મચ્છર અને માણસની મજેદાર કથા
મચ્છર અને માણસની મજેદાર કથા
મચ્છર અને માણસની મજેદાર કથા
"એક તરસ્યા મચ્છરના અતિલોભની અને એક સાદા માનવીના ધૈર્યની આ એવી મહાકથા છે, જ્યાં માત્ર એક જ ડંખ આખા જીવનની દિશા બદલી નાખે છે!"
એક રમણીય અને પ્રકૃતિના ખોળે રમે તેવું નાનકડું ગામ હતું, નામ એનું ચંદનપુર. આ ગામમાં ભીખુ નામનો એક અત્યંત સરળ, સંતોષી અને સાત્ત્વિક માણસ રહેતો હતો. દિવસભર ખેતરમાં કાળી મજૂરી કરવી, સ્વેદબિંદુઓથી ધરતીને સીંચવી અને રાત્રે પ્રભુસ્મરણ કરીને પરમ શાંતિથી નિદ્રાધીન થવું—આ જ તેનો નિત્યક્રમ હતો. તેના જીવનમાં લોભ કે સંગ્રહવૃત્તિને કોઈ સ્થાન નહોતું.
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः,सम इव परितोषो निर्विशेषो विशेषः।
स तु भवतु दरिद्रो यस्य तृष्णा विशाला,मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः॥ (वैराग्यशतकम् - भर्र्तृहरि)
અર્થ: અમે અહીં ઝાડની છાલના વસ્ત્રોથી સંતુષ્ટ છીએ અને તમે રેશમી વસ્ત્રોથી. પરંતુ સંતોષનો આનંદ તો બંને માટે સમાન જ છે. વાસ્તવમાં દરિદ્ર તે જ છે જેની તૃષ્ણા (ઇચ્છા) ખુબ મોટી છે. જ્યારે મન સંતુષ્ટ હોય, ત્યારે કોણ ધનવાન અને કોણ ગરીબ?
પરંતુ, કહેવત છે ને કે “સુખના દિવસો ટૂંકા હોય છે અને ચડતી-પડતી વિધાતાના હાથમાં છે.” ઠંડી ની ઋતુ આવી. મચ્છર ના લગ્ન ની જાન લાવી. તે રાત્રે ભીખુની આ પરમ શાંતિની સરિતામાં એક વિઘ્ન આવ્યું. કાળરાત્રિના અંધકારમાં એક સૂક્ષ્મ, અતિશય ચપળ અને ધૂર્ત મચ્છર તેના ગૃહમાં પ્રવેશી ગયો. ભીખુ એ તેનું નામ મનમાં જ ‘ચુસણખોર’ રાખ્યું. ચુસણખોર કોઈ સામાન્ય જીવ નહોતો, એ તો જાણે માનવ ધૈર્યની પરીક્ષા લેવા વિધાતાએ મોકલેલો દૂત હતો!
સાંજ ઢળતાં જ ચંચલે પોતાનું તાંડવ શરૂ કર્યું. ભીખુના કાન પાસે આવીને એણે સંગીત શરૂ કર્યું— “ઝણણણ... ઝણણણ...” ભીખુ પલંગ પર આળોટતો રહ્યો. એણે હવામાં જોરથી હાથ વીંઝ્યો, સીધો ગાલ પોતાના ગાલ પર પટકાયો. પણ ચુસણખોર એટલો વેગીલો હતો કે પલકારામાં અદ્રશ્ય થઈ ગયો! ક્ષણવારમાં એ પાછો આવ્યો, ભીખુના લલાટ પર બેઠો અને તીક્ષ્ણ ડંખ મારીને લોહીની ચુસ્કી લઈ ઉડી ગયો. ભીખુ ક્રોધથી લાલચોળ થઈ ગયો.
अतिरुषा नाशो भवति धीमतामपि निश्चितम्।
कदाचिदपि कोपेन कार्यसिद्धिर्न जायते॥ (चाणक्य नीति)
અત્યંત ક્રોધ કરવાથી બુદ્ધિશાળી પુરુષોનો પણ નાશ નિશ્ચિત છે. ક્રોધ દ્વારા ક્યારેય કોઈ કાર્યની સિદ્ધિ (સફળતા) થતી નથી.
માધવે ઘરમાં ધૂપ કર્યો, બારી-બારણાં બંધ કર્યા, પંખો તેજ કર્યો. પણ ચુસણખોર તો જાણે ભીખુની વ્યાકુળતાની મજા લઈ રહ્યો હતો. ચુસણખોર માટે તો આ એક રમત હતી, પણ ભીખુ માટે આ આખી રાતનો સંગ્રામ હતો. અર્ધરાત્રિ થતાં જ ભીખુ શારીરિક અને માનસિક રીતે થાકીને ગાઢ નિદ્રામાં સરી પડ્યો. પેલા ચુસંખોર ને જેટલું ચૂસવું હોય તેટલું ચૂસે.
બસ, શત્રુને અસાવધ જોઈને ચુસણખોરની ક્ષુધા (ભૂખ) જાગી. અંધકારનો આશ્રય લઈને તે ભીખુના સુકોમળ અંગો પર તૂટી પડ્યો. ક્યારેક ગાલ પર, ક્યારેક ગળા પર તો ક્યારેક હથેળી પર—તેણે અનવરત ડંખ મારવાનું શરૂ રાખ્યું. વિપુલ પ્રમાણમાં મળી રહેલા રક્તને જોઈને ચુસણખોરનો લોભ જાગ્યો. એ ભૂલી ગયો કે પ્રકૃતિમાં દરેક વસ્તુની એક મર્યાદા હોય છે.
लोभात्क्रोधः प्रभवति लोभात्कामः प्रजायते।
लोभान्मोहश्च नाशश्च लोभः पापस्य कारणम्॥ (पञ्चतन्त्रम्)
લોભમાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લોભમાંથી જ વાસના જન્મે છે. લોભથી મોહ અને સર્વનાશ થાય છે; ખરેખર લોભ જ તમામ પાપોનું મૂળ કારણ છે.
નિસ્તેજ રાતે ક્ષુદ્ર જીવનો અહંકાર આ કેવો ગુંજે,
લોહી તણા આ સ્વાદમાં એ ભાન પોતાનું જ ભૂલે;
નથી ખબર એ મૂર્ખને કે કાળ એનો દ્વાર ખખડાવે,
અતિ અતિ વહેતો લોભ જ સદા વિનાશ નોતરી લાવે.
ચુસણખોર લોહી પીતો ગયો, પીતો ગયો... હવે તેનું નાનકડું ઉદર (પેટ) એક મોટા પરપોટા જેવું ભારે ન થઈ ગયું. અતિશય સંગ્રહવૃત્તિથી એ એટલો ભારે થઈ ગયો કે તેની પાંખો તેનું વજન ઉઠાવવા અસમર્થ બની ગઈ.
“અતિ લોભ તે પાપનું મૂળ” અને “ઝાઝી કીડીઓ સાપને તાણે તેમ અતિશય આહાર પોતે જ પોતાનો શત્રુ બને.”
બીજા દિવસે સૂર્યનારાયણના પ્રથમ કિરણે ભીખુની આંખો ખુલી. આખા શરીરે ખંજવાળ આવતી હતી. એણે સામે જોયું તો રાત્રે વાયુવેગે ઉડનારો ચુસણખોર આજે જમીનથી સહેજ જ અધ્ધર, લથડિયાં ખાતો, માંડ માંડ ઉડવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. તેના શરીરનું ભારેપણું જ તેની મજબૂરી બની ગયું હતું.
ભીખુની આંખોમાં વિજયની ચમક આવી. એણે પળનો પણ વિલંબ કર્યા વિના પોતાનો વિશાળ હાથ હવામાં ઉઠાવ્યો. ચુસણખોર પાસે ઉડવાની ચપળતા રહી નહોતી. ‘ચટાક...!’ એક જ પ્રહાર અને અતિ લોભી ચુસણખોરનો પ્રાણ પંખેરૂ ઉડી ગયો. તેનું અતિશય લોહી પીવાનું અભિમાન જ જમીનદોસ્ત થઈ ગયું. ભીખુ એ એક ઊંડો શ્વાસ લીધો.
