'Sagar' Ramolia

Children Stories Comedy

4.9  

'Sagar' Ramolia

Children Stories Comedy

માખીઓની મોકાણ

માખીઓની મોકાણ

2 mins
616


દેવલોકમાં આજે દોડાદોડી થઈ પડી છે. આ કરૂણ વિલાપ કયાંથી આવે છે એ જાણવા માટે બધા જુદી જુદી દિશામાં ભાગ્યા છે. જ્યારે સુદામા આવ્યાના સમાચાર સાંભળીને શ્રીકૃષ્ણ ભાગ્યા’તા એમ જ. આ કરુણ વિલાપથી દેવીઓની આંખોમાં પણ શ્રાવણ -ભાદરવો છે. કરુણ વિલાપને લીધે દેવલોકમાં વાતાવરણ પણ કરુણ બની ગયું છે. આંસુનો વરસાદ વરસવા લાગ્યો છે.

તપાસ કરતા દેવલોકના પૂર્વ દરવાજે જોયું તો પૃથ્વી પરની બધી જ માખીઓ ત્યાં હાજર છે અને કરુણ વિલાપ કરે છે. વાત પહોંચી ભગવાન શંકર પાસે. ભગવાન શંકર નંદી ઉપર બેસીને માખીઓ સમક્ષા હાજર થયા. માખીઓને શાંત પાડીને હકીકત પૂછી. ત્યારે માખીઓ બોલી, ‘‘ભગવાન! અમને બચાવો ! આ પૃથ્વીવાસી મનુષ્યો હવે સુધરતા જાય છે. કયાંય ગંદકી રહેવા દેતા નથી. વળી એ મનુષ્યોની સરકાર પણ હાથ ધોઈને અમારી પાછળ પડી છે ! રસ્તાઓ પણ સાફ કરે છે, ગટરો બધી ઢાંકેલ રાખે છે ને વળી અમે ત્યાં ન જઈએ એવી દવાઓ છાંટે છે. આ મનુષ્યોએ અમારા ઉપર કાળો કેર વર્તાવી દીધો, અમારું જીવવાનું હરામ કરી દીધું. આવી રીતે ચાલશે તો માખી જાતનો નાશ થઈ જશે. હવે તમે જ કહો ભગવાન! અમારે શું કરવું ?’’

માખીઓની પૂરી વાત સાંભળી લીધા પછી ભગવાન શંકર માખીઓને સમજાવે છે, ‘‘મારી વહાલી માખીઓ ! તમે અને મચ્છરો તો પૃથ્વી ઉપર સારું કામ કરો છો ! તમે રોગચાળો ફેલાવો એટલે એમાં ઘણાં મરે અને પૃથ્વી ઉપર એટલો વસ્તીનો ઘટાડો થાય. આવું ન બને તો તો પૃથ્વી ઉપર વસ્તી કયાંય સમાય જ નહિ !  વળી તમે જેનાથી ડરો છો એ સફાઈ અભિયાન તો ‘ચાર દિનની ચાંદની’ જેવું છે. કોઈ નવો અધિકારી આવે એટલે બે-ચાર દિવસ સફાઈ થાય. પછી તો તમારે જલસા જ છે ને ! આ બે-ચાર દિવસ પછી તમારી જાતિનો નાશ નહિ, વધારો થશે વધારો ! કારણ કે મનુષ્ય ‘લાવ, લાવ!’ કરવામાંથી નવરો થાય તો સફાઈ કરે ને ? મનુષ્યને રોજ સફાઈ કરવાનો સમય પણ નથી. એટલે પૃથ્વી પર રાજ મનુષ્યની સરકારનું નહિ, તમારું ચાલશે. માટે તમે ચિંતા ન કરો! બે દિવસ ધીરજ રાખો! ત્રીજો દિવસ તમારા માટે ખુશીનો હશે!’’

ભગવાન શંકરની વાત સાંભળીને માખીઓને શાંતિ થઈ. પછી મધુર સંગીત વગાડતી વગાડતી પૃથ્વી પર પાછી આવવા નીકળી પડી. જાણે પૃથ્વી ઉપર હુમલો ન કરવો હોય! શું મનુષ્ય એ હુમલાને રોકી શકશે ! 


Rate this content
Log in