STORYMIRROR

હર્ષદ અશોડીયા

Children Stories Classics Inspirational

4  

હર્ષદ અશોડીયા

Children Stories Classics Inspirational

દેવદત્તથી વીરભદ્ર

દેવદત્તથી વીરભદ્ર

4 mins
0

દેવદત્તથી વીરભદ્ર

માત્ર નામ બદલાવાથી નસીબ નથી બદલાતું, પણ જ્યારે અંદરનો 'કાનજી' જાગીને અત્યાચાર સામે 'કૃષ્ણ' બનીને ઊભો રહે છે... ત્યારે આખું જગત ઝૂકી જાય છે!

એક સમૃદ્ધ નગરમાં કરોડીદાસર નામનો એક અભિમાની  અને અતિશય કૃપણ શેઠ રહેતો હતો. તેના વ્યવસાયની ધૂરા સંભાળતો દેવદત્ત નામનો એક વર્ષો જૂનો, વફાદાર અને ભોળો સેવક હતો. શેઠ વફાદારીની આડમાં તેની પાસે પશુની જેમ વૈતરૂં કરાવતો. સૂર્યોદયથી ચંદ્રના અસ્ત સુધી દેવદત્ત શેઠના પડ્યા બોલ ઝીલતો, પણ બદલામાં તેને સૂકો-રોટલો કે બચેલું અન્ન જ નસીબ થતું. જ્યારે પણ તે પોતાની મહેનતાણી કે પગારની વાત કરતો, ત્યારે શેઠ લુચ્ચું હસીને ટાળી દેતો, "વધુ બોલીશ તો તારા ઘરે સીધો મોકલી આપીશ, તું રહે છે એ ઘર નું ભાડું જ સો રૂપિયા થાય છે અને હું જે તને બે વખતનું ખાવાનું આપું છે તે અલગ.!"

દેવદત્ત કાઈ બોલી સકતો ન હતો.

સમય જતાં શેઠનો લોભ અહંકરમાં બદલાયો અને તે વાત-વાતમાં દેવદત્તને અધમ ગાળો ભાંડવા લાગ્યો. દેવદત્ત કાળી મજૂરીથી ક્યારેય નહોતો થાક્યો, પણ આ રોજ-રોજનું માનસિક સંતાપ તેના આત્માને કોરી ખાતું હતું. નીચ પ્રકૃતિના માણસો ક્યારેય સજ્જનતાની ભાષા સમજી શકતા નથી.

यादृशेन हि जल्पेन जल्पति अज्ञः जनः सह । 

तादृशं तस्य देयं स्यात् उत्तरं वदतां वर ॥ પંચતંત્ર 

અજ્ઞાની કે નીચ માણસ જેવી ભાષા કે કુવચનો બોલતો હોયતેની સાથે તે જ ભાષામાં વ્યવહાર કરવો જોઈએ (નમ્રતા ત્યાં નકામી નીવડે છે.

'લાતો કે ભૂત બાતોં સે નહીં માનતે.' પણ દેવદત્ત હજુ સુધી નિર્બળ બનીને બધું સહન કરતો રહ્યો.

એક રાત્રે જ્યારે અપમાનની સીમા વટાવી ગઈ, ત્યારે દેવદત્ત મધરાતે શેઠની હવેલી છોડીને ભાગી છૂટ્યો. અંધારા રસ્તાઓ કાપતો તે એક પ્રાચીન ભૈરવ મંદિરના ઓટલે આવીને થાકનો માર્યો સૂઈ ગયો. સવારે મંદિરના તપસ્વી પૂજારીએ આ યુવાનના ચહેરા પર છવાયેલી હતાશા જોઈને પૂછ્યું, "બેટા, તારી આ દશા કોણે કરી?" દેવદત્તે રડતા હૃદયે શેઠના અત્યાચારની આખી કથા કહી દીધી.

પૂજારી સમજી ગયા કે આ યુવાન સક્ષમ છે, પણ કંકાશે હિંમત હારી બેઠો છે. તેમણે સ્નેહપૂર્વક કહ્યું, "તું બે અઠવાડિયાં અહીં રહીને ભગવાનની સેવા કર. પણ યાદ રાખજે, આજથી તારું નામ દેવદત્ત નથી, આજથી તું 'વીરભદ્ર' છે."

મંદિરમાં આવતા તમામ ભક્તો તેને દિવસમાં સેંકડો વાર 'વીરભદ્ર' કહીને સંબોધવા લાગ્યા. 'વીરભદ્ર' એટલે કે જે વીર છે અને કલ્યાણકારી છે. વારંવાર આ નામ સાંભળવાથી તેના અર્ધજાગ્રત મનમાંથી પેલો દબાયેલો, ગાળો ખાનારો નિર્બળ 'દેવદત્ત' નાશ પામ્યો અને એક તેજસ્વી આત્મવિશ્વાસનો જન્મ થયો.

उद्योगिनं पुरुषसिंहम् उपैति लक्ष्मीः । ચાણક્યનીતિ 

જે પુરુષ સિંહ સમાન પરાક્રમી અને ઉદ્યોગી હોય છેસિંહ જેવી આત્મજાગૃતિ ધરાવે છેસફળતા અને સન્માન તેના જ ચરણો ચૂમે છે.

નસીબને દોષ આપવાનું છોડીસિંહ જેવા પરાક્રમી અને પુરુષાર્થી બનો. તમારી મહેનત અને આત્મવિશ્વાસ એટલા મજબૂત કરો કે સફળતાએ તમારી પાસે આવવું જ પડે.

બે સપ્તાહ પછી પૂજારીએ કહ્યું, "વીરભદ્ર! હવે પાછો શેઠ પાસે જા, પણ તારું બદલાયેલું નામ અને નવું વ્યક્તિત્વ તારા કામ અને વાણીથી જ પ્રગટ થવા દેજે."

વીરભદ્ર જેવો જ શેઠની પેઢીએ પહોંચ્યો, શેઠ કરોડીદાસરે હંમેશ મુજબ રાડ પાડી, "અલ્યા મૂઆ દેવદત્ત! ક્યાં મરી ગયો હતો?" એમ કહીને વગર વિચારે ગાળોની ઝડી વરસાવવાનું શરૂ કર્યું.

પરંતુ આ વખતે દ્રશ્ય બદલાયેલું હતું. પહેલાં જે ગાળો સાંભળીને દેવદત્ત માથું ઝુકાવીને રડતો હતો, આજે એ જ ગાળો સાંભળીને વીરભદ્રના ચહેરા પર એક મક્કમ, નીડર અને રહસ્યમય સ્મિત હતું. શેઠને મોટું આશ્ચર્ય થયું કે આ માણસ ગાળો ખાઈને દુઃખી થવાને બદલે મનોમન હસી કેમ રહ્યો છે? શેઠને ચિંતા થવા લાગી કે આનો મગજ ફરી ગયો છે કે શું?

શેઠે બરાડીને પૂછ્યું, "અલ્યા, તને મારી ગાળોની કોઈ અસર નથી થતી? હસે છે કેમ?"

ત્યારે સિંહ જેવી ગર્જના સાથે વીરભદ્રે શેઠની આંખોમાં આંખો પરોવીને કહ્યું:

"શેઠજી! તમે જે ગાળો આપી રહ્યા છો, તે તો તમે 'દેવદત્ત'ને આપો છો. પણ હું તો હવે 'દેવદત્ત' રહ્યો જ નથી, હું તો હવે 'વીરભદ્ર' થઈ ચૂક્યો છું! અને સાંભળી લો શેઠજી, જો તમારો આ જ વલણ રહ્યું, તો હું પહેલાં જેવો મૂંગો દેવદત્ત નથી જે બધું સહન કરી લેશે. હું હવે વીરભદ્ર છું, આ અપમાન હું કદાપિ બર્દાશ્ત નહીં કરું. કાં તો તમારો વ્યવહાર સુધારો, નહિતર હું હમણાં જ આ નોકરી છોડીને ચાલ્યો જઈશ!"

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। 

क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप શ્રીમદ્ ભગવદ્ ગીતા ૨.૩

કૃષ્ણ અર્જુનને તેના યુદ્ધમાં થયેલા વૈરાગ્ય અને મોહને કારણે થયેલી નબળાઈને ધિક્કારીને કહે છે કે, "આ કાયરતા તારા જેવા મહાન વીરને શોભે નહીં. તારા હૃદયના આ નાના ડરને છોડીને યુદ્ધ માટે તૈયાર થા."

 'પાણી વલોવ્યે માખણ ન નીકળે, દહીં વલોવવું પડે.' નમ્રતા ત્યાં જ શોભે જ્યાં સામે પાત્રતા હોય, અત્યાચારી સામે તો આક્રોશ જ અમોઘ શસ્ત્ર બને છે.

વીરભદ્રનો આ રૌદ્ર અને સન્માનજનક અવતાર જોઈને શેઠ અંદરથી ધ્રૂજી ગયો. તેને સમજાયું કે આ જૂનો સેવક હવે બદલાઈ ગયો છે. શેઠ વિચારવા લાગ્યો કે આવો પ્રમાણિક, વફાદાર અને કુશળ સેવક મને બીજે ક્યાં મળવાનો? પોતાની ભૂલ સમજાતાં અને વફાદાર માણસ ગુમાવવાના ડરથી, શેઠે તુરંત જ માફી માંગી અને વીરભદ્રને માનભેર માસિક પગાર નક્કી કરી ચૂકવવાનું કબુલ કરી દીધું.

જ્યાં સુધી નમશો દુનિયા સામે, ત્યાં સુધી એ નમાવશે,

જે દી' કરશો સિંહગર્જના, આખો જમાનો થથરશે;

યાતના સામે નમવું એ તો કાયરતાની છે નિશાની,

ધર્મ કાજે પ્રતિકાર કરવો, એ જ દેવત્વ કહેવાશે.



અન્યાય અને યાતનાની સામે નમી જવું એ નબળાઈ છે, જ્યારે તેનો યોગ્ય પ્રતિકાર કરીને અધર્મને રોકવો એ જ સાચું દેવત્વ છે!



Rate this content
Log in