STORYMIRROR

હર્ષદ અશોડીયા

Children Stories Classics Inspirational

4  

હર્ષદ અશોડીયા

Children Stories Classics Inspirational

મન-મર્કટનો મોહપાશ

મન-મર્કટનો મોહપાશ

7 mins
0

મન-મર્કટનો મોહપાશ

જે વિચારને તમે જબરદસ્તીથી મનમાંથી હાંકી કાઢવા મથશોએ જ 'વાંદરોબનીને તમારા આખા હૃદયને વલોવી નાખશેમુક્તિ લડવામાં નથીમાત્ર 'સાક્ષીબનીને તેને ઓગળી જતાં જોવામાં છે. આ વાર્તા મન ને કાબુ માં રાખવાની દિશા બતાવશે.

માનવ મન પણ કેવું અકળ છે! ક્યારેક એ અફાટ આકાશ જેવું શાંત હોય છે, તો ક્યારેક પ્રલયકારી સમુદ્ર જેવું વલોવાતું હોય છે. મનની આ જ વ્યાકુળતા અને તેના દમનથી ઊભી થતી પીડાની આ એક મનનીય કથા છે.

ઘણા સમય પહેલાંની વાત છે. ગિરનારની હરિયાળી કંદરાઓમાં (ગુફા) પરમ પૂજ્ય સમર્થ સ્વામી સચ્ચિદાનંદ નામના એક આત્મજ્ઞાની સંત રહેતા હતા. તેમની આંખોમાં હિમાલયની શાંતિ અને ચહેરા પર બ્રહ્મતેજ છલકાતું હતું. તે જ નગરમાં દેવદત્ત નામનો એક મહત્વાકાંક્ષી યુવક રહેતો હતો. દેવદત્ત બુદ્ધિમાન તો હતો, પણ તેનું મન સંસારની સિદ્ધિઓ, ચમત્કારો અને કીર્તિ મેળવવા માટે સદાય ટળવળતું રહેતું હતું. તેને સાધના કરીને ઈશ્વર નથી મેળવવો, પણ એવી શક્તિઓ મેળવવી હતી જેનાથી આખો સંસાર તેના ચરણોમાં નમી પડે.

એક દિવસ સવારના પહોરમાં દેવદત્ત સ્વામીજીના આશ્રમે પહોંચ્યો અને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો, "મહારાજ! મને કોઈ એવો સિદ્ધ મંત્ર આપો જેનાથી હું ચમત્કારો કરી શકું, પ્રકૃતિને મારી દાસી બનાવી શકું."

સ્વામીજી તેની લોલુપતા જોઈને મનોમન હસ્યા. તેમણે શાંતિથી કહ્યું, "વત્સ! આ માર્ગ પ્રભુપદ પામવાનો છે, ચમત્કારોના પ્રદર્શનનો નહીં. મારી પાસે એવો કોઈ મંત્ર નથી. બેટા મારી પાસે ન આવતો."

જેટલી વાર સ્વામીજી ના પાડતા ગયા તેટલી વાર દેવદત્ત હઠ કરતો ગયો. સ્વામીજી ની વારમ વાર ના પાડવાથી દેવદત્ત ને વિશ્વાસ બેસતો ગયો કે નક્કી તેમની પાસે ચમત્કારી વિદ્યા છે અને તેઓ જાણીજોઈને છુપાવી રહ્યા છે. તે આશ્રમની બહાર ધૂણી ધખાવીને બેસી ગયો. દિવસો વીતતા ગયા, પણ દેવદત્ત ત્યાંથી હલ્યો નહીં. તેનું મન માત્ર ને માત્ર સિદ્ધિના વિચારોમાં જ અટવાયેલું હતું.

મનની આ અતિશય આસક્તિ જોઈને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ શ્લોક સાર્થક ઠરે છે:

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते
सङ्गात् संजायते कामः कामात्क्रोधोऽभिजायते।। શ્રીમદ ભગવદ ગીતા 2.62।।

 

સાંસારિક વિષયો કે ભોગોનું વારંવાર ચિંતન કરવાથી મનુષ્યને તે વિષયો પ્રત્યે આસક્તિ (લગાવ) થઈ જાય છે. એ આસક્તિમાંથી તે વસ્તુ મેળવવાની તીવ્ર ઇચ્છા (કામના) જન્મે છે, અને જ્યારે એ કામના પૂરી થવામાં કોઈ અવરોધ આવે છે ત્યારે તેમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે.

આખરે, દેવદત્તની આવી હઠ જોઈને સ્વામીજીએ તેને મનની ગૂઢ પ્રકૃતિનો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. એક અંધારી અમાસની રાત્રે સ્વામીજીએ તેને અંદર બોલાવ્યો. આશ્રમમાં માત્ર એક દીવો ટમટમતો હતો. સ્વામીજીએ ભોજપત્ર પર પાંચ લીટીનો એક ગુપ્ત મંત્ર લખ્યો અને દેવદત્તના હાથમાં આપતા કહ્યું:

"લે દેવદત્ત, તારી હઠ પૂરી થઈ. આ 'સિદ્ધિદાયક મંત્ર' છે. આજે અમાસની રાત્રે જ આ મંત્ર સિદ્ધ થઈ શકે તેમ છે. ઘરે જઈને એકાંતમાં બેસી માત્ર પાંચ વાર આ મંત્રનું પૂર્ણ એકાગ્રતાથી પઠન કરજે, તને અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થશે."

દેવદત્ત રાજી-રાજી થઈ ગયો. તેના હરખનો પાર ન રહ્યો. તે તો સ્વામીજીના આશીર્વાદ લેવાનું કે આભાર માનવાનું પણ ભૂલી ગયો ન તો પગે લાગ્યો તે તો મંત્ર લઈને દોડ્યો. તે આશ્રમના મંદિરની પથ્થરની સીડીઓ ઉતરી રહ્યો હતો, ત્યાં જ પાછળથી સ્વામીજીનો ગંભીર અવાજ સંભળાયો: "થોભ, દેવદત્ત! આ મંત્રની એક અનિવાર્ય અને કઠોર શરત છે, તે સાંભળતો જા. જ્યારે તું આ મંત્રનું પઠન કરે, ત્યારે તારા મનમાં 'લાલ મોંવાળા વાંદરા' (મર્કટ)નો વિચાર ન આવવો જોઈએ. જો મંત્ર ભણતી વખતે વાંદરાની સ્મૃતિ પણ મનમાં જાગશે, તો મંત્ર નિષ્ફળ જશે અને તારી સાધના ભસ્મીભૂત થઈ જશે."

દેવદત્તે પાછા ફરીને હસતાં હસતાં કહ્યું, "અરે સ્વામીજી! આ તે કોઈ શરત છે? મારી આખી જિંદગીમાં મને ક્યારેય વાંદરાના વિચાર નથી આવ્યા, તો આજે સાધનાના સમયે શા માટે આવે? આપ ચિંતા ન કરો, મારું મન એકાગ્ર જ રહેશે."

આમ કહીને તે અંધારામાં પોતાના ઘર તરફ દોડ્યો. માણસ જે વસ્તુથી ભાગવા માંગે છે, મન તેને જ તેની સામે લાવીને ઊભી રાખે છે.

હજુ તો દેવદત્ત આશ્રમની સીડીઓ પૂરી ઉતરીને રસ્તા પર આવ્યો ત્યાં જ તેના મનમાં પડઘો પડ્યો —"સ્વામીજીએ વાંદરાની ના પાડી છે, એટલે મારે વાંદરા વિશે બિલકુલ વિચારવાનું નથી."

બસ, આ વિચાર આવતાંની સાથે જ તેના મન પટલ પર એક મોટો, લાલ મોંવાળો વાંદરો આવીને બેસી ગયો! દેવદત્ત ચમકી ગયો. તેણે માથું ઝટક્યું, "અરે! આ શું? હું વાંદરાને કેમ યાદ કરું છું? મારે તો મંત્ર સિદ્ધ કરવો છે."

તે જેમ-જેમ ઘર તરફ ડગલાં ભરતો ગયો, તેમ-તેમ એ વાંદરાની છબી મનમાં વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગી. ક્યારેક એ વાંદરો હસતો દેખાય, તો ક્યારેક ઝાડ પર કૂદતો દેખાય. ઘર પહોંચતા સુધીમાં તો દેવદત્તનું મન વાંદરાઓનું આખું ટોળું બની ગયું હતું!

તેણે ઘરમાં જઈને ઉતાવળે સ્નાન કર્યું, ધૂપ-દીપ કર્યા અને આસન પર પદ્માસન વાળીને બેસી ગયો. મંત્ર સિદ્ધ કરવાનો આ જ સમય હતો. તેણે આંખો બંધ કરી. મંત્રનો પહેલો શબ્દ હોઠ પર આવે તે પહેલાં જ તેની બંધ આંખો સામે એક ભયાનક મોટો વાંદરો આવીને દાંત કચકચાવવા લાગ્યો.

દેવદત્ત પરસેવે રેબઝેબ થઈ ગયો. તે મનોમન તાડૂક્યો, "દૂર હટ, મૂર્ખ વાંદરા! મારા મનમાંથી નીકળી જા! મને મંત્ર ભણવા દે!" પરંતુ હિતોપદેશમાં મનની સ્થિતિ વિશે બહુ સાચું કહેવાયું છે:

दुर्जनंप्रथमंवन्देखलमपिचतत्त्वतः

चित्तविक्षेपजनकंभवेद्यत्स्वभावतः હિતોપદેશ 

દુર્જન કે ખરાબ વિચારોને દૂર કરવા માટે તેની સામે લડવા કરતાં પૂર્વે તેના સ્વભાવને જાણી લેવો જોઈએ; કારણ કે તેની સામે જેટલો વિરોધ કરશો, તે એટલો જ સ્વભાવગત રીતે ચિત્તમાં વધુ વિક્ષેપ (ખલેલ) પેદા કરશે.

દેવદત્ત જેટલો વાંદરાને ધિક્કારતો હતો, વાંદરો તેટલો જ તેના હૃદયમાં ઊંડો ઉતરતો જતો હતો. રાત વીતતી ગઈ. દેવદત્ત મંત્ર વાંચવાનો પ્રયત્ન કરે અને સામે વાંદરો આવીને કૂદાકૂદ કરે. આખી રાત આ દ્વંદ્વ ચાલ્યો. જગતનો કોઈ જીવ તેને યાદ ન આવ્યો, માત્ર લાલ મોંવાળો વાંદરો જ આખી રાત તેની છાતી પર સવાર રહ્યો. સવાર પડતાં સુધીમાં તો દેવદત્ત માનસિક રીતે ભાંગી પડ્યો.

સવારના સોનેરી કિરણો ફૂટ્યા ત્યારે થાકેલો, હારેલો અને આંખોમાં ઉજાગરાના ખાડા લઈને દેવદત્ત દોડતો આશ્રમે પહોંચ્યો. તેણે તે ભોજપત્ર સ્વામીજીના ચરણોમાં ધરી દીધું અને રડતાં રડતાં બોલ્યો: "મહારાજ! તમારી આ શરતે તો મારો જીવ લઈ લીધો. મને આખી જિંદગીમાં ક્યારેય વાંદરાના સપના પણ નહોતા આવ્યા, પણ ગઈકાલે આખી રાત આ વાંદરાએ મને જંપવા દીધો નથી. હું જેટલો તેને કાઢવા જઉં છું, તે એટલો જ વધુ જોરથી વળગે છે. મારું મન મારું જ દુશ્મન બની ગયું છે. કૃપા કરીને મને આમાંથી મુક્ત કરો!"

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે મનને નિયંત્રિત કરવા અને તેને શાંત રાખવા માટે અદ્ભુત શ્લોકો કહ્યા છે. મનની ચંચળતા અને તેના ઉપાયો દર્શાવતા મુખ્ય શ્લોકો નીચે મુજબ છે:

૧. મનની ચંચળતા (અર્જુનનો પ્રશ્ન)

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद् दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥ અધ્યાય ૬શ્લોક ૩૪:


હે કૃષ્ણ! આ મન ખૂબ ચંચળ, વલોવી નાખનારું, બળવાન અને જિદ્દી છે. તેને વશ કરવું એ પવનને રોકવા જેટલું જ મુશ્કેલ છે.

૨. મન નિયંત્રણનો ઉપાય (શ્રીકૃષ્ણનો જવાબ)

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्। 

अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते॥ અધ્યાય શ્લોક ૩૫


હે મહાબાહુ અર્જુન! મન ચંચળ અને મુશ્કેલીથી વશ થાય તેવું છે એ વાત સાચી છે. પરંતુ તેને 'અભ્યાસ' (વારંવાર પ્રયત્ન) અને 'વૈરાગ્ય' (નિરપેક્ષતા) દ્વારા વશ કરી શકાય છે.

૩. મન જ મિત્ર અને મન જ શત્રુ

उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्।

आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मनः॥  અધ્યાય ૬શ્લોક ૫:

મનુષ્યે પોતાના મન દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, પોતાનું પતન ન થવા દેવું જોઈએ. કારણ કે આ મન જ જીવનો મિત્ર છે અને મન જ તેનો શત્રુ છે.

૪. વિજેતા મન

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः। 

अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्॥  અધ્યાય શ્લોક 

 

જેણે પોતાના મન પર વિજય મેળવ્યો છે, તેના માટે મન સર્વશ્રેષ્ઠ મિત્ર છે. પરંતુ જે મનને જીતી શક્યો નથી, તેના માટે મન જ શત્રુ સમાન કામ કરે છે.

૫. મન ભટકે ત્યારે શું કરવું?

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम्।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्।।  અધ્યાય શ્લોક ૨૬

આ ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં ભટકે, ત્યાં ત્યાંથી તેને પાછું વાળીને વારંવાર આત્મામાં (ભગવાનમાં) સ્થિર કરવું જોઈએ.

સ્વામીજી સચ્ચિદાનંદે તેના માથા પર હાથ મૂક્યો. તેમની વાણીમાં પરમ કરુણા હતી. તેમણે કહ્યું, "વત્સ દેવદત્ત! આ જ તો મનનો નિયમ છે. તું જે વિચારને જબરદસ્તીથી બહાર કાઢવા માંગીશ, તું તેને જેટલો દૂર ફેંકીશ, તે એટલી જ મજબૂતીથી તારા મનમાં પાછો વળગશે. કારણ કે 'દૂર કાઢવાના' પ્રયાસમાં પણ તું તેનું જ ચિંતન કરે છે!"

भोगा  भुक्ता वयमेव भुक्ताःतपो  तप्तं वयमेव तप्ताः
कालो  यातो वयमेव याताःतृष्णा  जीर्णा वयमेव जीर्णाः ભર્તુહરિ વાવીરાગ્યા શતક

ઇચ્છાઓ કે વિચારો ક્યારેય ઘરડા થતા નથી કે નાશ પામતા નથીપરંતુ તેને રોકવા મથતો માણસ પોતે જ ઘસાઈને ઘરડો થઈ જાય છે. સમય વહી જાય છે પણ મનની ચિંતાઓ આપણો પીછો છોડતી નથીઅને મનને શાંત કરતાં કરતાં આપણે પોતે જ શાંત (નષ્ટ) થઈ જઈએ છીએ.

દેવદત્ત હાથ જોડીને બેસી ગયો, "તો મહારાજ, આ અનિચ્છનીય વિચારો, પીડા અને સ્મૃતિઓથી બચવાનો ઉપાય શું?"

નથી લડવું હવે તારી અદાવતથી ઓ મન મારા,

વિચારોના વમળમાં તો ડૂબ્યા છે કેટલા તારા;

નથી દેવો ઉતારો કે નથી દેવો તને ધક્કો,

બની સાક્ષી નિહાળું ખેલતૂટે મોહના ગારા.

સ્વામીજીએ અમૃતવાણીમાં સમજાવ્યું, "ઉપાય એક જ છે—સાક્ષીભાવ.  જ્યારે પણ મનમાં કોઈ ખરાબ, દુખદ કે અપમાનજનક વિચાર આવે, ત્યારે તેની સામે લડીશ નહીં. તેની સાથે રાગ કે દ્વેષ ન કર. તું માત્ર એક કિનારે બેસી જા, જેમ રસ્તા પરથી પસાર થતી ગાડીઓ અને માણસોને આપણે કોઈ પણ લગાવ વગર જોઈએ છીએ.

વિચારોને મનના પડદા પર એક ચલચિત્ર (સિનેમા)ની જેમ ચાલવા દે. તું માત્ર 'દ્રષ્ટા' બની જા. તું કંઈ જ ન કર, માત્ર તેને જો. જ્યારે તું તેને કાઢવાનો પ્રયત્ન બંધ કરી દઈશ, ત્યારે તેને મળતો તારો શક્તિનો પુરવઠો બંધ થઈ જશે. ખોરાક વિનાનો વિચાર આપોઆપ જ વિલીન થઈ જશે. વિલીન થઇ ગયા બાદ તેને પ્રભુ અને તેમના વિચારો તરફ વાળ. મનને રામ અને કૃષ્ણ તરફ વાળતા તે પવિત્ર થઇ જશે.”

દેવદત્તને જ્ઞાન લાધ્યું. તે સમજી ગયો કે અત્યાર સુધી તે બહારની શક્તિઓ પાછળ ભાગતો હતો, પણ અસલી વિજય તો મનની પ્રકૃતિને સમજીને તેનાથી અલિપ્ત થવામાં છે.  મનને લિપ્ત પ્રભુ માં કરવાનું છે. તેણે ચમત્કારનો મોહ છોડી દીધો અને સ્વામીજીના ચરણોમાં બેસી 'સાક્ષીભાવ'ની સાધના શરૂ કરી. થોડા જ દિવસોમાં તેનું મન ગંગાના જળ જેવું પવિત્ર અને પ્રશાંત બની ગયું.



Rate this content
Log in