પણ દુ:ખની વાત તો હું જાણું છું, પેલા મહીષાસુર રાક્ષસના લોહી જેવું તે દુ:ખ… એક ટીપું જમીન પર પડે અને પાછા બીજા દસ મહીષાસુર પેદા થઇ જાય. તેમ સહેજ જો દુ:ખ બીજાને કહેવાઇ જાય તો વધુ ને વધુ દુ:ખ મનને થયાં કરે છે અને તેથી ગભરાઉં છું… મારા ગમની તને ભાગીદાર બનાવી શીદ તારા હ્રદયને પણ દુ:ખી કરું…હેં? સુનીતા…! બસ એટલું જ તને કહી દઉં કે તોફાની દરિયામાં નાવનું સુકાન જે નાખુદાને સોંપ્યું તે નાખુદો જ મઝધારમાં નાવ ડુબાડે તો કોને દોષ દેવો? નાખુદા ને? તોફાનને ? કે પછી એ નાવના બદકિસ્મતને? ખરેખર માણસની જિંદગીમાં કશુંક તો અલભ્ય રહેવું જ જોઇએ. સર્વ વસ્તુની પ્રાપ્તિ માનવને પુરુષાર્થવિહીન બનાવી દે છે.અને તેથી જ અવનિ મારે માટે અલભ્ય રહી.

મારા હિતેચ્છુઓ ચાહતા હતા કે હું અવનિને ભુલી જાઉં, અને ઘણી વખત મને પણ લાગતું કે મારે તેને ભુલી જવી જોઇએ.પરંતુ મારા હ્રદયની ઊર્મિઓ મેં એટ્લી બધી વહાવી દીધી હતી કે હવે તેને પાછી વાળવી અશક્ય જ હતી. વળી મિર્ઝાગાલિબ જેવાએ પણ કહ્યું છે ને કે,

“ઈશ્ક પર જોર નહી હૈ યે વો આતિશ ગાલિબ, જો જલાયે ન જલે,ઔર બુઝાએ ન બુઝે….”ની જેમ જે ચિનગારીઓ અવનિએ મારા મન અંતરમાં મૂકી હતી તે કદી ન બુઝાય તેવી જ્વાળાઓ બની મારા મનોસામ્રાજ્યને સળગાવતી હતી. અને હું શૂન્યમનસ્ક તે તાપમાં સળગતો હતો.

આખરે આ બધી જલનને ચોપડીઓની સૃષ્ટિઓમાં વિસરાવી દીધી. ચોપડીની લગન મને અવનિ સુધી તો ન પહોંચાડી શકી, પરંતુ પરીક્ષામાં મને જરુર કામયાબ બનાવી દીધો. દુર્લભ ગણાય તેવું પરિણામ સાંપડ્યું. પરંતુ મને તેની કંઈ જ પડી ન હતી. દુનિયાની નજરમાં નસીબદાર કહેવાઉં તેટલું સુંદર પરિણામ…પરંતુ છતાંય કશીક જીવનમાં ખોટ વર્તાયા કરતી હતી. ઉણપ લાગ્યા કરતી હતી…કદાચ….! અવનિની…! તેના સિવાય સર્વ વસ્તુઓ ભેંકાર અને નિરર્થક ભાસ્યા કરતી હતી.પરંતુ તેનું શું? કશું જ નહી… કશું જ નહી…

સમુદ્રમંથન કર્યા પછી અચાનક જ અમૃત ને બદલે હળાહળ ઝેર મળી જાય તો શું કરવું?બસ એમ જ મારા હ્રદયમાં રહેલા અવનિ પ્રત્યેના પ્રેમનાં સમુદ્રમંથનના ફળ સ્વરુપે ઉપેક્ષાનું ઝેર મને મળ્યું. જે થાય છે તે સારા માટે! એમ વિચારીને ગટગટાવી ગયો.એ નીલું હળાહળ ઝેર. નસીબદાર હતો કે કોઇ પાર્વતીની મને આણ ન હતી, નહીતર કમનસીબ શંકરની જેમ હું પણ નીલકંઠ બની ગયો હોત… પરંતુ અત્યારે તો તે ઉપેક્ષાનું ઝેર મારી રગેરગમાં પ્રસરી ચૂક્યું છે. હું નીલવર્ણ છું. શંકર કરતાં પણ વધુ નીલવર્ણ – મારા હ્રદયની જગ્યાએ છે એક નીલવર્ણ કાળમીંઢ પથ્થર… તેથી જ સુનીતા હવે પ્રેમ જેવી વસ્તુથી ઘૃણા આવે છે..ઉબકા આવે છે.

બસ! હવે વધુ નથી લખતો, કારણ કે હું ખૂબ જ ઉત્તેજીત થઇ ગયો છું…! હા,એક વાત કહી દઉં, મારા મનનો ધબકતો જ્વાળામુખી ફાટે અને લાવા વહી નીકળે તેની રાહ ન જોઈશ અને આ તબક્કે મિત્રથી પણ આગળ વધવાની તને ના પાડી દઉં તો ખોટું ન લગાડતી… હું પથ્થર છું, મારે માણસ નથી થવું… હું જે છું તે જ ઠીક છું… કદાચ કરુણાથી પ્રેરાઇને તુ હમદર્દી દાખવતી હોય તો માંડી વાળજે – કારણ કે તેની નિમિત્ત પર કોઇ જ અસર થવાની નથી. અરે ! અવનિ આવીને માથા પછાડે તોપણ જે પથ્થર હ્રદયની ગોખમાં ભરાઇ ગયો છે તે પીગળવાનો નથી જ – કલાપી યાદ આવે છે:

'રે…રે… શ્રધ્ધા ગત થઇ પછી કોઇ કાળે નહી આવે, લાગ્યા ઘા ને વિસરી શકવા કોઇ સામર્થ્થ ના છે.’

-એ જ કદાપી કોઇનો ના થયેલ નિમિત્ત.

******

તા. ૧૪/૧૧

પ્રિય મીતુ,

પથ્થર બનવાના તારા પ્રયત્નો દાદ માગી લે તેવા છે, છતાં પણ તું પથ્થર નથી થઇ શક્યો! તારા પથ્થર જેવા હ્રદયમાં હજુ લાગણીનું એકાદ બિંદુ છે…. અને તે ‘ખોટું નહી લગાડતી ‘ વાક્યમાં દેખાઇ જાય છે. પછી ભલે તું નીલકંઠથી આગળ વધીને નીલવર્ણ અને પથ્થર થઈ ગયો હોય ! રહી હવે હમદર્દીની વાત ! તો મને હવે બધું કહી દેવાનું મન થાય છે, અવનિ તને જેમ ગુમાવીને જે પશ્ર્ચાત્તાપ તથા અફસોસના અગ્નિમાં શેકાઈ હશે તેમાં હું પણ શેકાઉં છું… અને તેથી જ તારા હ્રદયના લાવારસને વહેવડાવવાની કોશિશ કરું છું.

કોલેજ જીવન દરમ્યાન દરેકની જિંદગીમાં ઘણા નાના – મોટા,ખારા તથા મીઠા પ્રસંગો બનતા જ હોય છે અને તેનું જ ભાતું દરેક વ્યક્તિએ સાચવવાનું હોય છે.તુષાર જેવી શાંત અને સૌમ્ય વ્યક્તિનું અચાનક પાગલ થઈ  જવું દરેક માટે ખૂબ જ નવાઇભર્યું હતું. ખબર છે? પરંતુ તેના મગજની આ પરિસ્થિતિ કરવાનું પાપ મારાથી થઈ  ગયું હતું – તે કદાચ ઘણી ઓછી વ્યક્તિને ખબર છે… તું જેમ અવનિને ચાહતો હતો તેમ જ તુષાર મને ચાહતો હતો. હું પણ તેને મારા એકાંતોમાં વિચારતી… પરંતુ કોઈ  પણ કારણે તેને હું બહુ લાગણી દેખાડતી નહી.. અચાનક શું થઇ ગયું કે એક દિવસ તે મને પુછી બેઠો,"સુનીતા, તું મને બહુ ગમે છે,” હું વિચારમાં પડી ગઈ અચાનક આ શું થયું ? મારા ઊંડાણોમાં તે મને ગમતો તો હતો જ છતાંય હું બરાડી ઊઠી- ‘શટ અપ તુષાર!' એ બાઘો બનીને મારી સામે જોઇ રહ્યો… એની આંખોનો તાપ હું સહન કરી શકી નહી… અને ભાગી નીકળી… કાશ…! હું ત્યાંથી હું દોડી ન હોત તો તુષારની આ હાલત ન થઈ હોત… તે ખૂબ જ સંવેદનશીલ હતો એના મનમાં થઈ ગયું કે એણે મારું મન દુભાવ્યું છે… વારંવાર મારી માફી માગી… પરંતુ હું ક્યાં મુડમાં હતી? હું કશું જ બોલી નહીં… અને એ ધીમે ધીમે… જતો રહ્યો. થોડે દૂર જઇને એ બબડવા લાગ્યો.- મને માફ કર… મારો તને દુભવવાનો કોઈ ઇરાદો ન હતો… કોઈ ઈરાદો ન હતો… હા… ! પણ તને કહી દઉં છું કે તું મને બહુ ગમે છે… બહુ ગમે છે… અને પછી ખડખડાટ હસવા માંડયો… ખૂબ જ ખડખડાટ….બસ ત્યારથી જ એણે મગજની સમતુલા ગુમાવી… ફક્ત મારી નાની જીદ કેટલું ખરાબ પરિણામ લાવી શકે છે તે વિચારીને હું ગભરાઈ  ગઈ. મને તુષારની જિંદગી સાથે ખેલવાનો કોઈ જ અધિકાર નહોતો… ત્યારથી તે આજ દિવસ સુધી હું એ જ અજંપાની આગમાં સળગ્યા કરતી હતી… અચાનક તું મળી ગયો અને મને લાગ્યું કે મારા પાપનું પ્રાયશ્ર્ચિત ફક્ત આ એકજ રીતે શક્ય છે અને તેથી મારી તારા પ્રત્યેની હમદર્દીને લાગણી કરુણતાથી પ્રેરાયેલી નહી, પરંતુ મારી નજીવી પણ ઘાતક ભુલના પરિણામના પ્રાયશ્ર્ચિત સ્વરૂપ છે.

નિમિત્ત,આપણે માણસ છીએ… દેવતા નથી. ભૂલ થઈ જાય… પરંતુ તેની આટલી કડક સજા ન હોય… નિમિત્ત હું તને જડવત જીવન જીવવા નહીં દઉં… પાગલખાનામાં જીવતો તુષાર અને શબવત જીવન જીવતો તું… બંને સરખા છો. હું જરુર તને માનવ બનાવીશ. જરુર…

એજ તારી સુની

******

તા. ૧૬/૧૧

સુનીતા,

તારો કાગળ મળ્યો… છેલ્લા વાક્યના અનુ:સંધાનમાં લખું છું કે મારું કોઈ જ નથી… અને હું કોઈનો નથી… વળી ઘણા વખત પહેલાં હું લખી ચુક્યો છું, તે પ્રમાણે અવનિના ગયા પછી મારા હ્રદયમાં એવો જલદ શૂન્યાવકાશ વ્યાપી ગયો છે કે તેમાં કોઈ શ્વાસ લઇ શકે તેમ નથી.

નિમિત્ત.

******

તા.૧૮/૧૧

કદાચ આ મારો છેલ્લો જ પત્ર છે. નિમિત્ત, તેથી કશું સંબોધન પણ નથી કરતી. તારો ટૂંકો અને ઘાતક પત્ર મળ્યો પરંતુ નિમિત્ત, મને કહેવા દે કે લાગણી અને બુધ્ધિના સીમાડાઓ જુદા છે. લાગણીઓથી તો તું પર થઈ ગયો છે તેથી બુધ્ધિવાદી વાત કરું છું સ્વસ્થ ચિત્તે અને શાંત મને કદીક તેને વિચારજે.

પગમાં કોઈક દિવસ કાંટો વાગ્યો હોય તો તે પગને ડંખ્યા કરે બરોબર. પગમાંથી જ્યાં સુધી કાંટો નીકળે નહી ત્યાંસુધી ચલાય નહીં, અને ચાલીયે તો લોહી નીકળે… સોજો ચઢે અને છતાં પણ પગ પર જુલમ કર્યા કરીએ તો કદાચ સેપ્ટિક પણ થઇ જાય…સમજ્યો?તારી અવનિ યાદ કરવાની વાત પણ કાંટાને સાચવી રાખીને ચાલવા જેવી નથી લાગતી? જો ખરેખર થોડોક વ્યવહારુ બને તો તારે તારા પગનો કાંટો કાઢી નાખવો જોઈએ. અને જો તું ન કાઢે તો તારું વલણ નરી ઘેલછા છે… ભલે તું મારી વાત ન સમજવા પ્રયત્ન કરે પરંતુ મારી બુધ્ધિ અને દીર્ઘદ્રષ્ટિતા મને કહે છે કે તું એક દિવસ જરુર પસ્તાઈશ… મારી વાત સમજીશ… કાશ..! એ દિવસનો હું  ઈંતજાર કરી શકું? તું ભલે કોઈનો ન થાય પરંતુ કોઈને તારી અંગત વ્યક્તિ બની તને સમજવાની તક આપી હોત તો ઘણું થાત. અવનિની ભૂલ હું સુધારી શકી હોત તો મને જરુર બેવડો આનંદ થાત.

તારો પ્રેમ પણ મળત અને મારા મનમાં સળગતા અજંપાનું શમન પણ થઇ જાત…પણ કદાચ મારે વધારે સહેવાનું છે. મારી ભૂલ હજી મને પશ્ર્ચાતાપની આગમાં શેકવા માગે છે અને, તેથી જ તું તારા હ્રદયના ભારેલા અંગારને ફુંકી મારી ધગધગતો રાખવાના તારા ઘેલછાપૂર્ણ પ્રયત્નો પર મક્કમ છે. ખેર…. આઇ હોપ, ગૉડ સેવ યુ.

એ જ સુનીતા

******

તા. ૨૫/૫

પ્રિય સુની,

અચાનક સંબોધનમાંનો ફેરફાર તારા મગજે નોંધ્યો હશે. પરંતુ મારા મનમાં ભયંકર ઘમાસાણ ચાલે છે, તારા સંબોધન વિનાનો કાગળ મળ્યો. કદાચ છ એક મહિના થઈ ગયા પછી તને પ્રત્યુતર આપવાનું સહેતુક ટાળ્યુ હતું. પરંતુ આજે તને લખ્યા વગર નથી રહી શકતો કારણ કે મારા મનનું ઘમાસાણ તું જ છે અને તું એકલી સમજી શકે તેમ છે.

ગઈ કાલે અચાનક જ મેંટલ હોસ્પિટલમાં જવું પડયું. મારા દૂરના એક પિતરાઇને દાખલ કરાવવા, તે વખતે તુષાર મળી ગયો.મને જોઇને હસ્યો,પછી કહે મને તું બહુ ગમે છે…. બહુ ગમે છે… અને પછી ખડખડાટ હસ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો… પછી જોર જોરથી ચિલ્લાવા માંડયો… માથાના વાળ ખેંચવા માંડયો… મારો તને દુભવવાનો ઈરાદો નહોતો….પણ તું મને બહુ ગમે છે….બહુ ગમે છે…. જેવું બબડવા માંડયો. નર્સ તેને લઈ ગઈ…સુની તું નહી માને પણ તુષારને જોઈને હું ડરી ગયો હતો. મને પણ હું તુષારની જેમ જેલમાં ત્યાંના સળિયા પાછળ બૂમો પાડતો દેખાયો.

આ કાગળ તને જ્યારે હું લખું છું. ત્યારે થોડી ઉદ્દીગ્નતા શાંત થઇ હોય તેવું લાગે છે. સુની, ગઈ કાલે રાત્રે પણ મારી નજરમાં તુષાર દેખાયા કરતો હતો… જ્યારે સુઈ ગયો ત્યારે પણ મને મેંટલ હોસ્પિટલના સળિયા દેખાયા કરતાં હતાં. તેની પાછળ અવનિ…. અવનિની બૂમો પાડતો અને માથાના વાળ ખેંચતો હું દેખાયો હતો…. બીજા સપનામાં અવનિના મૃતદેહ પર માથા પછાડતો દેખાતો’તો. ઘડીકમાં તેની લગ્નવેદીમાં અવનિની અચાનક સાડી આવી જતાં ભડકો થયો અને એમાં મારી અવનિને બળી જતાં મેં જોઈ. ઘડીકમાં તેના પતિ પર ગોળી છોડતો હોઉં તેવું દેખાતું… સુની ગઇકાલે આખી રાત હું સુઈ નથી શક્યો… આવા આવા કેટલાંય સપના આવતા હશે સુની… મને અવનિની ભૂલનો અંજામ તુષારમાં દેખાઇ ગયો. સુની મારે પાગલ નથી થવું… વર્ષોથી નીલવર્ણ રહેલ આ કાળમીંઢ પથ્થરમાં અજંપાનો દવ લાગ્યો છે અને એ અજંપા ના દવને અવનિની યાદોનો પવન વધુ વેગ આપે છે સુની… નિમિત્ત ભાંગી પડયો છે… તેનાથી આ દવ નથી સહેવાતો… સુની તારો પ્રેમ… એક માત્ર તે દવને સમાવવા સમર્થ છે…. માટે સુની ચાલી આવ… જ્વાળામુખી ફાટી ચૂક્યો છે અને નીલવર્ણ પથ્થર પીગળીને ફાટી ચૂકયો છે…

એ જ તારો નિમિત્ત.

 


Rate this content
Log in