મોટા થઈને શું બનવું છે ?
મોટા થઈને શું બનવું છે ?
નાનપણમાં જયારે આપણને એ પ્રશ્ન પૂછવામાં આવતો કે શેનો શોખ છે તો આપણે સરળતાથી કહી શકતા કે ડાન્સ, સિંગિંગ અથવા તો સ્પોર્ટ્સ. જે કરવામાં આનંદ આવે એ શોખ. પણ સવાલો ત્યાં અટકે થોડા ? એટલે બીજો પ્રશ્ન એવો આવે કે, મોટા થઈને શું બનવું છે ? 90% બાળકો તો શું યુવાનો ને પણ એ ખ્યાલ નથી હોતો કે એમને ભવિષ્યમાં શું બનવું છે. જે 10 % ને એ ખબર હોય છે શું કરવું છે, એમાંથી માત્ર ૧% લોકો જ ખરેખર એ કરી શકે છે જે એમને કરવું હોય છે. એનું કારણ એ છે કે શું બનવું છે એનો સીધો સંબંધ તમે કેટલું કમાશો અને સમાજ ના બંધારણ માં કેવું સ્થાન મેળવશો એના ઉપર છે. મોટા ભાગે આસ-પાસ ની પરિસ્થિતિ, પરિવાર ની સાંપત્તિક સ્થિતિ, જરૂરિયાત અને આપણી બુદ્ધિ ને અનુરૂપ આપણું ભણતર અને એના આધાર ઉપર આપણાં પ્રોફેશનલ કેરીઅર નો નિર્ધાર હોય છે.
સમય જતા વહેલા મોડા કદાચ આપણે એ શોધી કાઢીયે કે શું બનવું છે કે કરવું છે તો પણ એ બનવા માટે નો સમય, સંજોગ અને ઉંમર કદાચ જતા રહ્યા હોય એવું પણ બને. મજબૂરી અને જવાબદારીઓ ને દોષ આપી ઘણીવાર આપણે અફસોસ વ્યક્ત કરતા હોઈએ છીએ કે જો મોકો મળ્યો હોત તો કે પૈસા હોત તો આજે જે કરું છું એ ન કરત, કંઈક પોતાની ઈચ્છાનુસાર કરત. પરંતુ જો શું કરવું છે એ જાણવું એટલું સહેલું જ હોત તો રાહુલ ગાંધીએ રાજકારણ અને તુષાર કપૂરે એકટિંગ લાઈન ક્યારેય પસંદ ન કરી હોત! આકાશ અંબાણી થી લઈને અર્જુન તેંડુલકર અને જ્હાન્વી કપૂર સુધી બધાજ જે જોયેલું, જાણેલું, ફેમીલીઅર ફિલ્ડ છે એજ કરે છે. ફર્ક માત્ર એટલોજ છે કે પૈસા કમાવવાનો ભાર આપણા પર શરૂઆત થી જ હોય છે અને એમને એ થોડા સમય પછી લાગું પડે છે. પરંતુ નામના કમાવવાં અને ટકી રહેવાની મહેનત તો સર્વેએ કરવીજ પડે છે. આ ભૌતિક વિશ્વ માં માણસ ત્રણ ઉદેશ્ય થી પોતાનું પ્રોફેશન કે કર્મ નક્કી કરે છે. Fame, Money and Passion. આપણા જેવા મધ્યમ વર્ગીય લોકો માટે પૈસા કમાવવું પ્રાથમિક હોવાથી નિર્ણયો પણ એજ દિશામાં લેવા પડે છે, જયારે શ્રીમંત માટે પ્રસિદ્ધિ અગ્રેસર હોય છે એટલે જે દિશા માં એ સંતોષાય એ તરફ વળાંક લે છે. બાકી રહ્યા એ લોકો જે કશુંક કરવા માટે પેશનેટ હોય છે. તીવ્ર ઈચ્છા કે ઝંખના કશું પામવાની, શોધવાની, બદલવાની, સાબિત કરવાની અને દુનિયા માં પોતાનું આગવું યોગદાન આપવાની.
પેશન ને ૨૦મી સદી થી વધુ મહત્વ મળવા લાગ્યું કારણ કે મેનેજમેન્ટ ગુરુઓ, વલ્ડ લીડર્સ અને સુદૃઢ કંપનીઓ એ પોતાની સફળતા નો શ્રેય 'પેશનેટ એફોર્ટ્સ' ને આપ્યો. 'ફોલો યોર પેશન' ને આજે જેટલું મહત્વ આપવામાં આવે છે એટલું ક્યારેય નહતું મળ્યું કારણ કે આજકાલ પેશન ને સક્સેસ સાથે જોડી દેવામાં આવ્યું છે. પરંતુ એ કેટલી હદે સાચું છે ? પેશનથી કામયાબી મળે જ એની ગેરંટી છે ? તમે પેશન શોધી જ ના શકો તો તમે અસફળ ? પેશન મળી પણ જાય અને એ દિશામાં ગયા પછી સમજાય કે એ કરવામાં એટલી મજા નથી તો શું બીજું બીજું કશું ના કરી શકાય જેમાં પેશન ન હોય પણ શાંતિ હોય? મારા મત મુજબ તો આ ફોલો યોર પેશન નો કન્સેપટ જ અસ્પષ્ટ છે. જરૂરિયાત, ઈચ્છા, સફળતા અને ખુશહાલી ને એક જ ત્રાજવે કેમ તોલવા ?
સદીઓ પહેલા પણ વૈજ્ઞાનિકો, સૂફી કવિઓ, લેખકો, તત્વજ્ઞાનીઓ અને નેતાઓ એ પોતાની ઉત્કટ ઈચ્છાઓ પર વર્ષોવર્ષ કામ કરી દુનિયા ને અમૂલ્ય ભેટો આપીજ હતી. પરંતુ એ જમાના માં કોઈ પણ કામ પ્રત્યે ના પેશન ને કમાણી સાથે કે આર્થિક દ્રષ્ટિએ માપવામાં નહોતા આવતા. એવા ઘણા ચિત્રકારો, ગાયકો, લેખકો, વૈજ્ઞાનિકો અને કલાકારો હતા જે ગરીબી માં જ જીવ્યા અને મરી ગયા. નામ અને પ્રસિદ્ધિ તો દૂર માફકસરનું કમાય પણ નહતા શક્યાં.એ લોકો એ હતા જેમને પોતાની કળા અને કામ થી જ સંપૂર્ણ સુખ ની પ્રાપ્તિ થતી હતી. આજે જયારે આપણે આપણા કોઈપણ કામ પ્રત્યે ના પેશન ની વાત કરીએ ત્યારે એનો પ્રત્યક્ષ સંબંધ ફેમ એન્ડ મની સાથે હોય છે. આપણે જેને આપણું પેશન સમજતા હોઈએ એ આપણી હોબી પણ હોય શકે કારણ કે આપણે આપણા પેશન માટે બધુજ ગુમાવવા અને સામે કશુંજ ન પામવા માટે કદાચ તૈયાર નથી હોતા. આપણે એ સમજવુંજ રહ્યું કે કોઈ પણ કર્મ કરવાથી બધીજ જાત ના ફળ મળવા શક્ય નથી. આજ ની દુનિયા માં બધુજ એકસાથે પામવાની લાલચ જ આપણી મૂંઝવણ, ચિંતા અને હતાશા નું કારણ છે. માનવજાતની ઉત્ક્રાંતિ જોઈએ તો સમજાય કે મનુષ્ય પહેલા માત્ર સર્વાઇવલ માટે જ જીવતો હતો. મનુષ્યની ઈચ્છાઓ અને ઉત્કંઠા ને પરિણામે આવિષ્કારો અને સુવિધાઓ વધતી ગઈ અને તને કારણે હવે માણસ સર્વાઈવલ કે અસ્તિત્વ માટે જ નથી જીવતો. આજ નો માનુષ આરોગવાં, માણવા, ભોગવવાં, ભેગું કરવા અને નામના મેળવવાં જીવે છે.
વળી, હવે તો હોબી કે શોખ ને પણ અર્નિંગ સાથે સાંકળી લીધું છે. ટર્ન યોર હોબી એન્ડ ઇન્ટરેસ્ટ ઇન ટુ ઇનકમ, આવી જાહેરાતો પણ આવે છે. એમાં કશું ખોટું નથી પણ હોબીનો મતલબ જ એ છે જેનાથી તમે સ્ટ્રેસ ફ્રી થઈ શકો અને તમારો ફુરસતનો સમય પ્રફુલ્લિત મને મનગમતા કાર્યમાં વિતાવી શકો. હવે એજ કાર્યથી જો કમાણી કરવાનું સ્ટ્રેસ હોય તો એ મનની શાંતિ કેમ આપી શકે ? પ્રથમ કમાવાની ઝંખના ને સંતોષવાના પ્રયાસ કરવા જોઈએ અને સાથોસાથ થોડા ફ્રી સમયમાં મનગમતા કર્યો અવશ્ય કરી જ શકાય છે. એના પરિણામ રૂપે કમાણી થાય તો આવકાર્ય, પણ ન થાય તો મન અને તન તો પોષાય જ રહ્યું છે ને, બીજું શું જોઈએ?.
ઇટ પ્રે એન્ડ લવ બુક ના ઓથરના મત અનુસાર લોકો બે પ્રકાર ના હોય છે. એક જેકહેમર જેવા જે પોતાનું પેશન ઓળખી પછી એમાં ધ્યાન એકત્રિત કરી પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે અને જે પરિણામ આવે તેનો સ્વીકાર કરે છે. બીજા લોકો હમિંગબર્ડ જેવા હોય છે જે જીવન માં જુદા જુદા અનુભવો કરે છે અને એમાંથી મળતી નાની નાની ખુશીઓ ને માણે છે. આ બંને રીતો પોતાની રીતે સાચી છે કોઈ પહેલી તો કોઈ બીજી રીતે પોતાનું જીવન ગાળી શકે છે. પણ સફળતા માટે માત્ર પેશન જ નહિ સમર્પણ, મહેનત અને ધૈર્ય પણ એટલાજ અગત્યના છે.
જીવનમાં આપણે કોઈ પણ કર્મ કરીએ એ પછી પેશનથી શોખથી કે જરૂરિયાતથી હોય, આપણો પ્રથમ અને અંતિમ ધ્યેય ખુશ રહેવાનો હોવો જોઈએ.
