માયાવી જાદુગર
માયાવી જાદુગર
સુંદરપુર નામે એક ગામ હતું. તે ગામનો રાજા સુંદર દેવ ખુબજ માયાળુ અને પ્રજાપ્રેમી હતો. તે સતત પ્રજાના કામોમાં જ પરોવાયેલો રહેતો હતો. આમ પ્રજા તેમજ રાજા, સૌ કોઈ હળીમળીને સુંદરપુરમાં રહેતા હતા. એક દિવસ એક માયાવી જાદુગર સુંદરપુરમાં આવી ચડ્યો. તે પોતાની સાથે બાજ પક્ષી પણ લાવ્યો હતો. જાદુગર ખૂબ જ માયાવી લાગતો હતો. તેને જોઈને ગામના લોકોને કુતૂહલ થયું, અને બધા જ ગામલોકો તેને જોવા માટે એક જગ્યાએ એકઠા થયા. જ્યાં ગામ લોકો ભેગા થયા હતા ત્યાં જ જાદુગરે જાદુના ખેલ બતાવવાનું શરૂ કરી દીધું. જાદુના ખેલ જોઇને બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈને પણ માન્યામાં ના આવે તેવા અજબ ગજબના ખેલ જાદુગર કરી રહ્યો હતો. તેની જાદુગરીથી સૌ કોઈ તેના વશમાં થઈ ગયા હતા, અને તે જેમ કહે તે પ્રમાણે જ કરતાં હતાં. ગામમાં આવો માયાવી જાદુગર આવ્યો છે તેવી વાતની રાજાને જાણ થતાં, રાજાએ તરત સૈનિકોને મોકલી તે જાદુગરને મહેલમાં લઈ આવવા માટે કહ્યું.
સૈનિકો તરત જ ગામમાં પહોંચ્યા અને જાદુગર જ્યાં ખેલ કરી રહ્યો હતો, ત્યાંથી જ તેને ઉપાડી અને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો. જાદુગરને જોઈ રાજા પણ વિચારમાં પડી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. આ કોઈ માયાવી માનવી હોય તેવું લાગી રહ્યું છે. તેથી રાજાએ જાદુગર ને તરત જ ગામ છોડી જવા માટે આદેશ કર્યો. પરંતુ જાદુગર તે માટે તૈયાર થયો નહીં. તેણે કહ્યું કે, "હે રાજા ! જો તમે તમારા પુત્રને મારી સાથે મોકલવા તૈયાર હોવ, તો હું મારી બધી જ વિદ્યા જે આ બાજ પક્ષીમાં સમાયેલી છે તેને તમારા હવાલે કરીને કાયમ માટે ગામ છોડીને જવા તૈયાર છું." રાજાએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાના ફૂલ જેવા રાજકુમારને પેલા જાદુગરના હવાલે કરી દીધો. જાદુગરે પોતાનું બાજ પક્ષી રાજાની બાજુમાં બેસાડ્યું અને ત્યાં બેઠેલા રાજકુમારને લઈને ચાલતો થયો. દરબારમાં બેઠેલા સૌ કોઈ રાજાને વિનંતી કરવા લાગ્યા કે, " હે રાજન ! તમે આવું ન કરો. અમારા માટે થઈને તમે તમારા કુળનો નાશ ન કરો." રાજા પ્રજા પ્રેમી હતો. તેણે કોઈની પણ વાત ધ્યાને લીધી નહીં, અને રાજ દરબાર બરખાસ્ત કર્યો.
જાદુગર રાજકુમારને સાથે લઈને ચાલવા લાગ્યો. રાજકુમાર પણ કોઈ પણ જાતના સંકોચ વગર પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય તેમ, જાદુગર જોડે ચાલ્યે જતો હતો. થોડેક દૂર સુધી ચાલ્યા પછી એક ઝાડ નીચે જાદુગર અને રાજકુમાર આરામ કરવા બેઠા. રાજકુમારને ચાલવાના કારણે ઊંઘ આવી ગઈ. ઊઠીને જોયું તો ત્યાં જાદુગરના બદલે ઋષિ તપ કરી રહ્યા હતાં. રાજકુમાર ઋષિને લઈને પાછો રાજમહેલ આવ્યો. ત્યાં આવીને જોયું તો પેલા જાદુગરે જે બાજ પક્ષી આપ્યું હતું, તે હવે રૂપરૂપના અંબાર જેવી રાજકુમારી બની ગયું હતું. રાજા આ બધું જોઈ આશ્ચર્યમાં પડી ગયો. જાદુગરના વેશમાં આવેલા ઋષિએ માંડીને બધી વાત કરી.
ઋષિએ કહ્યું કે, એકવાર અજાણતા અમારાથી એક પાપ થઈ ગયું હતું. જેથી હું જાદુગર અને મારી પુત્રી બાજ પક્ષી બની ગયા હતા. અમને શ્રાપ હતો કે જ્યાં સુધી કોઈ પોતાના પુત્રનું બલિદાન આપવાવાળો રાજા નહીં મળે, ત્યાં સુધી અમારે જાદુગર અને બાજ બનીને જ રહેવું પડશે. આજે તમારા કારણે અમે શ્રાપમુક્ત થાય છીએ, તેથી અમે આપના ઋણી છીએ. રાજાએ સહજતાથી બંનેને માફ કરી દીધાં, અને રાજકુમારના લગ્ન પેલી રાજકુમારી સાથે કરાવ્યા. આખા ગામે રાજાના આ નિર્ણયને વધવી લીધો. ધન્ય છે એ રાજાને અને તેની પ્રજાને.
