STORYMIRROR

Pravina Avinash

Others

3  

Pravina Avinash

Others

મમ્મી આમ કેમ ?

મમ્મી આમ કેમ ?

4 mins
13.9K


આજે ક્રિના જીવનમાં ખાલિપો અનુભવી રહી. આખી જિંદગી પ્રેમાળ નાનીમાનાં ખોળામાં પસાર થઈ ગઈ હતી. નાનીમાએ તેને ખૂબ લાડકોડથી ઉછેરી સંસ્કાર સંપન્ન બનાવી હતી. નાનો પણ સુખી પરિવાર. કલ્લોલ કરતો આંગણે રમતો આનંદ જોઈ હરખાતી. દીકરો પાંચ વર્ષનો બસ હવે ચાર મહિના પછી ફર્સ્ટ ગ્રેડમાં જવાનો.

કેતન તેને પ્યારથી નવાજતો ત્યારે ક્રિનાને લાગતું ધરતી પર સ્વર્ગ હોય તો તેના નાના સરખાં ત્રણ બેડરૂમના હાઉસમાં છે. નાના કેન્સરના દર્દી બન્યા પછી બહુ નહોતા જીવ્યા. નાનીમા તેની સાથે રહેતાં. તેમના અગણિત ઉપકાર અને વહાલની લહાણી ક્રિનાએ બચપનથી માણી હતી. આજે એ નાનીમા તેને મૂકીને વિદાય થયા. જિંદગી ચલચિત્રની માફક તેની આંખ સામેથી પસાર થઈ રહી.

મોટેભાગે દરેક વ્યક્તિના જીવનમાં માતા અને પિતા ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. ક્રિનાના જીવનમાં તે સુખ નહોતું લખાયું પણ નાની અને નાના તેના માતા, પિતા કરતાં અદકેરાં નિવડ્યા.

‘હવે તું ખૂબ મોટી થઈ ગઈ.’

ઘણાં પટેલ કુટુંબો ભલે અમેરિકા આવીને વસ્યા હોવા છતા જૂના રિતરિવાજોમાં હજુ શ્રદ્ધા રાખે. માયા સોળની થઈ હતી. મંદ બુદ્ધિ અને અંગ્રેજીમાં અમેરિકામાં ભણવાનું. માયાને જરાય માફક ન આવ્યું. ઘરમાં અને કુટુંબમાં કહેવાતું કે આ પટેલના કુટુંબમાં બધાને ત્યાં છેલ્લી છ પેઢીથી માત્ર દીકરા આવ્યા હતા. જેને કારણે માયાનું આગમન દાદા તેમજ દાદી અને નાના તેમજ નાનીને જરા ઓછું ગમ્યું હતું.

તેના દાદા અમેરિકામાં પણ ગર્વથી કહેતાં, ‘અમારા વડતાલવાળા પટેલના ઘરમાં છ પેઢીથી દીકરાઓએ આવીને કુટુંબની શાન અને આન ખૂબ વધારી છે !’

તેથી જ્યારે તેમના સહુથી નાના દીકરા રમણને ત્યાં બે દીકરા પછી ‘માયાનો’ જન્મ થયો ત્યારે તેમને લાગ્યું મારું મસ્તક ઝુકી ગયું. અરે, ખુદ રમણ અને તેની પત્ની રમાને લાગ્યું, ‘ગજબ થયો’. ખેર, માયા મોટી થતી ગઈ. અંગ્રેજી ફાવ્યું નહીં. ઘરના વડીલોએ દેશમાં જઈ (ભારત) જઈ મનહર સાથે તેના લગ્ન કરી નાખ્યા.

મનહરને વિઝિટર વિસા પર અમેરિકા લાવ્યા. બન્નેને ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ગ્રીનકાર્ડ ન મળે ત્યાં સુધી સાથે રહેવાનું નહી. મનહર માયાના પિતાજીની મૉટલમાં ગોઠવાઈ ગયો.

બે વર્ષમાં મનહર અને માયા એકબીજાની ખૂબ નજીક આવ્યા. તેવામાં મનહરને ભારત પાછાં જવું પડ્યું. ગ્રીનકાર્ડ તેને ભારત જઈને કલેક્ટ કરવાનું હતું. આ બાજુ માયાને સારા દિવસો રહ્યા. રમણ અને રમા ખૂબ ગુસ્સે થયા.

‘તને ના પાડી હતી ને?’

માયા મુંગી રહી. કોઈ જવાબ ન આપ્યો. તેને પાંખમાં ઘાલી. મનહરને તો બે વર્ષ નીકળી ગયા. અમેરિકાવાળાએ બહુ સમય લગાવ્યો.

સમય તો પાણીના રેલાની માફક સરતો જાય. ક્યાં કોઈના વશમાં રહે છે. યથા સમયે માયાની સુંદર પુત્રીએ આ જગમાં પગરણ માંડ્યા.

ફુલશી ક્રિના ખૂબ સુંદર હતી. દીકરીના જન્મ પછી માયા થોડો વખત મૉટલ પર જતી. ઘરમાં મા અને બીજા ભાઈ હતાં. ક્રિના સચવાઈ જતી. મૉટલમાં કેશ રજીસ્ટર પર કામ કરતાં કાળિયા સાથે આંખ લડી. હવે તે પોતે ૨૧ વર્ષની થઈ હતી. મનહર વગર ચેન પડતું નહીં.

લાગ જોઈને કાળિયા સાથે છુમંતર થઈ ગઈ. ક્રિના નાનીના ખોળામાં જઈ પડી. માયાના માતા પિતાએ ઉહાપોહ ન થાય એટલે મૌન સેવ્યું. માયા અને કાળિયો બીલી ગામ છોડી ભાગી ગયા. કોને ખબર કેવી રીતે માનો જીવ ચાલ્યો હશે?

નાની મઝાની ઢીંગલી જેવી દીકરીને જ્યારે માની જરૂર હોય ત્યારે એ મા પ્યારમાં આંધળી બની આંધળુકિયા કરી ગઈ. સારું હતું નાના અને નાની એ તેની કાળજી કરી. બે વર્ષ પછી માયા પાછી આવી.

કાળિયા સાથેના સહવાસથી દીકરી જન્મી અને તેને ઑટીઝમ હતું. ઝાઝું જીવી નહી. બીલી પરણવા માગતો ન હતો એ તો પ્લેબોય નિકળ્યો. જ્યારે પાછી વળી ત્યારે નીચાજોણું સહન કરી માતા પિતાએ સંઘરી. તેની દીકરી ધરાહાર તેની માને ન સોંપી. મનહર ગ્રીનકાર્ડ મળ્યું એટલે અમેરિકા પાછો ફર્યો.

ભરાતમાં તેને માયાના પરાક્રમની ખબર પડી હતી. તેણે ક્રિનાને પોતાની દીકરી છે એ માનવાનો સાફ ઈન્કાર કર્યો. માયાને મૂકી મોના સાથે પરણીને ઘર સંસાર માંડ્યો. મનહર રમાના પિયરનો દૂરનો સગો હતો એટલે પાછો વહેવાર ચાલુ રહ્યો. માયાએ કમને ભણવાનું ચાલુ કર્યું. ત્યાં મોટલમાં કામ કરતો એક પટેલ ઘરભંગ થયો.

માયા કરતાં દસ વર્ષ મોટો હતો. ભાઈને કોઈ દે નહીં ને બહેનને કોઈ લે નહીં. લાકડે માંકડું રમણભાઈએ વળગાડી દીધું.

પટેલ મનુને થયું ભલેને માયાએ ઘણા પરાક્ર મ કર્યા હોય પણ જુવાન છે. બેય જણા સમજીને ઘરસંસાર ચલાવતાં પહેલી પત્નીથી મનુને બાળક થયા ન હતા. માયાના પગલે બે બાળકો આંગણમાં રમતાં થયા.

મનુ તો માયા પર ચાર હાથ રાખતો. તેને અછોવાના કરતો. આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું ને માયા મનુ સાથે સુખી થઈ. ભૂતકાળ વિસરાઈ ગયો. ક્રિના ભણીને ડૉક્ટર થઈ અને સાથે ભણતા કેતન સાથે પરણી ગઈ.

આજે જ્યારે નાની એ પણ સાથ છોડ્યો ત્યારે મનમાં પ્રશ્ન ઉદભવ્યો? મમ્મી છે છતાં પણ પ્યાર નથી.

પિતા તો કોઈ પણ ભોગે સ્વીકારવા તૈયાર નથી. પ્રેમાળ કેતન અને તેનું કુટુંબ ક્રિનાને ઓછું આવવા દેતા નથી. ભણેલી ગણેલી ક્રિનાનાં મનમાં સવાલ ઊઠ્યો, ‘મમ્મી આમ કેમ કરતાં થયું?’


Rate this content
Log in