'Sagar' Ramolia

Children Stories Inspirational

3  

'Sagar' Ramolia

Children Stories Inspirational

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-20

3 mins
244


તમે તો મગજના કારીગર છો!


   એક વખત ઘરની દીવાલ ભીની થવા લાગી. મનમાં થયું કે, કયાંક પાણીની પાઈપ તૂટી હશે. મારા પડોશીએ કહ્યું, ‘‘આ માટે કોઈ સારો પ્‍લમ્‍બર જોઈએ. જેવોતેવો આવી જાય તો દીવાલ વધારે તોડી નાખે. ઘરની દશા બગાડી નાખે.'' મેં સારો પ્‍લમ્‍બર ઘ્‍યાનમાં હોય તો કહેવા માટે વાત કરી. થોડીવાર પછી તેણે એક નંબર આપ્‍યો. મેં એ નંબર ઉપર ફોન કરીને પ્‍લમ્‍બરને આવવા માટે કહ્યું.

   પ્‍લમ્‍બર આવે છે. તેણે મને જોયો. પછી કામની વિગત જાણીને પાઈપનું ભંગાણ શોધવા લાગ્‍યો. થોડીવાર સુધી દીવાલમાં જુદી-જુદી જગ્‍યાએ ટકોરો મારતો રહ્યો. ટકોરો મારતાં-મારતાં બાથરૂમની દીવાલ પાસે પહોંચ્‍યો. મને થયું, દીવાલ ભીની આ જગ્‍યાએ થઈ છે ને આ ત્‍યાં શું કરે છે? મારાથી રહેવાયું નહિ. તેને એ બાબત વાત કરી. એટલે તે ત્રાંસી નજરે મારી સામે જોવા લાગ્‍યો.

   પછી બોલ્‍યો, ‘‘ઘરમાં પણ બોલવાનું બંધ નથી રાખતા, રામોલિયાસાહેબ!''

   મેં કહ્યું, ‘‘દીવાલ આ જગ્‍યાએ ભીની થઈ છે તો ત્‍યાં શું જોવાનું છે?''

   તે કહે, ‘‘મને મારું કામ કરવા દો. પછી બીજી વાત.''

   આમ કહી તે પોતાનું કામ કરવા લાગ્‍યો. પણ હું ચકરાવે ચડયો. તેણે ‘રામોલિયાસાહેબ' કહ્યું એતો ઘરના દરવાજે નામ લખેલ છે તેના આધારે કહ્યું હોય. પણ ‘ઘરમાં પણ બોલવાનું' વાકય વિચારે ચડાવી ગયું. એટલે મનને થોડું ફંફોસ્‍યું. તો યાદ આવી ગયું. આ તો લક્ષ્મણ જેરામભાઈ કછટિયા લાગે છે. મોટો થઈ ગયો, પણ મોઢાનો દેખાવ પહેલા જેવો જ લાગતો હતો. એટલે તરત યાદ આવી ગયું. તે ભણતો ત્‍યારે પણ પાણી બાબતના કામમાં વધું ઘ્‍યાન રાખતો. જુદી-જુદી નળીઓને જોડવી હોય તો તે પહોંચી જ જાય. એટલે એક દિવસ મેં કટાક્ષમાં કહ્યું હતું, ‘‘શું તારે પ્‍લમ્‍બર બનવું છે?'' એટલે એ મોઢું મલકાવીને ત્‍યાંથી ચાલ્‍યો ગયો. અને આજે તે ખરેખર પ્‍લમ્‍બર બનીને મારી સામે આવ્‍યો હતો. હું બોલ્‍યો નહિ. તેને તેનું કામ કરવા દીધું.

   હવે તે બોલ્‍યો, ‘‘બાથરૂમની પાઈપ તૂટેલી છે, ત્‍યાંથી આ પાણી આવે છે.''

   મેં કહ્યું, ‘‘પાઈપ બાથરૂમમાં તૂટે ને પાણી અહીંથી નીકળે?''

   તે કહે, ‘‘મને મારું કામ કરવા દો, ને તમે જોયા કરો!''

   તે કામે વળગી ગયો. બાથરૂમની થોડી દીવાલ તોડીને તૂટેલો ભાગ શોધી કાઢયો. મેં પણ તે જોયું. તે સાચો હતો. ત્‍યાં નવી પાઈપ નાખીને ફરી હતું તેવું કરી દીધું. કોઈ ન કહી શકે કે, અહીં દીવાલ તોડી હશે. કામ પૂરું કરીને તે ઊભો થયો.

   મને કહે, ‘‘હવે કહો, તમારે શું કહેવું છે?''

   મેં જવાબ આપ્‍યો, ‘‘લક્ષ્મણ! તું તો કાબેલ કારીગર છો હો!''

   તે કહે, ‘‘લ્‍યો, તમે તો મને ઓળખી ગયા.''

   મેં કહ્યું, ‘‘તું ભણતો ત્‍યારથી કારીગર હતો ને, એટલે ઓળખી ગયો.''

   તે કહે, ‘‘સાહેબ! હું તો આવી પાઈપનો કારીગર છું. પણ તમે તો મગજના કારીગર છો. અનેકના મગજને તમે સારાં કરી દીધાં છે. જેને સુધારવો મુશ્‍કેલ હોય, એને પણ તમે સુધારી દીધો છે. એમાંનો એક હું પણ છું. તમે પાઠ ભણાવતી વખતે વચ્‍ચે બોધપ્રદ ઉદાહરણો આપતા. તે ઉદાહરણો મારા મનમાં ખૂબ ગૂંજ્યાં. મને વાંચવા-લખવાનું શીખવાની તાલાવેલી જાગી. શાળાએ તો આગળ ન ભણ્‍યો, પણ બીજા પાસે હું શીખવા લાગ્‍યો. આજે ગુજરાતી, હિન્‍દી, અંગ્રેજી બરાબર આવડે છે. હું જે ધંધો કરું છું, તે મારા રસનો વિષય હતો. તેથી તેમાં તો સારી કાબેલિયત આવી જ ગઈ.''

   મેં કહ્યું, ‘‘સરસ વાત તેં કરી દીધી. જેને શીખવું જ હોય, તે ગમે તે રીતે શીખી શકે છે. જરૂર છે માત્ર શીખવા પ્રત્‍યે રૂચિ કેળવવાની.''

   તે કહે, ‘‘લ્‍યો, ત્‍યારે હું જાવ છું. જરૂર પડે ત્‍યારે યાદ કરજો.''

   આટલું બોલી તે ચાલી નીકળ્‍યો અને હું તેને અહોભાવથી જોતો રહ્યો.


Rate this content
Log in