'Sagar' Ramolia

Children Stories Inspirational

3  

'Sagar' Ramolia

Children Stories Inspirational

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17

મારા ઠોઠ વિદ્યાર્થીઓ-17

3 mins
414


હું અહીં ઊભો છું, સાહેબ!


       જીવનમાં કોણ કયારે મળી જાય એ ખબર હોતી નથી. કયારેક અણગમતું મળે, તો કયારેક ગમતું પણ મળે. મનના વિચારોનું પણ એવું જ છે. કયારેક સારો વિચાર આવે, તો કયારેક દુઃખદાયક વિચાર પણ આવીને ઊભો રહી જાય છે. પણ આપણે તો સંસારસાગરમાં રહેનારા. એટલે લડવાનું તો રહ્યું જ (ઝગડવાનું નથી કહેતો). મન આવા વિચારમાં પડયું હતું અને તે વખતે હું ગાડી લઈને નીકળ્‍યો. રસ્‍તામાં ચાર રસ્‍તાની ચોકડી આવી. વાહનોની ભીડ વધારે હતી. તેથી ગાડી થોડી રોકી. અન્‍ય પણ ત્‍યાં ગાડી રોકી ઊભા હતા. બાજુના રસ્‍તેથી આવતાં વાહનો થોડાં ઓછાં થયાં એટલે મેં ગાડી ચલાવવી શરૂ કરી. ત્‍યાં તો અવાજ આવ્‍યો, ‘‘કયાં જાવું છે? હું અહીં ઊભો છું, સાહેબ!''


       મેં વળી અવાજની દિશામાં જોયું. ત્‍યાં તો ટ્રાફિકપોલીસના બે જવાનો ઊભા હતા. તેમાંથી એકે મારા તરફ હાથ કરીને મને રોકાવાનું કહ્યું. મને આશ્ચર્ય થયું. એક તો એ કે અહીં પહેલી વખત આ લોકો હતા. આ ચોકડીએ ટ્રાફિકપોલીસ કયારેય જોયેલ નહિ. બીજું એ કે પોલીસવાળા કદી' કોઈને રોકવા માટે ‘સાહેબ' કહીને બોલાવતા હોય એવું આ પહેલા કયારેય સાંભળ્‍યું નહોતું. મોટા ભાગે ‘એ એકટીવાવાળા ઊભો રહે' જેવા શબ્‍દો સાંભળવા મળે. એટલે ગાડી એકબાજુ રાખી હું તેની પાસે ગયો.


       હું બોલ્‍યો, ‘‘આવા માનભર્યા શબ્‍દો વાપરવા બદલ ખૂબ-ખૂબ આભાર, ભાઈ!''

       તે કહે, ‘‘ગુરુજીને માનથી ન બોલાવાય? હું તમારો વિદ્યાર્થી છું. મારું નામ અશોક ચંદુભાઈ વિસરોલિયા છે.''

       મને યાદ આવ્‍યું, આ ભણવામાં તો ખૂબ નબળો હતો. વાંચવાનુંય માંડ ફાવતું. હા, છતાંયે તેનું સ્‍વપ્‍ન પોલીસ બનવાનું હતું. શાળામાં કોઈ કાર્યક્રમ હોય, તો તે પોલીસનો વેશ જ ધારણ કરતો. એટલે એક દિવસ મારાથી કહેવાય ગયું, ‘‘તારે પોલીસ તો બનવું છે, પણ તેના માટે ભણવું પડે અને તને ભણવામાં તો રસ નથી. તો પોલીસ કઈ રીતે બનીશ?'' મારી વાત સાંભળીને તે થોડો ગંભીર તો બન્‍યો, પણ તેના શિક્ષણમાં કોઈ સુધારો આવ્‍યો હોય એવું ત્‍યારે તો નહોતું દેખાયું. અને પછી તો તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને માઘ્‍યમિક શાળામાં ગયેલ.

       મેં તેને પૂછયું, ‘‘તું અહીં સુધી કઈ રીતે પહોંચ્‍યો.''

       તે કહે, ‘‘કેમ ન પહોંચું!''

       મેં કહ્યું, ‘‘તને ભણવામાં રસ નહોતો એટલે કહું છું.''

       તે કહે, ‘‘રામોલિયાસાહેબ, કયારેક તમારા પ્રેમાળ શબ્‍દોએ, તો કયારેક તમારા ધારદાર શબ્‍દોએ અનેકના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. આ વાત મેં ઘણા પાસેથી સાંભળી. મને પણ તમારા શબ્‍દો યાદ આવ્‍યા અને મહેનત કરવાનું નક્કી કરી લીધું.''

       મેં પૂછયું, ‘‘હં, એ તો ઠીક, પણ અહીં સુધી પહોંચવા તેં શું કર્યું? પાસ કઈ રીતે થતો ગયો?''

       તે કહે, ‘‘મહેનત કરીને પાસ થયો છું, સાહેબ! ચોરી નથી કરી. તમારા શબ્‍દો યાદ આવ્‍યા અને મનમાં સપનું સળવળ્‍યું. કરવા લાગ્‍યો મહેનત અને મંડયો પાસ થવા અને આજે મારું પોલીસ બનવાનું સપનું પૂરું કરીને અહીં ઊભો છું.''

       મેં મજાક કરી, ‘‘ખાલી ઊભું જ ન રહેવાનું હોય! ફરજનું પાલન પણ કરવાનું હોય.''

       તે બોલ્‍યો, ‘‘હું ફરજનું પાલન કરું જ છું. આગળ પણ પરીક્ષા આાપવી છે અને ઊંચા હોદ્દા સુધી પહોંચવું છે. તમારા શબ્‍દોએ મને અહીં પહોંચાડયો. હવે તમારા આશીર્વાદથી હું આગળ વધવા ઈચ્‍છું છું. મને આશીર્વાદ આપો.''

       મેં કહ્યું, ‘‘જે સપનું જુવે છે, અને મહેનત કરે છે, એ સફળ થાય જ છે. વડીલોના આશીર્વાદ તેમાં ઉત્‍સાહ આપે છે. તું પણ નીતિ રાખીને મહેનત કરીશ, તો તારું સ્‍વપ્‍ન જરૂર પૂરું થશે જ. હા, અભ્‍યાસની તાકાત ખૂબ શકિતશાળી છે એ ભૂલતો નહિ!''


Rate this content
Log in