Meenaz Vasaya. "મૌસમી"

Children Stories

3  

Meenaz Vasaya. "મૌસમી"

Children Stories

મારી વાડીનો કૂવો

મારી વાડીનો કૂવો

3 mins
204


કૂવાની વાત આવી એટલે, મારી વાડી યાદ આવી ગઈ. મારું ગામ એટલે રાજુલા સિટી.

મારો જન્મ એક વાડીમાં થયો.જ્યાં કુદરતે અઢળક દોલત આપી હતી. સંતોષની દોલત, આસ્થાની દોલત, ઈમાનની દોલત, બસ કુદરતે ખોબલે ભરી ભરી કુદરતી સૌંદર્ય આપ્યું હતું. ચારે બાજુ વૃક્ષો, પંખીઓ પતંગિયાઓ, ગાય ભેંસ, બળદ કૂતરા તમામ પ્રાણીઓ પણ હતા.

ખેતી એટલે જે ચોમાસામાં જ વાવણી કરવામાં આવે,અને વાડી એટલે બારેમાસ લીલીછમ, ત્યાં કૂવો હોય અને કૂવા દ્વારા અનાજ, ફળ, ફૂલોને પાણી પીવડાવવામાં આવે.

અમારે પણ આવો એક કૂવો હતો. કોસની તો મને નથી ખબર પણ મોટર હતી. શરૂ કરો એટલે પાણીનો ધોધ પડે. એ થાળામાં પડે ત્યાંથી નાનો ધોરિયો હોય અને એ ધોરિયા દ્વારા કુંડીમાં પાણી આવે. અને એ સમયમાં પણ આ કુંડી અમારા માટે સ્વિમિંગ પુલ હતી.

અમે બધા ભાઈ બહેનો કુંડીમાં નહાતા. વાસણ અને કપડાં પણ ત્યાં જ ધોતા.

ગાજર ને મૂળા પણ એ કુંડીમાં ધોતા અને સાથે રેડિયો તો હોય જ રફી સાહેબ અને લતાજી આશાજી મુકેશજી ના ગીતો સાંભળતા જાણે સ્વર્ગ સમું હતું એ જીવન પૈસા નહોતા, બીજી જોડી કપડાં નહોતા, સારું ખાવાનું નહોતું, રહેવા માટે સારું ઘર નહોતું તોય અમે ખૂબ શ્રીમંત હતા. કુદરતી દોલત હતી. સંતોષ હતો. ઓળો ને રોટલો અમને પીઝા કરતા વધારે સ્વાદિષ્ટ લાગતો. અમારી વાડી જાણે રિસોર્ટ ! આ કુંડી અમારો સ્વિમિંગ પુલ .પણ ત્યારે એ પિકનિક જેવી લાગતું. ત્યારે એ આનંદ હતો એ અવર્ણનીય છે. અહેસાસ ને લબઝોમાં બયાન કેવી રીતે કરી શકાય ? કુંડીમાં કુદતા મારતા તો એવું લાગતું જાણે લિમ્કા બુકમાં સ્થાન પામ્યા, પાણી સતત વહેતું જ રહે જ્યાં સુધી મોટર શરૂ હોય. ધોરીયા દ્વારા પાણી કેરા સુધી આવે અને એક કેરો ભરાઈ જાય. તો ત્યાં આડી પાળ કરી બીજા કેરા માં પાણી જવા દેતા.એને પાણી વાળવું એમ કહેવાય.આજે મને સમજાય છે.પાણી ને જે પાત્ર માં ભરો એના જેવો એ આકાર ધારણ કરી લે છે.

આપણે પણ આ સમય ને સંજોગો અનુરૂપ ચાલવું જોઈએ અને પાણી જેવી પાત્રતા ધારણ કરવી જોઈએ.

જ્યારે લાઈટ ના હોય ત્યારે કૂવેથી પાણી સીંચતા. એમાં એક ઘડાને દોરી સાથે બાંધતા અને કૂવામાં નાખતા. જ્યારે ઘડો નીચે નમે તો જ એમાં પાણી ભરાતું અને બુડ બુડ અવાજ આવતો કૂવામાં, તો અમે ખુશ થતાં અમારો ઘડો ભરાઈ ગયો.આ ઘડો અને દોરી એક બીજા ના સાથી,એકબીજા વગર કૂવામાંથી પાણી ના નીકળી શકે. એમ સમાજનો આધાર એકબીજા માનવી પર છે. અને એકબીજાને સહકાર આપવો જોઈએ. આ ઘડો નમે તો જ પાણી ભરાય. નમવું મતલબ ઝૂકવું,નમ્રતા રાખવી અગર આપણ ને કઈ મેળવવું છે તો જીવનમાં નમ્રતા જરૂરી છે.

આ કોરી માટીમાં જ્યારે પાણી જતું કેટલી મીઠી ખુશ્બુ આવતી. આ પાણી ધરતીને સંતૃપ્ત કરે તો એનો બદલો ધરતી અનાજ ફળ ફૂલ વિગેરે આપે છે.

આમ જોવા જઈયે તો કુદરત ના દરેક તત્વો માનવી માટે ઉપયોગી છે અને માનવીને કઈ ને કઈ આપે છે. સૂરજ રોશની આપે. ચાંદ અજવાળું આપે. વૃક્ષો ફળ ફૂલ આપે. નદી મીઠું જળ આપે. સાગર મોતી આપે. કૂવો પણ પાણી આપે, પણ એના બદલામાં માનવી પ્રકૃતિને શું આપે ?


Rate this content
Log in