મણિએ બતાવી મર્યાદા
મણિએ બતાવી મર્યાદા
લાલુ નામે એક છોકરો. ઘરની પરિસ્થિતિ કંગાળ. અન્ય છોકરાંઓને જોઈને લાલુને પણ કોઈ વસ્તુ લેવાનું મન થાય. પણ કરમ આડેનું પાંદડું ખસે જ નહિ. બિચારો લાલુ નિ:સાસો નાખીને રહી જાય. મનને મનાવતો દુ:ખના દા’ડા પસાર કરે.
નાગપંચમીના દિવસે માતા સાથે તે નાગદેવતાની પૂજા કરવા ગયો. વાર્તામાં તેણે નાગદેવતાના ચમત્કારો વિશે સાંભળ્યું હતું. માતા નાગદેવતાની પૂજા કરતી હતી ત્યારે લાલુ બે હાથ જોડીને વિચારતો હતો કે, ‘‘શું વાર્તામાં નાગદેવતાના ચમત્કારોની વાત આવે છે તે સાચી હશે ? શું નાગદેવતા મારા ઉપર કોઈ ચમત્કાર ન કરી શકે ? શું નાગદેવતા મારું દુ:ખ દૂર ન કરી શકે ? હું કયાં કોઈ ખજાનો માગું છું. અમારી આ કંગાળ પરિસ્થિતિ દૂર થઈ જાય તો પણ ઘણું.’’
લાલુના આ વિચારોથી નાગદેવતા પ્રભાવિત થયા. તેઓ લાલુ સમક્ષા પ્રગટ થયા. તેઓ લાલુને કહે, ‘‘હું તને આ મણિ આપું છું. તેના ઉપયોગથી તું ધારીશ તે કામ કરી શકીશ. પરંતુ મર્યાદામાં રહીને કામ કરજે. જ્યારે તું મર્યાદા ભૂલીશ ત્યારે આ મણિની શક્તિનો નાશ થશે.’’ અને લાલુના હાથમાં મણિ મૂકી નાગદેવતા અદૃશ્ય થઈ ગયા.
મણિ લઈને લાલુ ઘરે આવ્યો. મણિ મળવાની ખુશીમાં લાલુ નાગદેવતાની ચેતવણી ભૂલી ગયો. તે હવે મણિનો ઉપયોગ કરવા ઈચ્છતો હતો. તે મણિને હાથમાં લઈ અદૃશ્ય થયો. મીઠાઈની દુકાનમાં જઈને થોડી મીઠાઈ ખાધી, રમકડાંની હાટડીમાં જઈને થોડાં રમકડાં ચોર્યાં. રસ્તા ઉપર એક વૃદ્ઘ ચાલ્યા જતા હતા. તેની લાકડી ખેંચીને નીચે પછાડયા. એક છોકરાની ચડ્ડી ઉતારી નાખી. અદૃશ્ય રહીને તેણે આવાં ઘણાં કામ કર્યાં. હવે તે વિચારવા લાગ્યો, ‘‘મારી આ કંગાળ પરિસ્થિતિમાંથી અત્યારે જ મારે ધનવાન બનવું છે. આ માટે બેંકમાંથી રૂપિયા ચોરી લઉં.’’
આમ વિચારી તે અદૃશ્ય બનીને શહેરની એક બેંકમાં ગયો. તે રૂપિયાની પેટીઓ જે કક્ષામાં હતી ત્યાં પહોંચી ગયો. નાગદેવતાએ જોયું કે લાલુ મર્યાદા ઓળંગી ગયો છે. તેથી નાગદેવતાએ મણિની શક્તિ નાશ કરી દીધી. લાલુને તો પોતાની ધૂનમાં પોતે અદૃશ્ય રહ્યો નથી એ ભાન પણ ન રહ્યું. તે એક પેટીને ઉઠાવવા જાય છે ત્યાં જ ચોકીદારે તેને પકડી લીધો. લાલુ મણિને દબાવીને અદૃશ્ય થવાની કોશિશ કરે છે. પણ તે અદૃશ્ય ન થઈ શકયો. મણિની શક્તિ નાશ પામી હતી. ત્યારે લાલુને નાગદેવતાની ચેતવણી યાદ આવી. પરંતુ હવે શું? તે મર્યાદામાં રહ્યો નહિ, એટલે મણિ ગુમાવવાનો વખત આવ્યો.
આવી રીતે કોઈપણ મર્યાદાની બહાર જવા પ્રયત્ન કરે તો તેને લાભને બદલે નુકસાન જ થાય છે. એટલે દરેક કામ મર્યાદામાં રહીને જ કરવું જોઈએ.
